આણંદ : આંકલાવ પોલીસે નવાખલ ગામે આવેલા ગ્રીનટોન વીલા ફાર્મ ખાતે મધરાતે દરોડો પાડી દારૂની મહેફિલ માણતાં 25 નબીરાને પકડી પાડ્યાં હતાં. પરંતુ તપાસ માટે પોલીસે ફાર્મ હાઉસ ભાડે આપનારા શખસની શોધખોળ હાથ ધરી છે. આંકલાવ પોલીસને બાતમી મળી હતી કે, નવાખલ ગામે આવેલા મુર્ગેશ શાહના ગ્રીનટોન વીલા ફાર્મ બંગલા નં.2માં કેટલાક યુવક – યુવતીઓ ભેગા થઇ વિદેશી દારૂની છોળો ઉડાડી રહ્યા છે. આ બાતમી આધારે આંકલાવ પોલીસે પંચોને સાથે રાખી રવિવારની મોડી રાત્રે દરોડો પાડ્યો હતો.
આ દરોડામાં રીદ્ધી કમલ ગુલાબદાસ ભુવા (ઉ.વ.22)ની બર્થ ડે હોવાથી પાર્ટી ચાલી રહી હતી. જેમાં 15 યુવક અને 10 યુવતીઓ વિદેશી દારૂની છોળો ઉડાડી રહ્યાં હતાં. પોલીસે પ્રાથમિક તપાસમાં જ પાંચ ખાલી બોટલ, બે અડધી ભરેલી બોટલ અને ત્રણ સીલ બંધ બોટલ મળી કુલ 10 બોટલ વિદેશી દારૂની મળી આવી હતી. આ તમામ 25 યુવક – યુવતી દારૂની મહેફિલ માણતાં હોવાનું ખુલતાં તમામ સામે ગુનો નોંધી અટક કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે વિદેશી દારૂની બોટલ, રોકડ, મોબાઇલ, કાર, ટુ વ્હીલર મળી કુલ રૂ.11,80,800નો મુદ્દામાલ કબજે કરી હતી. પ્રાથમિક તપાસમાં નવાખલ ગામે ગ્રીનટોન વીલા ફાર્મ ખાતે આવેલો બંગલા નં.2 મૃગેશ શાહના નામનો હોવાનું ખુલ્યું હતું. આ શખસે રૂ.દસ હજારના ભાડા પેટે રીદ્ધીને ભાડે આપ્યું હોવાનું ખુલ્યું હતું. આથી, પોલીસે મૃગેશની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ દરોડાના બીજા દિવસે પણ તે પોલીસના હાથમાં આવ્યો નહતો.