સુરત: સુરત (Surat) સિવિલ હોસ્પિટલ (New Civil Hospital) કમ ગવર્મેન્ટ મેડિકલ કોલેજના (Goverment Medical College) પોસ્ટ ગ્રેજ્યુએશનમાં (Post Graduation) અભ્યાસ કરતા તબીબ વિદ્યાર્થીનું માંદગી દરમિયાન મોત નિપજવાની દુઃખદ ઘટમાંમાં આજે પરિવારે સર્જરી વિભાગના યુનિટ હેસ અને સિનિયર રેસિડેન્ટ તબીબની બેજવાબદારી હોવાનો આરોપ લગાડી આવેદનપત્ર આપ્યું હતું.
એટલું જ નહીં પણ ડો. રાજેન્દ્ર રામાણી ને બીમાર અવસ્થામાં માનસિક રીતે હેરાન કરી રજા પણ આપવામાં ન આવી હોવાની રજુઆત કરવામાં આવી હતી. 24 કલાક દરમિયાન સુવા અને જમવા માટે નો સમય પણ ફળવાતો ન હોવાનું જણાવવામાં આવ્યું હતું. ડો.રાજેન્દ્ર ને બીમાર અવસ્થામાં કામ કરાવી બેભાન થઈ ગયા બાદ સિવિલમાં જ સારવાર આપવાના બદલે પરિવારને ફોન પણ જાણ કરી લઈ જવા નું કહેવામાં આવ્યું હતું. પરિવારે જણાવ્યું હતું કે મેડિકલ ડાયગનોસીસ મુજબ ડો. રાજેન્દ્ર ન્યુમોનિયાથી મૃત્યુ પામ્યો હશે પણ એને સમયસર સારવાર મળી હોત તો બચાવી શકાયો હોત એ વાતને પણ નકારી શકાય નહીં, જેની પાછળ સિવિલના સર્જરી વિભાગના જવાબદાર ડોક્ટર અને રેસિડેન્ટ તબીબ છે.
મેડિકલ કોલેજના ઇન્ચાર્જ ડિન ડો. વર્માએ પીડિત પરિવારની વ્યથા સાંભળી તપાસ કમિટી બનાવવાની બાંહેધરી આપી હતી સાથે સાથે10 દિવસમાં રિપોર્ટ આવ્યા બાદ જવાબદાર સામે પગલા ભરવા ખાત્રી આપી છે. પરિવારે પોલીસ કમિશનર, કલેક્ટર, આરોગ્ય વિભાગ અને CM અને PM સુધી લેખિતમાં રજુઆત કરી ન્યાય માટે અપીલ કરી હતી.
પરિવારે જણાવ્યું હતું કે રાજેન્દ્ર બીમાર હતો ત્યારે જવાબદાર સિનિયરોએ અને વિભાગના વડાઓએ કાળજી રાખવાની હતી. તેના બદલે એની પાસે સતત કામ કરાવવામાં આવતું હતું. બીમાર હોવા છતાં રજા મંજૂર કરાતી ન હતી. બેભાન થઈ ગયા બાદ સારવાર આપવાના બદલે પરિવારને ફોન કરી જાણ કરી લઈ જવાનું કહેવામાં આવ્યું હતું. જેને લઈ ડો. રાજેન્દ્રનું સારવારના અભાવે મોત થયું હોય એ વાત ને નકારી શકાય નહિ, સાથી કેટલાક તબીબ વિદ્યાર્થીઓ પણ આ વાત સાથે સમર્થન આપી રહ્યા છે. તબીબ વિદ્યાર્થીઓ પાસે 24 કલાક કામ કરાવવામાં આવી રહ્યું છે. હોસ્ટેલમાં રૂમ ફાળવવામાં આવી છે પણ આરામ કે ન્હાવા-ધોવા માટે જવા નથી દેવાતા એ એક કડવી વાસ્તવિકતા છે.
વધુમાં કહ્યું હતું કે અમે તો દીકરો ગુમાવ્યો છે કોઈ બીજાનો દીકરો આવા સિનિયર અને તબીબ શિક્ષકોની માનસિકતાનો ભોગ નહિ બને એ માટે લડાઈ ઉપાડી છે. તબીબ વિદ્યાર્થીઓને 5 દિવસમાં 5 કલાક પણ આરામ કે સુવાનો સમય આપવામાં આવતો હતો. આજે અમે કોલેજના ડિનને આવેદનપત્ર આપી તમામ લેખિત રજુઆત કરી છે. અમારી રજુઆતમાં આખો ઘટના ક્રમ છે. ડો.રાજેન્દ્ર સાથે રાક્ષસી કૃત્ય કરનાર સામે તપાસ સમિતિની રચના કરી કડકમાં કડક સજા આપો એવી માંગ કરી છે. અમારી પાસે તમામ પ્રકારના પુરાવા છે. અન્ય વિદ્યાર્થીઓ પણ આ લડાઈમાં જરૂર પડશે તો જોડાવવા તૈયાર છે. આ બાબતે આરોગ્ય વિભાગથી લઈ CM અને PM સુધી લેખિતમાં રજુઆત કરી છે. અમારો દીકરો હોશિયાર હતો. ઉચ્ચ અભ્યાસ કર્યા બાદ સિવિલમાં જ ગરીબ દર્દીઓની સારવાર સાથે સેવા કરવાની ઈચ્છા રાખતો હતો. અમને ન્યાય નહિ મળે તો લડત ઉપાડીશું એવું પરિવારે જણાવ્યું હતું.
પરિવારે આજે રજુઆત દરમિયાન હાજર ડો. બીના બેન અને રેસિડેન્ટ મહિલા તબીબ ને ખરી ખોટી સંભળાવી હતી. બાળકો પેદા કરો અને ઉછેરો અને પછી આવી ઘટના બને તો ખબર પડે હૃદય કેમ ધબકે છે, તમે જ મારી નાખ્યો છે એવો આરોપ મૂકી પરિવારે કહ્યું હતું કે કયા નિયમો કહે છે કે 24 કલાક કામ કરાવો, સુવાનો કે જમવાનો સમય પણ નહી આપો, નાપાસ કરી દેવાની ધમકી આપી તમે એક વિદ્યાર્થી પર રાક્ષસી કૃત્ય આચરી રહ્યા છો, ભલે અમે માફ કરી દઈએ, પણ કુદરત ક્યારેય માફ નહિ કરે, આનું ફળ તમને મળશે એવી અમારી હાય છે, જાઉં ઘરે જઇ ને જોઉં, એની માતાના આંસુ હજી સુકાયા નથી, દીકરો હાલ આવશે એની રાહ જોઇને બેઠી છે. બહેન તારો ભાઈ હોટ તો તું એવું વર્તન કરત, પરિવારે પોતાની વ્યથા કાઢતા ડિન, સહિતના ડોક્ટરોની બોલતી બંધ થઈ ગઈ હતી.