નડિયાદ: વડતાલ તાબે કિશોરપુરામાં રહેતાં એક પરિવારે પોતાના ઘરની પરિણીતા ઉપર અસહ્ય ત્રાસ ગુજાર્યો હતો. સાસરીયાઓના અસહ્ય ત્રાસથી કંટાળેલી પરિણીતાએ લગ્નના 11 મહિના બાદ ઘરમાં જ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું.
ઠાસરા તાલુકાના ગોળજ ગામમાં રહેતાં નરેન્દ્રભાઈ બુધાભાઈ રાઠોડની પુત્રી રીન્કુ ઉર્ફે નિરાલીબેનના લગ્ન 11 મહિના અગાઉ વડતાલ તાબે કિશોરપુરાના જયરાજસિંહ પ્રવિણસિંહ પરમાર સાથે થયાં હતાં. જોકે, લગ્નના થોડા દિવસો બાદ જ પતિ તેમજ સાસરીયાઓએ રીન્કુબેન ઉપર ત્રાસ ગુજારવાનો ચાલુ કરી દીધો હતો. તું તારા ઘરેથી કંઈ લાવેલ નથી તેમ કહી મ્હેણાટોણાં મારતાં હતાં. તેમજ રીન્કુબેન ઉપર વ્હેમ રાખી અવારનવાર ઝઘડાં પણ કરતાં હતાં. રીન્કુબેન જ્યારે પણ પિયર જાય ત્યારે માતાને આ ત્રાસ બાબતે જણાવતી હતી. પરંતુ, ઘરસંસાર બગડે નહીં તે માટે પરત સાસરીમાં મોકલતાં હતાં. બીજી બાજુ સાસરીયાઓનો ત્રાસ દિવસેને દિવસે સતત વધતો જતો હતો. જેથી રીન્કુબેને દિવાળી ટાણે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરવાની કોશિષ કરી હતી. જેના થોડા દિવસો બાદ રીન્કુબેનના પગમાંથી ચાંદીનો એક છડો ખોવાઈ જતાં, સાસરીયાઓએ ઝઘડો કર્યો હતો અને તારા પિયરમાંથી છડાં લઈ આવ તેમ કહી મ્હેણાટોણાં માર્યાં હતાં.
ગત તા.2-4-23 ના રોજ રીન્કુબેનના પિતા નરેન્દ્રભાઈને કેન્સરની બિમારી અર્થે ડોક્ટરને બતાવવા માટે અમદાવાદ ગયાં હતાં. તે વખતે રીન્કુબેને તેના પિતા નરેન્દ્રભાઈને ફોન કરી, મારે તમારી સાથે આવવું છે તેમ જણાવી ફોન કટ કરી દીધો હતો. જે બાદ રીન્કુબેને પોતાના ભાઈ પ્રશાંતને ફોન કરી, પપ્પાને સાચવજે તેમ કહ્યું હતું. જે પછી પિતરાઈ કાકાને ફોન કર્યો હતો અને કાકા તમે મારા પપ્પાને સાચવજો તેમ જણાવી, મોબાઈલ સ્વીચઓફ કરી દીધો હતો અને ત્યારબાદ સંડાસમાં જઈ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ મામલે નરેન્દ્રભાઈ બુધાભાઈ રાઠોડની ફરીયાદને આધારે ચકલાસી પોલીસે મૃતક રીન્કુબેનના પતિ જયરાજસિંહ પ્રવિણભાઈ પરમાર, સાસુ મેઘાબેન પ્રવિણભાઈ પરમાર અને સસરાં પ્રવિણભાઈ પ્રભાતભાઈ પરમાર સામે ગુનો નોંધ્યો હતો.