વડોદરા: ચોમાસાની ઋતુમાં સાફ સફાઈના અભાવે પાલિકાના ચૂંટણી વોર્ડ નંબર 5માં સમાવિષ્ટ અજબડી મિલ જવાના મુખ્ય માર્ગ પર ગંદકીનું સામ્રાજ્ય સર્જાતા લોકો રોગચાળાની દહેશત વચ્ચે જીવન નિર્વાહ કરવા મજબૂર બન્યા છે.
વડોદરા શહેરના અજબડી મીલ જવાના મુખ્ય માર્ગ પાસે આવેલ ગૌરવ પાર્ક સોસાયટી બડે મસ્ત દાદાની દરગાહના નાકે ધાર્મિક સ્થાનો તેમજ સ્મશાન આવેલ છે છતાં પુષ્કળ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે.સાથે ડ્રેનેજના મળમૂત્ર વાળા પાણી ઉભરાઈ રહ્યા છે.વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકો દ્વારા વારંવાર વોર્ડ નંબર – 5 ની કચેરી તેમજ સ્થાનિક કોર્પોરેટરોને મૌખિક તેમજ લેખિત રજુઆત કરવા છતાં કોઈપણ કામગીરી ન થતા સામાજીક કાર્યકર કમલેશ પરમારને રજુઆત કરી હતી.ત્યારે સામાજીક કાર્યકર દ્વારા સ્થળ મુલાકાત લઈ જણાવ્યું હતું કે એક બાજુ ચોમાસાની ઋતુમાં રોગચાળો વકર્યો છે.
ત્યારે મ્યુનિસિપલ કમિશનર દ્વારા પાણીપુરીના વેચાણ માટે પ્રતિબંધ મૂક્યો છે સાથે આરોગ્ય શાખાને સુચનાઓ આપવામાં આવી છે.પરંતુ ડ્રેનેજ શાખા તેમજ વોર્ડ – 5 ના અધિકારીઓ કામગીરી નથી કરી રહ્યા. 48 કલાકમાં ડ્રેનેજ તેમજ અન્ય સાફસફાઈ નહીં કરવામાં આવે તો સ્થાનિક નાગરીકોને સાથે રાખીને મળમૂત્ર વાળા પાણી ભરીને કોર્પોરેશન કચેરી ખાતે નાખીને તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવશે તેની સંપૂર્ણ જવાબદારી જે તે જવાબદાર અધિકારીઓ સાથે કોર્પોરેટરોની રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.