નવસારી: (Navsari) ગણદેવીના સરીખુરદ ગામે ખેતરે મજુરી (Farming) ગયેલા યુવાનને 9 લોકોએ ધમકાવી (Threat) માર મારતા મામલો ગણદેવી પોલીસ મથકે (Police Station) નોંધાયો છે. આ બનાવ અંગે કલ્પેશભાઈએ ગણદેવી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા આગળની તપાસ નાયબ પોલીસ અધિક્ષક એન.પી. ગોહિલે હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, ગણદેવી તાલુકાના સરીખુરદ ગામે ગ્રામ પંચાયત ફળીયામાં રહેતા કલ્પેશભાઈ નટુભાઈ હળપતિ ગત 15મીએ તેમના ગામના ભુપેન્દ્રભાઈ પટેલની વાડીમાં ફરવા માટે ગયા હતા. ત્યારે ગામમાં રહેતા રાહુલ ઉર્ફે લાલુ હળપતિ, દિપેશભાઇ ઉર્ફે ચકો હળપતિ, અર્જુન હળપતિ, દીક્ષિત રાઠોડ, ધવલ પટેલ, શીરીન પટેલ, સંતોષ હળપતિ અને રીતેશ હળપતિ ખેતરમાં હતા. કલ્પેશભાઈ ત્યાં જતા ધવલભાઈએ તેમને જાતિ વિષયક અપશબ્દો બોલી તારે આ બાજુ આવવાનું નહી કહીં અપશબ્દો બોલવા લાગ્યા હતા. જેથી કલ્પેશભાઈએ અપશબ્દો બોલવાની ના પાડતા રાહુલ ઉર્ફે લાલુ, દિપેશભાઇ, અર્જુનભાઈ, દીક્ષિત, ધવલભાઈ, શીરીન, સંતોષ અને રીતેશભાઈએ કલ્પેશભાઈને માર મારવા લાગ્યા હતા. ધવલે હાથમાં એક લાકડું લઈ કલ્પેશભાઈને હાથમાં ફટકો મારી મારી નાંખવાની ધમકી આપી ત્યાંથી નીકળી ગયા હતા.
કલ્પેશભાઈએ આ વાત તેના પરિવારજનોને કહેતા ભાઈ સુનિલ, બાપુજી નટુભાઈ, માતા સવિતાબેન અને કાકા દશરથભાઈએ તે યુવાનોને સમજાવવા જતા યુવાનોએ ઉશ્કેરાઈ જઈ સુનિલ અને તેના બાપુજીને માર મારવા લાગ્યા હતા. ધવલે લાકડું લઈ સુનિલને મારી દીધું હતું. જ્યારે શીરીને માથામાં હથિયાર મારી દેતા સુનિલ બેભાન થઇ ગયો હતો. જોકે તે સમયે ફળિયાના માણસો ભેગા થઈ જતા તેઓને છોડાવ્યા હતા. આ બનાવ અંગે કલ્પેશભાઈએ ગણદેવી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા આગળની તપાસ નાયબ પોલીસ અધિક્ષક એન.પી. ગોહિલે હાથ ધરી છે.
ગણદેવીના વડસાંગળ ગામે રૂપિયા બાબતે યુવાન ઉપર જીવલેણ હુમલો
નવસારી : ગણદેવીના વડસાંગળ ગામે રૂપિયા બાબતે યુવાન ઉપર જીવલેણ હુમલો કરતા મામલો ગણદેવી પોલીસ મથકે પહોચ્યો હતો. મળતી માહિતી મુજબ, ગણદેવી તાલુકાના વડસાંગળ ગામે નહેર ફળીયામાં મિલન રણજીતભાઈ પટેલ તેમના પરિવાર સાથે રહે છે. ગત 15મીએ મિલન વડસાંગળ બસ સ્ટોપની સામે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ પર ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલતી હોવાથી તેના મોટા ભાઈની બાઈક (નં. જીજે-21-બીએલ-1679) લઈને ગયો હતો. જ્યાંથી તે બાઈક પર ઘરે આવી રહ્યો હતો. ત્યારે રહેજ ગામથી વડસાંગળ ગામ તરફ જતા રસ્તામાં અજ્ય ઉર્ફે એલ.એક્ષએ અચાનક તેના હાથમાંના લોખંડના સળિયા વડે મિલનને ફટકા મારતા મિલન બાઈક લઈને નીચે પડી ગયો હતો.
જેથી અજયે મિલનને લોખંડના સળિયા વડે બે-ત્રણ ફટકા મારી મારા રૂપિયા નહીં આપે તો તને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી અપશબ્દો બોલી જતો રહ્યો હતો. ઘવાયેલા મિલનને તાત્કાલિક સારવાર અર્થે સીએચસી પ્રાથમિક સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં તેને વધુ સારવારની જરૂરિયાત જણાતા ગણદેવી દમણીયા હોસ્પિટલમાં રીફર કર્યા હતા. આ બનાવ અંગે મિલને ગણદેવી પોલીસ મથકે અજય ઉર્ફે એલ.એક્ષ. વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ એ.એસ.આઈ. સંદીપભાઈને સોંપી છે.