સુરત: નશામાં કે આવેશમાં આવી ગુનો કર્યા બાદ પસ્તાવો થતો હોય છે, પરંતુ સરાજાહેર ગળું ચીરીને ગ્રીષ્માની હત્યા કર્યાનો ફેનિલને કોઈ અફસોસ નથી. ઉલટાનું તેને સંતોષ છે કે તેણે ગ્રીષ્માને મારી નાંખી. રીઢા ગુનેગારની જેમ પ્લાનિંગ સાથે ફેનિલે ગ્રીષ્માની હત્યા કરી હતી તે સૌ કોઈ જાણે છે, પરંતુ ક્યારેક રીઢા ગુનેગારો પણ ક્રાઈમ કર્યા બાદ માનસિક રીતે પડી ભાંગતા હોય છે. જોકે, ફેનિલ એકદમ સ્વસ્થ છે. લોકઅપમાં પૂરાયા બાદ તે પોલીસ અધિકારીઓ સાથે હસીને વાતો કરે છે. બે ટાઈમ ભરપેટ દાળ-ભાત જમે છે. જ્યૂસ પીવે છે અને ગ્રીષ્માની હત્યા બાદ તેની છાતી પર પગ મુકી મસાલો (માવો) ખાધો હતો તેમ જ બિન્ધાસ્ત માવો પણ ખાય છે.
- લોકઅપમાં તે સ્વસ્થ છે, બે ટાઈમ દાળ-ભાત જમે છે, માવો પણ ખાય છે
- હસી હસીને વાતો કરતો હોય પોલીસ પણ દંગ
- ખોટી વાતો કરી પોલીસને ગેરમાર્ગે દોરી રહ્યો છે
પોલીસ સૂત્રોએ કહ્યું કે, 21 વર્ષની ઉંમરમાં એક યુવતીની હત્યા કર્યા બાદ પણ ફેનિલ એકદમ સ્વસ્થ છે. તેના વર્તનમાં કોઈ જ અફસોસ જણાતો નથી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન જમ્યો નહીં હોય લોકઅપમાં આવ્યા બાદ સમયસર કાયદા અનુસાર જે મળે તે બે ટાઈમ ભરપેટ જમી રહ્યો છે. લોકઅપમાં આવ્યો તે દિવસે જ્યૂસ પીધું હતું. બે ટાઈમ દાળ-ભાત જમ્યો હતો અને રાત્રે પૂરતી ઊંઘ પણ લીધી હતી. પૂછપરછ દરમિયાન તે પોલીસ સાથે હસી હસીને વાતો કરે છે. કેટલીય વાર જુઠ્ઠું બોલી પોલીસને ગેરમાર્ગે દોરવા પ્રયાસ કરી રહ્યો છે. તેને ગ્રીષ્માની હત્યા કર્યાનો સંતોષ છે. તેને અફસોસ છે તો એક જ વાતનો કે તે ગ્રીષ્માના પરિવારની હત્યા કરી શક્યો નહીં.
હત્યારા ફેનિલને તેના પરિવારમાંથી કોઈ મળવા આવ્યું નથી
ગ્રીષ્માની હત્યા બાદ ફેનિલ હોસ્પિટલથી કામરેજ પોલીસ સ્ટેશનના લોકઅપમાં પુરાયો છે. હત્યાના 6 દિવસ બાદ હજુ સુધી ફેનિલને તેના પરિવારમાંથી કોઈ મળવા આવ્યું નથી. માતા-પિતા, ભાઈ-મિત્ર કોઈ આવ્યું નથી. હત્યાના પ્લાનિંગ દરમિયાન તે જે મિત્રો, પિતરાઈ ભાઈને મળ્યો હતો તેઓની પોલીસે પૂછપરછ કરી છે. મોટાભાગના ફેનિલની ગ્રીષ્મા પ્રત્યેની લાગણી જાણતા હતા અને લગભગ દોઢ વર્ષથી તેને ગ્રીષ્માનો પીછો છોડી દેવા સમજાવતા હતા. મિત્રો, સગા નિવેદનો આપવા પૂરતા જ પોલીસ સ્ટેશને આવ્યા છે, પરંતુ કોઈએ પણ તેની સાથે વાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી નથી.