સુરત: બુધવારે ચૈત્રી નવરાત્રી,ગુડી પડવો અને ચેટી ચાંદનો ત્રિવેણી સંગમ યોજાઇ રહ્યો છે. આ દિવસને હિન્દુ ધર્મના નવા વર્ષની શરૂઆત તરીકે પણ ઉજવવામાં આવે છે. આ ત્રણે તહેવારોને (Festiwal) હિંદુઓ ખુબ જ પારંપરિક રીતે ઉજવતા હોય છે. એવામાં ચૈત્રી નવરાત્રીનો (Navratri) પણ ખુબ જ અનોખો મહિમા હોય છે ત્યારે ગુડી પડવાને પણ મહારાષ્ટ્રની (Maharastra) સાથે સુરતમાં વસવાટ કરતા મહારાષ્ટ્રિયન સમુદાયના લોકો પણ ધૂમધામપૂર્વક ઉજવતા હોય છે. કેમકે આ દિવસથી તેઓનું નવુ વરસ શરૂ થાય છે. ઝુલેલાલના મંદિરોમાં સિંધી બંધુઓ અનેક ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરીને એકબીજાને ચેટી ચાંદ મુબારક કહેશે.
ચૈત્રી નવરાત્રીને લઇને સુરત શહેરના પાર્લે પોઇન્ટ વિસ્તારમાં આવેલા અંબિકાનિકેતન મંદિરમાં બે દિવસ અગાઉથી જ તૈયારીઓનો પ્રારંભ થઇ ચુક્યો હતો. જેના ઉપલક્ષમાં મંદિરમાં સિનિયર મહંત સુરેશ ભટ્ટે માહિતી આપતા જણાવ્યું હતું કે, ચૈત્રી નવરાત્રીના દિવસોમાં મંદિરમાં ભક્તોની વિશેષ ભીડ રહે છે. આથી માંના દર્શન ભક્તો માટે વહેલી સવારે 5:30 કલાકથી જ ખુલ્લા મુકવામાં આવશે. જોકે પ્રતિદિન 7 વાગે થતી માતાજીની આરતીના સમયમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. બપોરે 1 થી 3 મંદિર બંધ રહેશે, સાંજે આરતીનો સમય પણ રાબેતા મુજબનો જ રહેશે. ભક્તો માટે માટે મંદિરના ટ્રસ્ટ દ્વારા અલાયદી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આ દસ દિવસ દરમ્યાન રોજે રોજ આશરે 10થી 12 હજાર જેટલા ભક્તગણ દર્શનાર્થે આવતો હોય છે. જેથી મંદિરમાં થતી ભીડને કંટ્રોલ કરવા માટે વિશેષ બેરીકેડની વ્યવસ્થા કરવામાં આવી છે. ગરમી હોવાને કારણે કુલર્સ અને પાણીની પણ ખાસ વ્યવસ્થાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.
આ વખતે નવરાત્રી સારા વરસાદના સંકેત આપે છે
ચૈત્રી નવરાત્રીમાં આદ્યશક્તિ એવી માતા આ વર્ષે નાવડી ઉપર સવાર થયેલી મુદ્રામાં છે જે ખુબ વિશેષ સંકેત આપે છે. માતાજી નૌકા ઉપર સવાર હોવાનો શાસ્ત્રોક્ત અર્થ એવો થાય છે કે આ વર્ષે ખુબ સારો વરસાદ થશે અને અને ખેતીમાં પાક પણ સારો ઉતરશે. ધરતીપુત્રો માટે આ એક સારા સમાચાર છે. બુધવારે નવરાત્રી શરુ થયાનો સંકેત, જેમાં રાહુ અને કેતુના દોષોમાં મુક્તિ આપવા માટે અંત્રાલ વ્રત પણ કરવામાં આવતું હોય છે. વધુમાં અમ્બિકાનિકેતન મંદિરમાંપહેલા દિવસે આખા મંદિરને ફૂલો વડે શણગારવામાં આવશે તેવું સુરેશ ભટ્ટે જણાવ્યું હતું. રામ નવમીના દિવસે ભાગવાન રામના દરબારમાં નવરાત્રી મહાયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
મરાઠી સમાજ દરવાજા બહાર ‘ગુડ્ડી’ લગાવશે
શહેરમાં મહારાષ્ટ્રીયન સમુદાયનો મોટો વર્ગ વસવાટ કરે છે. તેઓ આ તહેવારને પારંપરિક રીતે ઉજવતા હોય છે. ઘરના દરવાજા ઉપર ગુડ્ડીની સ્થાપના કરવામાં આવે છે અને પૂજા અર્ચના પણ પારંપરિક રીતથી કરવામાં આવતી હોય છે, મરાઠી ભાઈ-બહેનો એકબીજાને નવવર્ષની શુભકામના પાઠવશે. સાથે સાથે સીંધી સમુદાયના લોકો પણ ચેટી ચાંદને ખુબ જ હર્ષોઉલ્લાસ પૂર્વક ઉજવે છે. ઝુલેલાલ મંદિરોમાં આખો દિવસ ધાર્મિક કાર્યક્રમો લાગલગાટ ચાલે છે. સિંધી ભાઈઓ એક બીજાને ચેટી ચાંદ મુબારક પાઠવશે.