વડોદરા: ઓનલાઇન ગેમના દુષણે ફરી એક વાર જીવ લેતા સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામ્યો છે ત્યારે ગોરવા વિસ્તારમાં ઓનલાઈન ગેમ રમવામાં દેવું થઈ જતા બે સંતાનોના પિતાએ ગળે ફાંસો ખાઈ જીવનનો અંત આણી દીધો હતો. એકનો એક મોભી ગુમાવ્યો હોય પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થયા હતા. રિફાઇનરી રોડ ઉપર આવેલી ગ્રીનપાર્ક સોસાયટીમાં રહેતા 31 વર્ષીય મયુરભાઈ ઉમેશસિંહ મહિડા જીઓ ડાયનેમિક કંપનીમાં નોકરી કરે છે.જેઓને ઓનલાઇન ગેમ રમવાનો ખુબ જ શોખ હતો.
મૃતક આપઘાત પૂર્વે પરિવારજનો માટે સુસાઇડ નોટ લખી છે જેમાં જણાવ્યું છે કે, તેને એક સ્મોલ લોન લીધી હતી જેની ભરપાઈ પણ કરી દીધી છે. તેને કોઈ પણ એપ્લીકેશન પર થી લોન નથી લીધી તે છતાં પણ અમુક લોકો તેને સોશીયલ મીડિયા પર બદનામ કરવાના ઈરાદાથી હેરાન કરી રહ્યા છે જેથી મેં આ પગલું ભર્યું છે માટે કોઈ એ પણ અજાણ્યા વ્યક્તિનો કોલ આવે તો કઈ પણ જણાવવું નહી.તેમ જણાવ્યું હતુ. જોકે ઘટના બાદ પરિવાર જનોએ આ બનાવ અંગે ગોરવા પોલીસને જાણ કરાતા પોલીસે મૃતદેહને એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક મયુર મહિઢા પાસેથી સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી જેના આધારે ગોરવા પોલીસે તપાસ હાથ ધરી છે.
દેવાની ઉઘરાણીથી કંટાળી જઈને મારા ભાઈએ આપઘાત કર્યો
ઓનલાઈન ગેમ રમતા મયુરભાઈએ લૉન લઈને નાણા ની ભરપાઈ કરી હતી પરંતુ વધું દેવું થઈ જતા બાકી લેણદારોએ ઉઘરાણી શરૂ કરી હતી.જેથી માનસિક રીતે આવેશમાં આવી જઈ મયુર મહિઢાએ પોતાના ઘરે ફાંસો ખાઈ જીવા દોરી ટૂંકાવી લીધી છે. – મૃતકનો ભાઈ
ઓનલાઈન ગેમ રમનારા માટે લાલબત્તી સમાન કિસ્સો!
અગાઉ બ્લ્યુ વ્હેલ સહીતની ગેમના કારણે અનેક લોકો એ જીવ ગુમાવતા સરકારે તેના પર પ્રતિબંધ મૂકી દીધો હતો. પરંતુ હવે અનેક એવી ગેમ પણ આવી છે જેમાં નાણાં મળે તેવી લાલચ લોકોમાં આવી રહી છે જેને કારણે આપઘાત સહીતની ઘટના છાશવારે બનતી જોવા મળી રહી છે ત્યારે તેના પર પ્રતિબંધ મુકવા માટેની ચર્ચા લોકમુખે ચર્ચાઈ રહી છે.