Charchapatra

કૌટુંબિક શાંતિ

એક સમય એવો પણ હતો જયારે પુત્રવધૂઓ સાસુના કક્ષ અને કડક વલણથી ડરતી હતી. આમન્યા જાળવતી હતી. પરિવર્તન જગતનો નિયમ છે. હવે સાસુ પુત્રવધુના કોપથી કાંપે છે. વર્તમાન સમયમાં યુવતીઓ શિક્ષિત થઇ હોવાથી સ્વનિર્ભર બની છે અને એ યોગ્ય પણ છે. આર્થિક ઉપાર્જન આજની મોંઘવારીમાં યોગ્ય વાત જ કહેવાય પણ એ યુવતી પુત્રવધૂ બની રોફ જમાવે એ વાત સદંતર ખોટી. અપવાદ સર્વત્ર હોય જ અને છે જ. પણ નાણાંકીય આવકથી પરિવારમાં સાસુ-સસરાની આમન્યા ન જાળવે એ અયોગ્ય વાત. દિકરીને શિક્ષિત બનાવવા સાથે સંસ્કાર સિંચન પણ માવતરે અવશ્ય કરવું જોઇએ.

નમ્રતા અને વિવેક તો પ્રત્યેક દિકરીને શીખવવા જ જોઇએ. સાસુ અને પુત્રવધૂ વચ્ચે મિત્રતાના સંબંધ જળવાઇ રહે તો પારિવારીક શાંતિ જળવાઇ જ રહે અને પુત્રની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી ન થાય. માતા પિતા પ્રત્યે પણ એની ફરજ આજીવન હોય છે અને પત્ની પ્રત્યે પણ ફરજ એણે યોગ્ય રીતે બજાવવાની હોય છે. બે પક્ષો વચ્ચે સમાધાનનો સમન્વય ન રચાય તો પુત્રની હાલત કફોડી બની જાય છે. એટલે કૌટુંબિક શાંતિ-સ્નેહ સંપ જાળવી રાખવા દરેક પારિવારીક સભ્યોએ સમજણ અને જતુ કરવાની વૃત્તિ રાખવી જરૂરી. સ્વમાન સૌને વહાલુ હોય.
સુરત              – નેહા શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top