આ વખતે ફૂટબોલ (Football) વર્લ્ડ કપ FIFA વર્લ્ડ કપ 2022નું (Fifa World cup 2022) આયોજન ગલ્ફ દેશ કતરમાં (Qatar) કરવામાં આવી રહ્યું છે. કતરમાં ફીફા દ્વારા જે પ્રકારનું આયોજન કરાયું છે તે જોતા કહી શકાય કે આ આ વિશ્વનો અત્યાર સુધીનો સૌથી મોંઘોં રમતોત્સવ છે. આંકડાઓ પણ કાંઈક આવું જ કહે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર વર્લ્ડકપના આયોજન પર કતર દ્વારા $222 બિલિયનનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ માટે દેશમાં છ નવા સ્ટેડિયમ (Stedium) બનાવવામાં આવ્યા છે.
- વર્લ્ડકપના આયોજન પર કતરે અંબાણી-અદાણીની કુલ સંપત્તિ કરતાં વધુ ખર્ચી નાંખ્યા
- કતરે ફિફા વર્લ્ડ કપના આયોજન પર 222 બિલિયન ડોલરની મોટી રકમ ખર્ચી
- બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ અનુસાર અદાણીની કુલ સંપત્તિ હાલમાં $132 બિલિયન છે જ્યારે અંબાણીની કુલ સંપત્તિ $90 બિલિયન છે
ખાડી દેશ કતરમાં ફિફા વર્લ્ડ કપની શરૂઆત થઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કતરે તેના આયોજન પર 222 બિલિયન ડોલરની મોટી રકમ ખર્ચી છે. આ રકમ ભારત અને એશિયાના બે સૌથી મોટા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીની કુલ નેટવર્થ કરતાં વધુ છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ અનુસાર અદાણીની કુલ સંપત્તિ હાલમાં $132 બિલિયન છે જ્યારે અંબાણીની કુલ સંપત્તિ $90 બિલિયન છે. કુલ મળીને બંનેની કુલ સંપત્તિ 222 બિલિયન ડોલર છે. અદાણી ગ્રુપના ચેરમેન અદાણી વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં ત્રીજા નંબરે છે. દેશની સૌથી મૂલ્યવાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અંબાણી આ યાદીમાં નવમા નંબરે છે.
કતરમાં આયોજિત ફૂટબોલ વર્લ્ડ કપ અત્યાર સુધીનો સૌથી મોંઘો રમતોત્સવ સાબિત થઈ રહ્યો છે. તેની શરૂઆત 20 નવેમ્બરે યજમાન કતર અને એક્વાડોર વચ્ચેની મેચથી થઈ હતી. ફાઈનલ મેચ 18 ડિસેમ્બરે રમાશે. તેમાં કુલ 32 ટીમો ભાગ લઈ રહી છે. કતરને 2010માં ફૂટબોલ વર્લ્ડ કપની યજમાની મળી હતી અને ત્યારથી આ દેશે ઈવેન્ટને સફળ બનાવવા માટે નાણાં ખર્ચ્યા છે. આ માટે છ નવા સ્ટેડિયમ બનાવવામાં આવ્યા છે જ્યારે બે જૂના સ્ટેડિયમનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. આ સાથે ખેલાડીઓની તાલીમ માટે સ્ટેડિયમ પણ બનાવવામાં આવ્યા છે. તેની પાછળ કુલ 6.5 અબજથી 10 અબજ ડોલરનો ખર્ચ થવાનો અંદાજ છે. પ્રારંભિક બિડમાં તેની કિંમત ચાર અબજ ડોલર હોવાનું કહેવાયું હતું.
ધ પર્લ પર $15 બિલિયન ખર્ચ્યા
અમેરિકન સ્પોર્ટ્સ ફાઇનાન્સ કન્સલ્ટન્સી ફ્રન્ટ ઓફિસ સ્પોર્ટ્સ અનુસાર કતરે વર્લ્ડ કપ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે $210 બિલિયનનો ખર્ચ કર્યો છે. આમાં એરપોર્ટ, રસ્તા, ઇનોવેટિવ હબ, હોટલ અને અન્ય વસ્તુઓનો વિકાસ સામેલ છે. એકલા દોહામાં ખેલાડીઓ માટે રહેવા માટેનું સંકુલ ધ પર્લ બનાવવા માટે $15 બિલિયનનો ખર્ચ કરવામાં આવ્યો છે. જ્યારે દોહા મેટ્રો પર $36 બિલિયનનો ખર્ચ કરવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કતર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર ઘણા વર્ષોથી દર અઠવાડિયે $50 કરોડ ખર્ચ કર્યા છે.
અગાઉ 2018માં રશિયામાં ફૂટબોલ વર્લ્ડ કપ યોજાયો હતો. તેના પર કુલ $11.6 બિલિયનનો ખર્ચ કરવામાં આવ્યો હતો. તે પહેલા 2014માં બ્રાઝિલમાં $15 બિલિયન અને 2010માં દક્ષિણ આફ્રિકામાં $3.6 બિલિયન ખર્ચવામાં આવ્યા હતા. તે પહેલાં જર્મનીમાં 2006 ફૂટબોલ વર્લ્ડ કપનો ખર્ચ $4.3 બિલિયન, જાપાનમાં 2002 ની ઇવેન્ટનો ખર્ચ $7 બિલિયન, ફ્રાન્સ 1998માં $2.3 બિલિયન અને 1994માં US $500 મિલિયનનો ખર્ચ થયો હતો.