Business

કેવી કેવી આધિ- વ્યાધિમાં સપડાયને મૂંઝાય છે જાણીતી વ્યક્તિઓ…

ધારી લો કે તમે ખેલાડી છો. તમારા સ્પોર્ટસમાં -તમારી ગેમમાં તમે પારંગત છો. ઉત્તરોત્તર તમે પ્રગતિ કરી રહ્યા છો. અવ્વલ સ્થાને પહોંચવાના તમે સહી માર્ગે છો અને ત્યાં અચાનક તમને કોઈ એવી ઈજા થાય છે કે તમારે એને કારણે એ સ્પોર્ટસ- એ ગેમ છોડવી પડે  થોડા મહિના માટે- એકાદ વર્ષ માટે ને કદાચ હંમેશને માટે… તમારી તીવ્ર અનિચ્છા હોવા છતાં! આવે વખતે એક ખેલાડીની વેદના સમજી શકાય છે. અનેક સિદ્ધિ -પ્રસિદ્ધિ મેળવનારા ખેલાડીની અફલાતૂન કરિયર પર આમ અચાનક પૂર્ણવિરામ મુકાઈ જતું હોય છે. કોઈ પણ રમતવીર માટે આ ન નિવારી શકાય એવો ખતરો તો રહે જ છે. આને આપણે ‘પ્રોફેશનલ હેઝાર્ડ’ કહીએ છીએ. આવા વ્યાવસાયિક જોખમનાં પરિણામ મોટે ભાગે ખેલાડીએ સહન કરવા પડે એ સમજી શકાય પણ કયારેક કોઈ ભળતાં જ કારણે વિભિન્ન ક્ષેત્રની જાણીતી વ્યક્તિઓ- સેલિબ્રિટીસનેય કોઈ અણધાર્યા કારણસર પોતાના પ્રોફેશન – વ્યવસાય છોડવા પડે છે.

આનું તાજું ઉદાહરણ છે હોલીવૂડનો દિગ્ગજ કલાકાર બ્રુસ વિલિસ.અનેક સુપરહીટ ફિલ્મોનો આ 67 વર્ષીય અદાકાર અત્યાર સુઘી રૂપેરી પડદે પર સક્રિય રહીને બૉક્સ ઑફિસના રેકોર્ડસ તોડી રહ્યો હતો. 1980થી ટેલિવિઝન તથા ફિલ્મ કરિયર શરૂ કરનારા બ્રુસે આજ સુધીમાં 124 જેટલી ફિલ્મ કરી છે અને આ વર્ષે 2022માં હજુ એની ચારેક ફિલ્મ રિલિઝ થવાની છે. ત્યાં અચાનક એની ધૂંઆધાર કરિયર પણ બ્રેક લાગી ગઈ-ખુદ એણે જ થંભાવી દેવી પડી કારણ કે એ ‘અફેસિયા’( APHASIA) નામની બીમારીની અડફેટમાં આવી ગયો છે. મગજની આ એક એવી વિકૃતિ છે કે જેમાં એનો ભોગ બનતી વ્યક્તિની વાતચીત તેમ જ લખવા-વાંચવાની ક્ષમતાને સારી એવી ક્ષતિ પહોંચે છે. લખેલા શબ્દો એ બરાબર સમજી ન શકે-બોલવામાં એને ઠીકથી રજૂ ન કરી શકે – એ જે વ્યક્ત કરવા ઈચ્છે એ એવું અસ્પષ્ટ  હોય કે સામેવાળા સમજી ન શકે. બીજા શબ્દોમાં કહીએ તો એની સંદેશવ્યવહારની શક્તિ ખોરવાઈ જાય છે. ‘વાચાઘાત’ તરીકે પણ ઓળખાતી મગજની આવી વિકૃતિમાં અમેરિકન ઍકટર બ્રુસ વિલિસ એવો સપડાયો કે ‘ડાઈ હાર્ડ’ ફિલ્મ સીરિઝને લીધે ‘સુપર ઍકશન હીરો’ તરીકે વિખ્યાત થઈ ગયેલા આ મર્દાના હીરોએ  ફિલ્મ કરિયરમાંથી કમને- કટાણે નિવૃત્તિ લેવી પડી છે. પોતે સંવાદ બરાબર વાંચી ન શકે- ચહેરાના હાવભાવ સાથે તાલમેળ કરી એને યથાર્થ સ્ક્રીન પર પેશ ન કરી શકે તો એવા અભિનયનો કોઈ અર્થ રહેતો નહોતો.

અચાનક આ રીતે કોઈની સક્રિય કરિયર ખોરવી નાખે એવી આ અટપટી બીમારી ‘અફેસિયા’ વિશે અમદાવાદના સુપ્રસિદ્ધ સાઈકોલોજિસ્ટ – માનસશાસ્ત્રી ડૉ. પ્રશાંત ભીમાણી આપણને કંઈક આ રીતે સમજાવે છે. એ કહે છે: ‘આપણી વાત વ્યકત કરતી વખતે – બોલતી વખતે ભાષાની જે ન ધારેલી ગરબડ સર્જાય એને ‘અફેસિયા’ કે ‘અફેઝિઆ’ કહે છે. તબીબી દ્રષ્ટિએ તો એના અનેક પ્રકાર છે પરંતુ સમજવામાં સરળ રહે એ માટે એનું આ રીતે વર્ગીકરણ કરી શકાય. એક: આ વિકારથી ગ્રસ્ત વ્યક્તિ લાંબું લાંબું બોલ્યા જ કરે, જેનો કોઈ ચોક્કસ અર્થ ન નીકળે.એની એ ભાષાકીય અભિવ્યક્તિ અર્થહીન હોય ( Fluent Aphasia). બીજા પ્રકારમાં દરદી બહુ ટૂંકું બોલે. વાકયને બદલે શબ્દથી કામ ચલાવે કે સાવ અધૂરું બોલે જેમ કે એને કહેવું હોય કે ‘હું બહાર જાઉં છું’ તો એ વાત તોડીને આમ કહેશે: ‘હું’ ….’બહાર’ ( Non fluent Aphasia) .વાણી વિકૃતિના આવા બીજા પણ અનેક પ્રકાર છે.

કેટલાક કિસ્સામાં વાણી એવી વેર-વિખેર થઈ ગઈ હોય કે પોતે જાણતો હોવા છતાં દરદી પોતાની વાત બોલીને સમજાવી નથી શકતો. એક પ્રકાર તો એવો વિચિત્ર છે કે અફેસિયાગ્રસ્ત વ્યક્તિ ઈચ્છા ન હોવા છતાં એ સતત અપશબ્દો-ગાળ બોલ્યા જ કરે..!’ આવી તકલીફ થવાનું કારણ શું હોય શકે? માનસિક કે નર્વસ સિસ્ટમની કોઈ ખામી? જવાબમાં ડૉ. ભીમાણી કહે છે: ‘કોઈ પણ કારણસર મગજને ઈજા પહોંચી હોય કે પછી મગજમાં રક્તભ્રમણ અટકી ગયું હોય કે પછી અન્ય કોઈ કારણસર સ્ટ્રોક – પક્ષાઘાતનો હુમલો થાય તો ‘અફેસિયા’ની વિકૃતિ સર્જાઈ શકે. પુરુષ -સ્ત્રીના ભેદભાવ વગર વધતી વયે થતી આ તકલીફ કોઈ ખાસ પ્રકારના વ્યવસાય સાથે સંકળાયેલી વ્યક્તિને જ થાય એ જરૂરી નથી. હા, આવી વ્યાધિવાળાની માનસિક તેમ જ તબીબી સારવાર કરવી પડે ,જે બહુ લાંબી ચાલે છે.’

જીવનના ઉત્તરાર્ધ તરફ વૃદ્ધાવસ્થા દરમિયાન માણસને કુદરતી રીતે જ પાર્કિન્સન કે અલ્ઝાઈમર જેવી અમુક વ્યાધિ વળગે એ સમજી શકાય પણ ‘અફેસિયા’ જેવી ઓછી જાણીતી બીમારી વિશે આપણને અમેરિકન હીરો બ્રુસ વિલિસ પાસેથી જાણવા મળ્યું તેમ આપણી એક ફિલ્મ હસ્તી પાસેથી પણ જાણવા મળી એક અન્ય વ્યાધિ ‘ઓનોમેટોમેનિયા’. ધુરંધર  અદાકાર નસિરુદ્દીન શાહે તાજેતરમાં સ્વીકાર્યું કે એને ‘ઓનોમેટોમેનિયા’ પજવે છે.. આ ‘ઓનોમેટોમેનિયા’ એટલે એક એવી માનસિક અવસ્થા,જેનાથી ગ્રસ્ત વ્યક્તિ જાણતાં -અજાણતાં એકના એક શબ્દો કે વાક્યો કે ગીતની કડી કે પોતાના મનપસંદ સંવાદ સુદ્ધાં અર્થહીન બોલ્યા કરે- ગણગણાવ્યાં કરે.. આ અવસ્થા વિશે નસિરુદ્દીન કહે છે કે મને ખુદને ખબર હોતી નથી કે હું શું અને શા માટે આવી હરકત દિવસ તો ઠીક , રાતનાય ઊંઘમાં કરતો રહું છું !

આવા એકધારા બબડાટનું અર્થઘટન ડૉ. પ્રશાંત ભીમાણી આ રીતે કરે છે. એ કહે છે: ‘કોઈ પણ કારણસર મનમાં પેસી ગયેલાં શબ્દ-સંવાદ વારંવાર બોલવાની કુટેવ દૂર કરવા અસરગ્રસ્તને માનસચિકિત્સકની સારવાર આપવી પડે. મનમાં અજાણે ધરબાયેલી કોઈ વાતને લીધે આવું થઈ શકે. એ કારણ શોધીને આવા બબડાટને શાંત પાડી શકાય.’ આમ તો ‘ડિમેન્શિયા’ પણ ‘અલ્ઝાઈમર’ જેવી જ વૃદ્ધાવસ્થા વખતે વળગતી બીમારી છે. પખવાડિયા પહેલાં, રિશી કપૂરના અવસાન પહેલાંની એની છેલ્લી ફિલ્મ ‘શર્માજી નમકીન’ નું સ્પેશ્યલ સ્ક્રિનિંગ થયું ત્યારે નાના સદગત ભાઈ રિશીની અદાકારી જોઈને ભાવુક થઈ ગયેલા રણધીર ક્પૂરે ભત્રીજા રણબીરને કહ્યું : ‘તારા ડૅડી કયાં છે..એને ફોન લગાડ -મારે એને આવી અફલાતૂન ઍક્ટિંગ માટે શાબાશી આપવી છે !’ પાછળથી રણબીરે ખુલાસો  કરવો પડયો કે એના અંકલ રણધીર ક્પૂરને હવે બધું ભૂલી જવાની બીમારી ‘ડિમેન્શિયા’ પજવે છે. એ વારંવાર રિશી ક્પૂરના અવસાનની વાત વિસરી જાય છે!

અહીં ‘ડિમેન્શિયા’ તથા ‘અફેસિયા’ વચ્ચેનો ભેદ સમજાવતાં ડૉ. પ્રશાંત ભીમાણી ઉમેરે છે કે ‘અફેસિયા’ એ બોલતી વખતે થતી અભિવ્યક્તિની ગરબડ છે. બીજી તરફ, ‘ડિમેન્શિયા’ એ સ્મૃતિભ્રંશની અવસ્થા છે. વધતી જતી ઉંમરે મગજના કોષોના ઘસારાને લીધે યાદ ન રહેવાની પરિસ્થિતિ સર્જાય છે. મગજના આ બન્ને વિકારની સારવાર લાંબી ચાલે છતાં એમાંથી મુક્તિ મળશે કે નહીં એ ચર્ચાસ્પદ છે. આ બધા વચ્ચે , તાજેતરમાં ‘મિસ યુનિવર્સ’ બનેલી આપણી રૂપસુંદરી હરનાઝ કૌલ સંધુ પણ એક વિચિત્ર બીમારીમાં સપડાઈ છે. ખુદ એના કહેવા મુજબ અચાનક એનું જેટ સ્પીડે વજન વધી રહ્યું છે. તબીબી પરીક્ષણ પછી જાણવા મળ્યું છે કે હરનાઝ ‘સીલિઆક ‘ નામના ‘ઓટોઈમ્યુન’ ડિસઓર્ડરના વિકારથી પીડાઈ રહી છે. આમાં આપમેળે વજન વધવા માંડે. એની કોઈ દવા નથી. મન મક્કમ કરીને ડાયટિંગ કરવું એ જ એની એક માત્ર અસરકારક સારવાર છે!

Most Popular

To Top