સુરત: ઉધના વિસ્તારમાં રહેતા વકીલ તેમજ પૂર્વ કોર્પોરેટરના પુત્ર ફિરોઝખાન પઠાણ (ઉં.વ.આશરે 50 વર્ષ)એ પાલ કેબલ-સ્ટેઈડ બ્રિજ પરથી તાપી નદીમાં ઝંપલાવી જીવન ટુંકાવ્યું છે. આજે શનિવારે તા. 6 સપ્ટેમ્બરની વહેલી સવારે ફિરોઝ પઠાણનો મૃતદેહ ઊભરાટના દરિયા કિનારેથી મળી આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ફિરોઝ પઠાણ લોકસભા વિરોધ પક્ષના નેતા કોંગ્રેસ અગ્રણી રાહુલ ગાંધીના વકીલ પણ રહી ચૂક્યા છે.
- ઉધનાના વકીલ તેમજ પૂર્વ કોર્પોરેટરના પુત્રએ તાપી નદીમાં ઝંપલાવ્યું
- પાલ કેબલ-સ્ટેઈડ બ્રિજ પરની ઘટના, બપોર સુધી શોધખોળ છતાં પત્તો નહીં
પ્રાપ્ત માહિતી મુજબ સવારે 11 વાગ્યે એક રાહદારીએ બ્રિજ પરથી કોઈ વ્યક્તિને નદીમાં કૂદી પડતા જોઈ હતી અને તરત જ ફાયર કંટ્રોલને જાણ કરી હતી. ઘટના બાદ અડાજણ ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. નદીમાં પાણીનો પ્રવાહ ભારે હોવાને કારણે શોધખોળ માટે વેસુ ફાયર સ્ટેશનની ટીમને પણ તાત્કાલિક તૈયાર કરી દેવાઈ હતી.
ફાયર બ્રિગેડના કાફલાઓએ પાલ ઓવારેથી અડાજણ ઓવારા સુધી તથા મગદલ્લા વિસ્તારમાં પણ વ્યાપક શોધખોળ હાથ ધરી હતી, પરંતુ સાંજ સુધી ફિરોઝખાનનો કોઈ પત્તો મળી શક્યો નહોતો. અંતે બંને ફાયર સ્ટેશનોની ટીમોને પરત ફરવું પડ્યું હતું. સ્થળ પરથી ફિરોઝ ખાનની મોપેડ મળી આવી હતી. સીસીટીવીમાં તેઓ બ્રિજની નીચે તેને પાર્ક કરતા કેદ થયા હતા.
દોઢ વર્ષ પહેલાં પણ આપઘાત માટે પ્રયાસ કર્યો હતો
વકીલ વર્તુળોનાં સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે ફિરોઝખાન દોઢ વર્ષ પહેલા પણ આપઘાતનો પ્રયાસ કરી ચૂક્યા હતા. તે સમયે તેમની ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાઈ હતી. ત્યારથી તેઓ સતત ડિપ્રેશનમાં હતા અને છેલ્લા આઠેક મહિનાથી વકીલાતની પ્રેક્ટિસ પણ ઓછી કરી દીધી હતી.
ફિરોઝખાન પઠાણ કોંગ્રેસના અગ્રણી હતા
એડ્વોકેટ ફિરોઝખાન પઠાણ યુવા કોંગ્રેસમાં ઘણાં વર્ષો સુધી સક્રિય રહ્યાં હતાં. ઉપરાંત તેઓ એનએસયુઆઈ, કોંગ્રેસના લિગલ સેલમાં પણ અગ્રણી રહી ચૂક્યા હતા. ઉમરવાડા વોર્ડમાં માજી નગરસેવક તથા લોકગાયક સાહેબખાન પઠાણના તેઓ પુત્ર હતા. પિતા મર્હુમ સાહેબખાન પઠાણ વર્ષ-1995માં સુરત પૂર્વ વિધાનસભા બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર પણ રહી ચૂક્યા હતા.