ઓલપાડ તાલુકાની કાર્યરત ઘી સાયણ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ. ને હાલમાં નાણાકીય વર્ષ 2023-24 માટે ઈન્કમટેક્સ વિભાગ તરફથી એસેસમેન્ટ કરવા અંગેની નોટિસ મળતાં એક વખત ફરી ખેડૂતોમાં ચર્ચાનો માહોલ છવાઈ ગયો छे.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શનકુમાર એ. નાયકે સરકારના વલણ ઉપર સવાલો ઉઠાવતા જણાવ્યું કે, વર્ષ 2014માં ગુજરાતના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર સભામાં દક્ષિણ ગુજરાતની 19 સુગર મિલો પર રૂપિયા 5000 કરોડના ઈન્કમટેક્સના આરોપ અંગે યુપીએ સરકાર ઉપર આક્ષેપ કરાયો હતો. તે સમયે ખેડૂતોના હિત માટે લડવાનું વચન આપનાર ભારતીય જનતા પાર્ટી 11 વર્ષથી સત્તામાં હોવા છતાં પણ આ પ્રશ્નો હલ હજુ સુધી આવ્યો નથી.
દરમિયાન, વર્ષ 2016-17માં જે નોટિસ આપવામાં આવી હતી, ત્યારબાદ છેલ્લા 6-7વર્ષ દરમિયાન ઈન્કમટેક્સ વિભાગે કોઈ કાર્યવાહી કરી ન હતી. જોકે હવે ફરીથી સાત વર્ષ પછી એનાલિસિસ માટે નવી નોટિસ અપાતા પ્રશ્નો ઉભા થયા છે.
નાયકે જણાવ્યુ કે, સરકાર દ્વારા બે મોઢાની નીતિ અપનાવવામાં આવી રહી છે.
ચૂંટણી સમયે ખેડૂતો માટે કરવામાં આવેલા વાયદા માત્ર મત મેળવવાના હથિયાર પુરતાં જ રહી ગયા છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, જ્યારે ખેડૂતોની સંસ્થાઓને આકરી નોટિસો અપાઇ રહી છે, ત્યારે એ સ્પષ્ટ થાય છે કે સરકાર ખેડૂતોના હિતમાં ખરેખર ગંભીર નથી. આ મુદ્દો હવે રાજકીય ગરમાવો પકડે તેવી શક્યતાઓ ઊભી થઈ રહી છે અને સરકારના ખેડૂતો પ્રત્યેના વલણ અંગે પણ અનેક સવાલો ઊભા થયા છે.