એક ખેડૂત દરરોજ ઊઠીને પોતાના ગામના કૂવામાંથી પાણી લાવતો હતો. કૂવામાંથી પાણી લાવવા માટે ખેડૂતે પોતાની પાસે બે માટલાં રાખ્યાં હતાં. આ બન્ને માટલાંને ખેડૂતે એક વાંસના ડંડાની બન્ને તરફ બાંધ્યાં હતાં. આમ તો આ બન્ને માટલાંમાંથી એક માટલું વચ્ચેથી તૂટેલું હતું. જેને કારણે આ માટલામાં પાણી ભર્યા પછી પાણી તેમાંથી નીકળી જતું હતું અને એમ થવાથી ઘરમાં રોજ દોઢ માટલા જેટલું જ પાણી આવી શકતું હતું.
એક દિવસ તૂટેલા માટલાને પોતાની ખામી ઉપર ઘણું દુ:ખ થવા લાગ્યું અને તેણે પોતાના મનની વાત ખેડૂતને કહી. એ વાત કહેતા કહેતા એણે ખેડૂતને કહ્યું કે, ‘‘હું તૂટેલું છું અને તમે રોજ મારી અંદર કૂવામાંથી પાણી ભરો છો પરંતુ ઘરે આવતા આવતા મારી અંદર ભરેલા પાણીમાંથી અડધું પાણી રસ્તામાં જ પડી જાય છે. જેને કારણે તમારી મહેનત નકામી જાય છે. તમારા ઘરમાં બે માટલાં પાણી આવવાને બદલે માત્ર દોઢ માટલાં જેટલું જ પાણી આવે છે. તો પણ તમે મારી અંદર પાણી કેમ ભરો છો?’’
ખેડૂતે ઘણા સમય સુધી માટલાની વાત સાંભળી અને પછી માટલાને કહ્યું કે, ‘‘કાલે તું કૂવેથી ઘરે પાછા આવતી વખતે આપણી આજુબાજુ ઊગેલા ફૂલોને જોજે’’ અને ખેડૂતની વાત માનીને બીજા દિવસે એ તૂટેલા માટલાએ ઘરે પાછા ફરતી વખતે પોતાની તરફ ઘણાં બધાં ફૂલો ઊગેલાં જોયાં. જો કે આખા માટલા તરફના રસ્તામાં તૂટેલા માટલાને એક પણ ફૂલ જોવા ન મળ્યું. પોતાની તરફ ફૂલો ઊગેલાં જોઈને તૂટેલું માટલું ખુશ થઇ ગયું. આમ તો જેવું માટલું ઘરે પહોચ્યું તો ફરીથી તેની અંદર માત્ર અડધું જ પાણી રહી ગયું હતું. જેને કારણે માટલાને ફરીથી પોતાની ખામીનો અનુભવ થયો અને તે દુ:ખી થવા લાગી ગયું.
માટલાને ફરી દુ:ખી થતું જોઈ ખેડૂતે તેને કહ્યું કે, ‘‘હમણાં તો તું ઘણું ખુશ હતું. હવે ફરીથી કેમ દુ:ખી થઇ ગયું છે?’’ માટલાએ ફરીથી પોતાની ખામીની વાત ખેડૂતની સામે કહી. માટલાની વાત સાંભળીને ખેડૂતે તેને કહ્યું કે, ‘‘જે ફૂલોને જોઈને તું એટલું ખુશ થયું હતું, એ તારે કારણે જ છે કારણ કે જયારે પણ હું તારી અંદર પાણી ભરીને લાવતો હતો ત્યારે તારામાંથી નીકળતું પાણી રસ્તા ઉપર જતું રહેતું હતું અને તે જોઈને મેં રસ્તામાં ફૂલોનાં બીજ વાવી દીધાં હતાં.
આ બીજોની ઉપર રોજ તારી અંદર ભરેલું પાણી પડતું રહેતું હતું. જેને કારણે જ આજે આ ફૂલ ખીલી શક્યાં છે અને આ ફૂલોનો ઉપયોગ ગામના લોકો પૂજા દરમિયાન કરી શકે છે. તારા કારણે જ લોકોને એ ફૂલ મળી શકે છે.’’ ખેડૂતની વાત સાંભળીને માટલું ખુશ થઇ ગયું અને સાથે જ માટલાને એ વાતનો અનુભવ થયો કે, તેના તૂટેલા હોવાને કારણે જ રસ્તા ઉપર આટલાં બધાં ફૂલ આજે ખીલેલાં છે. આ વાર્તામાંથી આપણને શીખ મળે છે કે, માણસની અંદર જો કોઈ પણ ખામી છે, તો તે ખામી ઉપર દુ:ખી થવાને બદલે તે ખામીને પોતાની શક્તિમાં બદલો. જેથી તે પોતાની ખામીની તાકાત ઉપર જ સફળતા પ્રાપ્ત કરી શકે.