Columns

પ્રિન્સેસ ડાયના : એક પરીકથાનો કરૂણ અંત!

એક પ્રિન્સેસ. વિશ્વની સૌથી પ્રિય રાજકુમારી, જેનું ઊઠવું, બેસવું, હસવું, રડવું, તેનાં કપડાં, તેના શબ્દો, તેના જીવનની દરેક સેકન્ડ બ્લોકબસ્ટર ફિલ્મ હતી. દુનિયા તેમનો ઉલ્લેખ કરતા થાકતી નહોતી. તેનો પડછાયો પણ મોંઘા ભાવે વેચાયો હતો અને પછી એક દિવસ એવા સમાચાર આવ્યા કે – 36 વર્ષની ઉંમરે તેનું દુઃખદાયક મૃત્યુ થઈ ગયું! આ દુર્ઘટનાએ પ્રિન્સેસને મહાકાવ્યની જેમ અમર બનાવી દીધા હતા. એ રાજકુમારીનું નામ હતું – ડાયના. પ્રિન્સેસ ડાયના. 

વાત છે 24 ફેબ્રુઆરી 1981ની. બ્રિટિશ રાજવી પરિવારે એક જાહેરાત કરી કહ્યું, તેના સૌથી લાયક બેચલર, 32 વર્ષીય પ્રિન્સ ચાર્લ્સે સગાઈ કરી લીધી છે. કોની સાથે? ડાયના સ્પેન્સર, 19 વર્ષની છોકરી, જે પ્રિન્સ કરતાં 13 વર્ષ નાની હતી. આ દિવસથી જ ડાયના સાથે લોકોની રૂચિ જોડાઈ ગઈ. આ પ્રારંભિક પરીકથાની સૌથી ચર્ચિત વાત હતી ‘વર્જિનિટી’. પ્રિન્સ ચાર્લ્સના ઘણા પ્રેમસંબંધો હતા, પરંતુ તેની ભાવિ પત્ની લગ્નના સમય સુધી કુંવારી હતી, આ બાબત શાહી પરિવાર માટે ગૌરવની વાત માનવામાં આવતી હતી. બ્રિટિશ શાહી પરિવારની પુત્રવધૂ બનવા માટે, આગામી રાણી બનવા માટે આ કૌમાર્ય ડાયનાની સૌથી મૂલ્યવાન લાયકાત હતી.

ડાયના અને ચાર્લ્સ 24 જુલાઈ, 1981ના રોજ એક ખૂબ જ ભવ્ય સમારોહમાં પતિ અને પત્ની બન્યા. લગ્નના એક વર્ષમાં સારા સમાચાર આવ્યા, ડાયનાએ એક પુત્રને જન્મ આપ્યો. મતલબ કે, શાહી સિંહાસન માટેના દાવાનો બીજો વારસદાર. બધા ખૂબ ખુશ હતા પરંતુ કોઈને ખબર ન હતી કે રોમેન્ટિક પરીકથાની જેમ શરૂ થયેલી આ વાર્તા ત્યાં સુધીમાં વિલીન થવા લાગી હતી. એ સમયગાળાનું વર્ણન કરતાં ડાયનાએ તેના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું – હું ડિપ્રેશનમાં હતી. સવારે ઊઠી ત્યારે મને પથારીમાંથી ઊઠવાનું મન થતું ન હતું. હું બુઝાઈ જતી હતી. મારી વાત સાંભળનાર, મને સમજવા માટે કોઈ નહોતું. મારા ઘરની બાઉન્ડરી વોલની અંદર ઘણો બધો તણાવ હતો. મારા લગ્નજીવનમાં સમસ્યાઓ હતી પણ મારી પરિસ્થિતિ સમજવાને બદલે બધા મને બીમાર કહેવા લાગ્યા હતા. તેઓ કહેવા લાગ્યા – સમસ્યા મારી સાથે છે. હું માનસિક રીતે અસ્થિર છું. હું મારી જાતને નફરત કરવા લાગી હતી. ડાયના તેના પતિના પરિવાર વિશે વાત કરી રહી હતી. શાહી ઘરાનાની.

ડાયના એક સામાન્ય વ્યક્તિ હતી. બ્રિટિશ રાજવી પરિવારની બહારની. ડાયના પર શાહી ઘરાનાની રીતો સાથે સંતુલિત થવા અને ત્યાં રહેવા માટે ઘણું દબાણ હતું. આ નવા વાતાવરણમાં રહેવા માટે તેણે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. એક તો આ પર્વત જેવી અપેક્ષાઓ. ઉપરથી પીછો કરતાં મીડિયા અને જનતાની નજર અને આ બધાથી જુદો પતિનો પ્રેમસંબંધ, એટલે કે લફરું. પ્રિન્સ ચાર્લ્સ કેમિલા પાર્કર બોલ્ઝ નામની મહિલાના પ્રેમમાં હતા. બંને લગ્ન કરવા માગતા હતા પરંતુ કેમિલા પહેલેથી જ પરિણીત હતી.

આ કારણે બ્રિટિશ શાહી પરિવાર આ લગ્નની વિરુદ્ધ હતો. ડાયનાને લગ્ન પહેલાં જ આ અફેરની ખબર પડી ગઈ હતી. તે લગ્ન તોડવા માગતી હતી પરંતુ લગ્નની વાત એટલી બધી આગળ વધી ગઈ હતી કે ડાયના હિંમત ભેગી કરી શકી નહીં. તેથી જ લગ્નની શરૂઆતથી જ ચાર્લ્સ અને ડાયના વચ્ચેના સંબંધો ખાસ નહોતા. તેઓ જાહેરમાં સાથે જોવા મળતાં, પણ દરવાજાની પાછળ તેઓ અલગ અલગ રહેતા હતા. પહેલાંથી જ ખરાબ સંબંધ 1986માં વધુ ખરાબ થયો. શા માટે? કારણ કે ડાયનાને ખબર પડી કે ચાર્લ્સ અને કેમિલા ફરી સાથે છે.  એક ઈન્ટરવ્યૂમાં ડાયનાએ આ ઘટના વિશે કહ્યું હતું – મારા પતિ બીજા કોઈના પ્રેમમાં હતા. તેમની બાજુના લોકો મને પાગલ કહેતા હતા. તેઓ કહેતા હતા કે મને સારવાર માટે ક્યાંક મૂકવી જોઈએ. તેઓ કહેતા કે હું તેમની શરમનું કારણ બની ગઈ છું. હું સંપૂર્ણપણે અલગ થઈ ગઈ હતી.

મુશ્કેલ જિંદગી વચ્ચે જીવવા માટે ડાયનાના એક્સ્ટ્રા મેરિટલ અફેર પણ શરૂ થયા હતા. આ અંગે ચાર્લ્સે તેના એક નજીકના વ્યક્તિને લખેલા પત્રમાં કહ્યું હતું – આ કેટલી આપત્તિજનક પરિસ્થિતિ છે. મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે વસ્તુઓ આ સ્થાને પહોંચશે. કલ્પના કરો, એક પતિ જેનું લગ્ન બહાર અફેર છે. તે તેની પત્નીની બાબતોને આપત્તિજનક માનતો હતો! કારણ કે તે બ્રિટિશ સિંહાસનનો આગામી વારસદાર છે. તે ડાયના પ્રત્યે પણ અસંવેદનશીલ હતો. તેણી પાસેથી એક ઉમદા, વફાદાર અને જવાબદાર પુત્રવધૂની અપેક્ષા હતી.

ડાયનાનો અન્યત્ર પ્રેમ શોધવાનો પ્રયાસ તેના માટે એક સ્કેન્ડલ ગણાતું હતું! 1987 સુધીમાં ડાયના અને શાહી પરિવાર વચ્ચેનું અંતર સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું. ડાયના અને ચાર્લ્સ જાહેરમાં અલગ-અલગ દેખાવા લાગ્યા. 1988માં ‘વેનિટી ફેર’ એ તેની એક સ્ટોરીમાં લખ્યું હતું કે, તેણી તેના પતિ સિવાય દુનિયા માટે પ્રેમની વસ્તુ છે. ડાયનાની સ્ટોરીમાં સૌથી મોટો વિસ્ફોટ મે 1992માં થયો હતો. આ મહિને એક પુસ્તક બહાર આવ્યું. તેનું નામ હતું ‘ડાયના: હર ટ્રુ સ્ટોરી’. તેમાં ડાયનાના તૂટેલાં લગ્ન, ચાર્લ્સ અને કેમિલાના અફેર, ડાયનાનું ડિપ્રેશન, બધી વિગતો પ્રસિદ્ધ થઈ ગઈ હતી. પડદા પાછળની તમામ બાબતો જાહેરમાં આવી ગઈ હતી. બ્રિટિશ રાજવી પરિવાર શરમજનક સ્થિતિમાં હતો. હવે તેણે ડાયનાથી ઔપચારિક અંતર બનાવવાનો સત્તાવાર પ્રયાસ શરૂ કર્યો હતો.  ડાયના દબાણ હેઠળ હતી. ડાયનાનાં માતા-પિતાએ છૂટાછેડા લીધા હતા.

તેણી જાણતી હતી કે માતા-પિતાના છૂટાછેડા બાળકોને કેવી રીતે તોડે છે. એટલા માટે તે બાળકો માટે તેના પતિથી અલગ થવા માગતી ન હતી પરંતુ તેને બળજબરીથી તેમ કરવા માટે સમજાવવામાં આવી હતી. આ નવા કરારની જાહેરાત 9 ડિસેમ્બર, 1992ના રોજ કરવામાં આવી હતી. તત્કાલીન વડા પ્રધાન જોન મેજરે સંસદમાં ઊભા થઈને કહ્યું કે, પ્રિન્સ અને પ્રિન્સેસ ઑફ વેલ્સ હવે અલગ થઈ રહ્યાં છે. આ નિર્ણય સર્વસંમતિથી લેવામાં આવ્યો છે. બંને તેમનાં બાળકોના ઉછેરમાં સંપૂર્ણ રીતે ભાગ લેશે. 31 ઓગસ્ટ, 1997. ડાયના પેરિસમાં હતી. તેના મિત્ર ડોડી અલ ફાયદ સાથે. અખબારો અને કોન્સ્પિરસી થિયરિસ્ટ ફાયદને ડાયનાના પ્રેમી તરીકે વર્ણવતા હતા.

જો કે, ડાયનાને ફાયદ સાથે ક્યાંક જવાનું હતું પરંતુ આ સમાચાર મીડિયામાં ફેલાઈ જતાં હોટલની બહાર ઘણા ફોટોગ્રાફરો પોતાના કેમેરા લઈને તૈયાર થઈ ગયા હતા. તેણે ફાયદ સાથે ડાયનાના ફોટા લેવાના હતા. આ ભીડ વચ્ચે ડાયનાને હોટલમાંથી બહાર નીકળવું મુશ્કેલ થઈ રહ્યું હતું. આવી સ્થિતિમાં હોટલના એક સિક્યુરિટી ઓફિસરે તેને હોટલમાંથી બહાર કાઢવાની પહેલ કરી હતી. નામ હતું હેનરી પોલ. પહેલા એક ડીકોય વાહનને બહાર કાઢવામાં આવ્યું હતું. પત્રકારોએ વિચાર્યું કે ડાયના તેમાં છે. ઘણા તેની પાછળ ગયા, પરંતુ ડાયના તેમાં ન હતી. ડાયના માટે બુલેટ-પ્રૂફ મર્સિડીઝ-બેન્ઝ S-280ની વ્યવસ્થા કરવામાં આવી હતી. હેનરી, ડાયના, ફાયદ અને તેમના અંગરક્ષકો આ વાહનમાં બહાર નીકળ્યા પરંતુ કેટલાંક ફોટોગ્રાફરો હોંશિયાર હતા.

ફોટોગ્રાફરોને પીછો કરતા જોઈ ડ્રાઈવરે વાહનની સ્પીડ વધારી દીધી હતી. વાહન નિયંત્રણ બહાર ગયું અને પોન્ટ ડી અલ્મા ટનલના પોલ સાથે અથડાયું હતું. આ અકસ્માતમાં ડાયના, ડોડી અને ડ્રાઈવર હેનરીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. ડાયનાનું માત્ર 36 વર્ષની વયે નિધન થયું હતું. એક ખુશદિલ મહિલા, એક બળવાખોર મહિલા, જેણે પોતાની શરતો પર જીવન જીવ્યું ન હતું, જીવવું પડ્યું હતું.

Most Popular

To Top