નવસારી: (Navsari) લોકો પગપાળા જાત્રા કરવા જાય છે. કોઈ ધાર્મિક સ્થળ પર જાય છે. પરંતુ એવું બહુ ઓછું જોવા મળે છે કે કોઈ પોતાના ફેવરેટ કલાકાર (Favorite Actor) માટે સેંકડો કિલોમીટર ચાલીને તેને મળવા જાય. નવસારીના ચલાલપોર તાલુકાના મરોલી ખાતે રહેતા શેખ મોબીને પણ આવું જ કર્યું છે. સલમાન ખાનને (Salman Khan) મળવા તે પગપાળા મુંબઈ (Mumbai) જવા નિકળ્યો છે.
જલાલપોર તાલુકાના મરોલી ચાર રસ્તા ખાતે રહેતો મોબીન તૈયબ શેખ (ઉ.વ.૨૯) પ્લાસ્ટિક રિસાયક્લીંગના વ્યવસાય સાથે સંકળાયેલો છે. મોબીન સલમાન ખાનનો સૌથી મોટો ચાહક છે. સલમાન ખાનની ફિલ્મનો ભારે શોખીન છે. મોબીન સલમાન ખાનને પોતાનો આદર્શ માને છે અને તેનો મોટો પ્રશંસક પણ છે. નાનપણથી સલમાન ખાનને મળવા માટે તેની ઇચ્છા હતી. મોબીનને તેના મુબઈ સ્થિત એક કોરીઓગ્રાફર મિત્રએ સલમાન ખાન સાથે મુલાકાત કરાવી આપવાની વાત કરી ત્યારે મોબીન ખુબ જ ખુશ થયો અને જીવનની આ ક્ષણને યાદગાર બનાવવા માટે તે પોતાના મનપસંદ ફિલ્મ સ્ટાર અને બોલીવુડના ભાઈજાનને મળવા પગપાળા નવસારીથી મુંબઈ જવા નીકળી પડ્યો છે.
તેના પરિવારજનોએ અને મિત્રોએ કારમાં કે ટ્રેન દ્વારા મુંબઈ જવાની વાત કરી ત્યારે મોબીને કહ્યું કે વર્ષોથી જેની મુલાકાત લેવા માટે મેં આતુરતાથી રાહ જોઈ છે એ ક્ષણને હું આટલી સરળતાથી નહીં પરતું સલમાન ખાનને પણ યાદ રહે એ રીતે યાદગાર બનાવવા માંગુ છું અને તે માટે મુંબઈ બાંદ્રા સ્થિત સલમાન ખાનના ઘર સુધી 260 કિલોમીટર પગપાળા જવાનું પસંદ કર્યું છે.