Gujarat

અમદાવાદમાં હું નથુરામ નાટકનો ઉગ્ર વિરોધ- NSUI દ્વારા ઓડિટોરિયમની દિવાલ ઉપર ગોડસે મુર્દાબાદના સૂત્રો લખાયા

અમદાવાદ,

હું નથુરામ નાટકનો રાજકોટ-જામનગરમાં ઉગ્ર વિરોધ થયા બાદ આજે અમદાવાદમાં પણ યોજાનાર હું નથુરામ નાટકનો એનએસયુઆઈના કાર્યકર્તા દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. શહેરના સિંધુ ભવન રોડ ઉપર આવેલા એક ઓડિટોરિયમમાં આ નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. બીજી તરફ એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ દ્વારા નાટકનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.

રાજકોટ અને જામનગર બાદ હવે અમદાવાદમાં પણ હું નથુરામ નાટકને લઈ ભારે વિવાદ શરૂ થયો છે. અમદાવાદના સિંધુભવન રોડ ઉપર પંડિત દિન દયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં આ નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને પગલે એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ઓડિટોરિયમની દીવાલો ઉપર ગોડસે મુર્દાબાદ ગાંધીજી અમર રહોના સૂત્રો લખી વિરોધ પ્રદર્શન કર્યો હતો. સાથે જ ગાંધીની ભૂમિ ગુજરાતમાં ગોડસે હીરો બનાવતું નાટક ચલાવી લેવામાં આવશે નહીં, કાર્યકર્તાઓએ ઓડિટોરિયમની આસપાસ લગાવવામાં આવેલા નથુરામ ગોડસેના ફોટા ઉપર કાળી સહી લગાવીને વિરોધ પ્રદર્શન કર્યો હતો.

અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે, રાજકોટ અને જામનગરમાં પણ આ નાટકને લઈ ખૂબ વિવાદ થયો હતો. જેમાં રાજકોટમાં ઓડિટોરિયમમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા કાર્યકર્તાઓએ તોડફોડ કરી હતી. આ ઘટનાને લઈ પોલીસે પણ કાર્યવાહી હાથ ધરી હતી.

Most Popular

To Top