SURAT

સુરતના 4000 કરદાતાઓની કરોડોની ફેસલેસ અપીલના કેસોનો હવે વહેલો નિકાલ આવશે

સુરત: દેશની કોર્ટોમાં જેમ જ્જની ઘટ છે તેવી જ કંઈક હાલત દેશના ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની (Income Tax Department) થઈ ગઈ છે. ડિજીટલ ક્રાંતિની દોડમાં ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં ફેસલેસ અપીલ શરૂ થઈ ગઈ પરંતુ અપીલ કમિશનરોની અછતના લીધે કેસની અપીલ થઈ રહી નથી જેના લીધે હાલના દિવસોમાં દેશભરમાં 6.50 લાખ ફેસલેસ અપીલના કેસો પેન્ડીંગ છે. આ અપીલ કેસોના નિકાલ માટે કેન્દ્રીય બજેટ 2023-24માં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે મોટી જાહેરાત કરી છે. નાણામંત્રીએ ફેસલેસ અપીલના કેસોના નિકાલની સત્તા હવે જોઈન્ટ કમિશનરોને પણ સોંપી છે. આગામી વર્ષમાં 100 જેટલાં જોઈન્ટ કમિશનરોની અપીલમાં નિયુક્તિ કરવામાં આવશે.

  • ફેસલેસ અપીલના કેસોના નિકાલની સત્તા જોઈન્ટ કમિશનરોને સોંપાઈ
  • દેશભરમાં અપીલના કેસો માટે 100 જોઈન્ટ કમિશનરોની નિયુક્તી કરાશે
  • સુરતમાં 2018થી અપીલના કેસો પેન્ડીંગ: કરદાતા ઈ-મેઈલ કરીને થાકી જાય તો પણ સુનાવણી થતી નહોતી, હવે કેસો ઝડપી ચાલશે

સુરતના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પ્રજ્ઞેશ જગાશેઠે આ નિર્ણયને આવકારદાયક ગણાવતા કહ્યું કે, વર્ષ 2018થી દેશભરમાં 6.50 લાખ અપીલના કેસો પેન્ડીંગ છે. સુરતમાં આ આંકડો 4000 કેસોથી વધુનો છે. લાખો-કરોડો રૂપિયાની ડિમાન્ડ સામે કરદાતાઓ અપીલ કરે પરંતુ અપીલ કમિશનરની અછતના લીધે સમયસર સુનાવણી થતી નહીં હોય કેસ પેન્ડીંગ રહે છે. હવે સરકારે અપીલના કેસોના નિકાલની સત્તા અપીલ કમિશનરની સાથે જોઈન્ટ કમિશનરોને પણ સોંપી છે. તેથી અપીલના કેસોના નિકાલ વહેલો થશે.

જગાશેઠે વધુમાં કહ્યું કે, હજુ સુધી રકમની મર્યાદા નક્કી કરવામાં આવી નથી. આગામી દિવસોમાં તે અંગે સ્પષ્ટતા થશે. પરંતુ એ ચોક્કસ છે કે હવે ફેસલેસ અપીલના કેસોની સુનાવણી ઝડપી બનશે અને તેનો નિકાલ વહેલો આવશે. તેના લીધે કરદાતાની સાથોસાથ ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને પણ ફાયદો થશે.

Most Popular

To Top