સુરતની વસ્તી માંડ પાંચેક લાખ જેટલી હતી. શેરી મહોલ્લામાં ગાળા ટાઈપનાં મકાનો, એક મકાનમાં ઓછામાં વીસ-પચીસ માણસો તો રહેતાં હતાં. દિવસે ઘર ભરાયેલું રહેતું, બપોરે મોહલ્લો ભરાયલો રહેતો અને રાત્રે ઓટલો ભરાયેલો રહેતો. તે સમયે આવક નાની હતી પણ દિલ બહુ મોટાં હતાં. સંયુક્ત કુટુંબમાં રહેવાને કારણે ખર્ચ ઓછો થતો. સાદું જીવન હતું. ભૌતિક સુખ ઓછાં, પણ માનસિક રીતે સુખી હતાં. ઘણી વાર કુટુંબમાં રકઝક થઈ જતી, પણ વડીલો તેનો વિટો પાવરનો ઉપયોગ કરી બાજી સંભાળી લેતા. સુરતની બહાર વિકાસ થયો એટલે એક એક પરિવાર બહાર રહેવા જતા, કુટુંબો નાના થવા લાગ્યાં. પહેલાંના સમયમાં પાંચ સાત ભાઈ બહેનનું પરિવાર સામાન્ય કહેવાતું. ઓછી આવકમાં પણ લગ્ન પ્રસંગ ધામધૂમથી ઉજવાતા. પહેલાંના સમયમાં ભલે પરિવારના સભ્યોમાં મતભેદ હતા, પણ મનભેદ બિલકુલ નહિ, હજુ પણ સુરતીઓના ભલે પરિવારની પરિસ્થિતિ અનુરૂપ સંયુક્ત કુટુંબ વિભક્ત કુટુંબ થયાં પણ સુખ:દુઃખમાં એકબીજાની પડખે ઊભા રહી ’વસુધૈવ કુટુંબકમ્ ‘ની ભાવના અકબંધ રાખી છે.
સુરત – કિરીટ મેઘાવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.