Comments

મૃત્યુનો ડર મનમાંથી નીકળી ગયો તો યમરાજને પણ આપણને લઈ જવાની મઝા આવશે નહીં.

આપણને કોઈ રાતે સુઈ જતી વખતે એવુ કહે કે જો તું સુઈ જઈશ તો આ તારો છેલ્લો દિવસ હશે. તો છાતી ઠોંકીને કહી શકો તમે અને હું જ નહીં વિશ્વ આખું સુઈ જવાનું બંધ કરે. આપણને રાતે એટલા માટે નિરાંતે ઊંઘ આવે છે, કારણ આપણને ખબર છે કે આવતીકાલે સવાર થવાની છે અને સવારે આપણે ફરી ઉઠવાના છીએ. ઊંઘ મૃત્યુનો જ એક પ્રકાર છે. આપણે રોજ મૃત્યુના એક પ્રકારમાંથી પસાર થઈએ છીએ પણ આપણને ઊંઘની બીક લાગતી નથી. કારણ એક વિશ્વાસ આપણને ઊંઘાડે છે કે આવતીકાલે તુ ઊઠીશ. મૃત્યુ એક એવો શબ્દ છે જેને કોઈ ટાળી શકતું નથી, છતાં આપણે જ્યારે પણ મૃત્યુની વાત આવે ત્યારે તેને ટાળી જવાનો પ્રયત્ન કરીએ છીએ. મૃત્યુ તો એક જ વખત થાય છે પણ જીવનમાં સેકડો વખત આપણે મૃત્યુના ડરને સ્પર્શ કરી પાછા આવી છીએ. મૃત્યુ પછી આપણું શું થવાનું છે તે પ્રશ્નની તો હું ચર્ચા જ કરતો નથી. કારણ કે તે અંગે ઘણા મતમંત્તાતર છે. આપણે ફરી જન્મ લઈશું કે નહીં તેની પણ ખબર નથી પણ મૃત્યુ અને મૃત્યુના ડરની જ આપણે વાત કરીશું.

મારી માતાનો અભ્યાસ આમ તો SSC સુધી જ હતો પણ તે ભારત સરકારની કચેરીમાં કામ કરતી હતી. આ ઘટના લગભગ 1998ની હતી. હું અમદાવાદના માતબર અખબારમાં નોકરી કરતો હતો. મારી એક સ્ટોરી પછી મોટી બબાલ થઈ. અગાઉની જેમ મારા અખબારના માલિક તંત્રીએ જવાબદારીમાંથી હાથ ખંખેરી નાખ્યા એટલે દોષનો ટોપલો મારા માથે આવ્યો. મેં જે ચોક્કસ સમુદાય માટે લખ્યુ હતું, તે સમુદાયના કેટલાંક માથાભારે લોકોએ મારી હત્યાની યોજના બનાવી. રાજયના ગુપ્તચરોને તેની ખબર પડી અને મને પોલીસ રક્ષણ આપવામાં આવ્યો. બજારમાં આપણો વટ પડી ગયો પણ સાથે પોલીસ હોય એટલે મનમાં નિરાંત હોવી જોઈએ પણ તેવુ નહોતુ. અંદરથી મનમાં ફફડાટ હતો. મન સતત શંકાઓ-કુશંકાઓ વચ્ચે ભટકયા કરતું હતું. મારી આ સ્થિતિ મારી માતા રોજ જોતી હતી.

એક દિવસ તેણે મને બોલાવી પૂછયું, ‘મૃત્યુનો ડર લાગે છે?’ મેં મનમાં કહ્યુ, ‘એક મા થઈ કેવો વિચિત્ર પ્રશ્ન પૂછે છે!’ મેં તેને કહ્યુ, ‘મરવાનો ડર કોને લાગે નહીં બધાને જ લાગે.’ તેણે મારી આંખોમાં જોઈ પૂછ્યું, ‘તને મરવાનો ડર લાગે છે?’ મેં કહ્યુ, હા. મને મરવાનો ડર લાગે છે.’ તેણે મને કહ્યુ, ‘જ્યારે જ્યારે આપણને ડર લાગે ત્યારે ત્યારે આપણે મરીએ છીએ. તેનો અર્થ મારો દિકરો રોજ મરે છે. મારો દિકરો રોજ મરે તેના કરતા એક દિવસ મરી જાય તો સારુ પણ રોજ મરીશ નહીં.’ પછી મેં પોલીસ રક્ષણ પાછું મોકલી આપ્યું. ખેર! તે પ્રશ્ન જુદો છે, પણ મૂળ વાત ડરવું એટલે મરવું. તે સરળ રીત મારી માતાએ મને સમજાવ્યું. આપણે જેને મૃત્યુ કહીએ છીએ, વાસ્તવમાં તો તે એક ડર જ હોય છે. આપણને જન્મનો આનંદ થાય છે તો મૃત્યુનો કેમ આનંદ થતો નથી. કારણ કે જે જઈ રહ્યું છે તેને જવું નથી અને જે જાય છે તેના સ્વજનો તેને છોડવા માંગતા નથી. આમ, મૂળ તો ગુમાવવાનો ડર છે.

મેં 85 વટાવી દીધી છે. મને અનેક વખત કોઈને કોઈ કારણે મૃત્યુનો ડર લાગ્યો છે. કોરોનાકાળમાં હું બે વખત તેની ઝપેટમાં આવી ગયો. ત્યારે મને લાગ્યું, બસ આપણું પૂરું થયું. મારી જેમ 85 વટાવી ગયેલા અનેક મિત્રો આ પ્રકારની માનસિક સ્થિતિમાંથી પસાર થયા હશે. મૃત્યુની કોઈ ઉમંર નક્કી નથી પણ આપણે અજાણતા એવું માની લીધું છે કે 50-60-70 થાય એટલે આપણો ટાઈમ ઓવર થઈ ગયો છે. માણસ પોતાની જિંદગીના અઢીથી ત્રણ દસક જિંદગીને અને પરિવારને ઠેકાણે પાડવા મહેનત કરે છે. આ દરમિયાન તેને મૃત્યુનો ડર તો ઠીક વિચાર સુધ્ધાં આવતો નથી. જયારે બધુ બરાબર ગોઠવાઈ જાય ત્યારે શરીરમાં સહેજ સરખી તકલીફ લાગે તો તરત મન બેચેન થઈ જાય છે. લાગે છે આપણો સમય આવી ગયો. હું આવી સ્થિતિમાંથી પસાર થયો છું એટલે મને ખબર છે કેવા પ્રકારના વિચારો આપણને ઘેરી વળે છે. મનમાં એક પ્રકારનો અફસોસ જન્મે છે. અરે, જિંદગીભર મહેનત કરી એક એવા મુકામ ઉપર પહોંચ્યો જ્યાં આરામ કરવો છે, ત્યારે જવાનો સમય આવ્યો.

તેની સાથે આપણને તરત આપણો જીવનસાથી, સંતાનો અને પરિવારજનોની યાદ આવે છે. કયારેક સંતાનોની જવાબદારી પણ બાકી હોય છે, ત્યારે લાગે છે આપણે જતાં રહીશું તો તેમનું શું થશે? સંતાનની ચિંતા થવી સ્વભાવિક છે, પણ આપણે જતા રહીશું. તો પણ તેઓ તેમનો રસ્તો કરી લેશે. એટલી સમજ આપણે પોતાને રોજ આપવી પડશે. આપણા માટે પણ કોઈ આવી જ ચિંતા કરતું હતું. કદાચ હવે તે નથી અને આપણે જેમ ગોઠવાઈ ગયા તેમ તેઓ પણ ગોઠવાઈ જશે. પોતાને સમજાવવું સહેલું કામ નથી. પણ મૃત્યુનો ડર આપણને એટલા માટે લાગે છે કે આપણને આપણી સંપત્તિ અને પરીજનોને છો઼ડવાનું દુ:ખ થાય છે. આપણી સંપત્તિ હોય કે પરીજનો તેઓ સાથે આવવાના નથી તેવી ખબર હોવા છતાં તેમનાથી ડીટેચ થવું બહુ મુશ્કેલ હોય છે. જ્યારે જ્યારે મૃત્યુનો ડર લાગ્યો ત્યારનો સમય યાદ કરજો. ત્યારે પોતાનું કઈક છુટી રહ્યું છે, તેની જ પીડા હોય છે. જો આપણે આ ડર ઉપર કાબુ મેળવતા શીખી ગયા તો કદાચ મોતને પણ આપણને મારવાની મઝા નહીં આવે.

Most Popular

To Top