સુરત : પાંડેસરા (Pandesara) વિસ્તારમાં રહેતા એક પુત્ર અને ત્રણ દિકરીના પિતાએ ગઈકાલે રાત્રે રાક્ષસી કૃત્ય આચર્યું હતું. નરાધમે તેની બાળકી સાથે રમતી પડોશમાં રહેતી 5 વર્ષની બાળકીને કેળુ આપવાની લાલચે રૂમમાં બોલાવી દુષ્કર્મ (Rape) કર્યું હતું. પાંડેસરા પોલીસે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી પાડ્યો હતો.
- દિકરી સાથે રમતી બાળકીને કેળુ આપવાની લાલચ આપી રૂમમાં બોલાવી બદકામ કર્યું
- નરાધમની પત્ની ગર્ભવતી હોવાથી પુત્ર અને દિકરીઓને લઈને યુપી વતનમાં ગઈ છે
પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પત્રકાર કોલોની પાસે રાધાક્રુષ્ણ સોસાયટી, પ્લોટ નંબર ૩૫ ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા રૂમમાં રહેતો દિનેશ મદારીલાલ પ્રજાપતિ એમ્બ્રોડરી ખાતામાં નોકરી કરે છે. દિનેશને સંતાનમાં ત્રણ દિકરી અને એક પુત્ર છે. હાલ તેની પત્નીને ફરીથી ગર્ભ રહેતા પત્ની અને બાળકો ચાર મહિનાથી તેમના વતન ઉત્તરપ્રદેશમાં ગયા છે. દિનેશ ઘરમાં એકલો જ હતો. ગઈકાલે રાત્રે દિનેશે પડોશમાં રહેતી 5 વર્ષની બાળકીને કેળું આપવાની લાલચ આપી રૂમમાં બોલાવી હતી. અને બાદમાં બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાળકી બાદમાં રડતા રડતા તેના ઘરે ગઈ હતી. જેથી તેની માતાએ શુ થયું તેમ પુછતા બાળકીએ બાજુ વાલે અંકલને ગંદા કીયા તેમ કહેતા માતા તેની સાથે બદકામ થયાનું સમજી ગઈ હતી. જેથી તેમને તાત્કાલિક પાંડેસરા પોલીસને જાણ કરતા પોલીસે બાળકીને મેડિકલ તપાસ માટે નવી સિવિલમાં ખસેડી હતી. અને બીજી તરફ દુષ્કર્મનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. બાળકીની હાલત હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ અંગે વધારે તપાસ હાથ ધરી છે.
ઉધના ખરવરનગરમાં અગાસી ઉપર સુતેલી ધોરણ 11ની વિદ્યાર્થિનીની છેડતી
સુરત : શહેરના ઉધના વિસ્તારમાં આવેલા ખરવરનગરમાં મામાના ઘરે આવેલી ધોરણ 11ની વિદ્યાર્થિની વહેલી સવારે અગાસી પર સુતેલી હતી, ત્યારે બિલ્ડિંગમાં જ રહેતા એક યુવકે શારીરિક છેડતી કરી હતી. તેણી જાગી જતા યુવક ભાગી છૂટ્યો હતો. ઉધના પોલીસે છેડતીનો ગુનો દાખલ કરી આરોપીની અટકાયત કરી છે.
- બિલ્ડિંગમાં રહેતા રત્નકલાકારે સવારે અડપલા કર્યા, વિદ્યાર્થીની જાગી જતા ભાગી છૂટ્યો
ઉધના પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઉધના વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષીય પ્રાચી (નામ બદલ્યું છે) ધોરણ 11 કોમર્સમાં અભ્યાસ કરે છે. શનિવાર અને રવિવારની રજા હોવાથી તે બે દિવસ ખરવરનગરમાં નાના-નાની અને મામાના ઘરે રહેવા ગઈ હતી. હાલ ગરમી વધારે પડતી હોવાથી રાત્રે અગાસી પર સુઈ ગયા હતા. સવારે પ્રાચી અગાસી પર સુતેલી હતી ત્યારે બિલ્ડિંગમાં રહેતો ૨૦ વર્ષીય નીલ દિપક ખરવર કોઈ કામ માટે અગાસી પર આવ્યો હતો. અને પ્રાચીને સુતેલી જોઈ તેની સાથે શારીરિક અડપલાં કર્યા હતા. પ્રાચીને સ્પર્શનો અહેસાસ થતાં તે જાગી જતા નીલ ત્યાંથી ગભરાઈને ભાગી છૂટ્યો હતો. પ્રાચીએ આ અંગે તેના મામા અને નાનીને વાત કરતા તેઓએ ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઉધના પોલીસે નીલ સામે છેડતીની ફરિયાદ દાખલ કરી તેની અટકાયત કરી છે. વધુમાં નીલ હીરામાં મજુરી કરે છે.