જિંદગીની વાસ્તવિકતા જ્યારે પીડાજનક હોય ત્યારે મનુષ્ય કલ્પનાની દુનિયામાં વિહરવા લાગે છે. જે લોકો પોતાની અંગત જિંદગીમાં દુ:ખી હોય તેઓ ડ્રગ્સનું સેવન કરીને આભાસી દુનિયામાં ઊડવા લાગે છે. કોરોના અને લોકડાઉનની પીડામાંથી બહાર આવવા મથી રહેલા દુનિયાના કરોડો લોકો માટે માર્ક ઝુકરબર્ગ એન્ડ કંપની એક નવું શમણું લઈને આવી છે, જેનું નામ મેટાવર્સ છે. આપણને આ શમણું વેચવા માટે ઝુકરબર્ગે તો ફેસબુકનું નામ બદલીને મેટા કરી નાખ્યું છે. મેટાવર્સ ઇન્ટરનેટ પછીની સૌથી મોટી નવી શોધ છે. ઇન્ટરનેટ વડે આખી દુનિયા આપણા કોમ્પ્યુટરના કે મોબાઇલના સ્ક્રીન પર આવી ગઈ છે. મેટાવર્સ વડે આપણે આપણા કોઈ અવતારના માધ્યમથી તે સ્ક્રીનમાં પ્રવેશ કરીને આપણા જેવા બીજાના અવતારો સાથે વિવિધ ક્રિયાઓ કરી શકીશું.
મેટાનો અર્થ ‘પર’ થાય છે અને વર્સનો અર્થ ‘દુનિયા’ થાય છે. મેટાવર્સ આપણને આ દુનિયાથી પરની કોઈ બીજી દુનિયામાં લઈ જવા માગે છે, જેમાં લોકો પોતાની કલ્પનાની જિંદગી જીવતા હોય છે. મેટાવર્સ શબ્દનો ઉપયોગ ૧૯૯૨ માં સાયન્સ ફિક્શન લેખક નીલ સ્ટિફન્સને તેની નોવેલ ‘સ્નોક્રેશ’માં કર્યો હતો. તેમાં અબજો લોકો ઇન્ટરનેટ અને ૩ ડી ટેકનોલોજી વડે પોતાનો કાલ્પનિક અવતાર બનાવે છે, દુનિયામાં મન ફાવે ત્યાં પહોંચી જાય છે, કાલ્પનિક લોકો સાથે કાલ્પનિક જિંદગી જીવે છે, કાલ્પનિક ધંધો કરે છે, તેના માટે કાલ્પનિક ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરે છે અને પોતાની અસલ જિંદગીમાં પાછા ફરે છે.
મેટાવર્સ એક રીતે બાળકો દ્વારા રમવામાં આવતી ૩ ડી ગેમ્સનું વિસ્તૃત સ્વરૂપ છે, પણ તે બચ્ચાંની રમત કરતાં વિશેષ છે. તેના વડે દૂરસુદૂર વસતાં લોકોને મળી શકાય છે, તેમની પાસેથી શિક્ષણ પ્રાપ્ત કરી શકાય છે અને તેમની સાથે ધંધો પણ કરી શકાય છે. મેટાવર્સ કોઈ ભવિષ્યની ટેકનોલોજી નથી, પણ તેનું પૃથ્વી પર આગમન થઈ ચૂક્યું છે. આપણને ફ્લેટ વેચવા માગતો બિલ્ડર વર્ચ્યુઅલ ટૂર કરાવે છે તે પણ મેટાવર્સનો પ્રાથમિક પ્રકાર છે.
આપણે કાળાં માથાંનાં માનવીઓ સૃષ્ટિની શરૂઆત થઈ ત્યારથી ઘર, દુકાન, મંદિર, બગીચા, બજાર વગેરેમાં જવાને અને જીવવાને ટેવાયેલા છીએ. આપણી જે દુનિયા છે, તેનું સર્જન કુદરતે કર્યું છે, જેને કારણે તેમાં બધી ચીજો આપણી મરજી મુજબની કે આપણને ગમે તેવી નથી. મેટાવર્સ દ્વારા ગૂગલ, ફેસબુક અને માઇક્રોસોફ્ટ જેવી ટેક જાયન્ટ કંપનીઓ તેમની કલ્પના મુજબની વર્ચ્યુઅલ દુનિયાનું સર્જન કરશે, જેમાં તેઓ આપણને ટેકનોલોજીની મદદથી ફરવા લઈ જશે. આ વર્ચ્યુઅલ દુનિયામાં આપણે જીવવું હશે તો આપણે આપણી જગ્યા પણ ખરીદવી પડશે. દરેક મનુષ્ય પોતાનો અવતાર બનાવીને તેમાં પ્રવેશ કરી શકશે અને ચાહે તેટલો સમય રહી શકશે. થોડા સમય પહેલાં હોલિવૂડમાં આવેલી અવતાર ફિલ્મમાં આ જિંદગીની ઝલક જોવા મળી ગઈ હતી.
આ કાલ્પનિક દુનિયામાં પ્રવેશ કરવા માટે આપણને કોમ્પ્યુટર અને સ્માર્ટફોન ઉપરાંત અદ્યતન ટેકનોલોજી ધરાવતા વાયરલેસ હેડસેટની જરૂર પડશે. તેમાં વર્ચ્યુઅલ રિયાલિટી, ઓગ્મેન્ટેડ રિયાલિટી અને મિક્સ્ડ રિયાલિટીની ટેકનોલોજીની જરૂર પડશે. અત્યારનાં જે કોમ્પ્યુટરો છે, તેમાંનાં ૯૦ ટકા વર્ચ્યુઅલ રિયાલિટીના સોફ્ટવેરને હેન્ડલ કરવામાં સક્ષમ નથી. અત્યારે જે હેડસેટનો ઉપયોગ વીડિયો ગેમ રમવા માટે કરવામાં આવે છે તે પણ મેટાવર્સ માટે નકામા હશે. વર્ચ્યુઅલ રિયાલિટી માટે જે હેડસેટ આવે છે તેની કિંમત જ ૬૦,૦૦૦ રૂપિયા જેટલી છે.
૨૦૧૧ માં પ્રકાશિત થયેલી રેડી પ્લેયર વન નામની નોવેલમાં મેટાવર્સના ભવિષ્ય બાબતમાં આગાહી કરવામાં આવી હતી. આ નોવેલના લેખકે ૨૦૪૫ ની પરિસ્થિતિનું વર્ણન કર્યું હતું, જેમાં આખું વિશ્વ ઊર્જાની કટોકટીમાં ડૂબી ગયું હતું અને ગ્લોબલ વોર્મિંગથી ત્રાહિમામ્ પોકારી ગયું હતું. તેને કારણે અનેક આર્થિક અને સામાજિક સમસ્યાઓ પેદા થઈ હતી. તેનાથી બચવા લોકો વર્ચ્યુઅલ રિયાલિટીના શરણે ગયા હતા અને ઓએસિસ નામના રણદ્વીપમાં પહોંચી ગયા હતા.
આ નોવેલ પરથી ૨૦૧૮ માં ફિલ્મ રિલીઝ થઈ હતી. હવે ટેક જાયન્ટ કંપનીઓ આ ફિલ્મની કથાને સાચી પુરવાર કરવા માગતી હોય તેવું જણાય છે. ફેસબુક છેક ૨૦૧૪ ની સાલથી મેટાવર્સની દુનિયામાં આગળ વધવાની યોજના તૈયાર કરી રહ્યું હતું. તે માટે તેણે વર્ચ્યુઅલ રિયાલિટી કંપની ઓક્યુલસ ખરીદી લીધી હતી. ગૂગલ અને માઇક્રોસોફ્ટ જેવી કંપનીઓ પણ મેટાવર્સમાં પોતાની વગ ઊભી કરવા ફેસબુક સાથે સ્પર્ધામાં છે. માર્ક ઝુકરબર્ગે જાહેર કર્યું છે કે તેઓ મેટાવર્સ માટે સોફ્ટવેર તૈયાર કરવા યુરોપના દસ હજાર સોફ્ટવેર એન્જિનિયરોને નોકરીમાં રાખવાની યોજના ઘડી રહ્યા છે.
માર્ક ઝુકરબર્ગ દ્વારા મેટાવર્સની જાહેરાત માટે જે સમય પસંદ કરવામાં આવ્યો તે પણ તેના ઇરાદા માટે શંકા જન્માવે તેવો છે. દુનિયાના મોટા ભાગના દેશો હજુ પણ કોવિડ-૧૯ ને કારણે લોકડાઉન જેવી હાલતમાં છે. લોકો વર્ક ફ્રોમ હોમના આદતી થઈ ગયા છે. સરકાર પણ ઠોકી ઠોકીને કહે છે કે ખાસ કોઈ કામ ન હોય તો ઘરની બહાર નીકળશો નહીં. ઘરમાં રહીને કંટાળી ગયેલાં લોકો માટે જેમ ઓટીટી પ્લેટફોર્મ છટકવાનું સાધન બન્યાં હતાં તેમ મેટાવર્સ વધુ અસરકારક સાધન બનશે.
કાર્લ માર્ક્સે કહ્યું હતું કે ધર્મ લોકો માટે અફીણની ગરજ સારે છે. ધર્મની આરાધનામાં ડૂબેલા લોકો સંસારનાં દુ:ખદર્દો ભૂલી જાય છે. તેવી જ રીતે આજે ટી.વી. કે મોબાઇલ લોકો માટે નશો બની ગયાં છે. આ ગેઝેટોમાં તેના વાપરનારે માત્ર પ્રેક્ષક બની રહેવાનું હોય છે. હવે મેટાવર્સના માધ્યમથી તેઓ એક્ટર પણ બની શકશે. જે કામો તેઓ રિયલ લાઇફમાં નથી કરી શકતા તે તેઓ કાલ્પનિક દુનિયામાં કરી શકશે. લોકો હાલમાં મોબાઇલમાં પોર્નોગ્રાફી જોઈને સંતોષ માને છે. મેટાવર્સની ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેઓ કલ્પનાની દુનિયામાં વ્યભિચાર પણ કરી શકશે.
દુનિયાના લોકો જ્યારથી સોશ્યલ મીડિયાના નશામાં ખોવાઈ ગયા છે ત્યારથી તેમના જીવનની કોઈ વાત ખાનગી રહી નથી. તેઓ ક્યાં જાય છે, કોને મળે છે, શું ખરીદે છે, કેટલા રૂપિયા કમાય છે, ક્યાં ખર્ચે છે, વગેરે બધી વાતો ગૂગલ, ફેસબુક અને એપલના સંચાલકો જાણતા હોય છે. આપણા અંગત ડેટાનો ઉપયોગ કરીને તેઓ અબજો ડોલરની કમાણી પણ કરતા હોય છે. રાજનેતાઓનો અંગત રેકોર્ડ જાણીને તેઓ દેશની જાસૂસી પણ કરતા હોય છે. તેમાં પણ આધાર કાર્ડ અને વેક્સિન કાર્ડ જેવા નિયમો વડે આપણાં નાગરિકોની તમામ ખાનગી વિગતો વિદેશી કંપનીઓના હાથમાં પહોંચી જાય છે. આ કંપનીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા મેટાવર્સનો ઉપયોગ કરીને લોકો જ્યારે કાલ્પનિક જિંદગી જીવવા લાગશે ત્યારે તેમની ચોટલી પણ વિદેશી હાથોમાં આવી જશે.
તાજેતરમાં ફેસબુકના એક ભૂતપૂર્વ કર્મચારીએ જાહેર કર્યું હતું કે ભારતના કટ્ટર હિન્દુત્વવાદીઓ મુસ્લિમો પ્રત્યે દ્વેષ ફેલાવવા ફેસબુકનો ઉપયોગ કરતા હતા. આ વાત ફેસબુકના ધ્યાન પર લાવવામાં આવી તો પણ તેણે તેના પર પ્રતિબંધ નહોતો મૂક્યો, કારણ કે તે લોકો ભાજપ અને આર.એસ.એસ. સાથે સંકળાયેલા હતા. ટેક જાયન્ટ કંપનીઓના માલિકો પોતાના નફા ખાતર સમાજના સ્વાસ્થ્યને જોખમમાં મૂકતાં અચકાતા નથી. જ્યારે મેટાવર્સના માધ્યમથી તેમની પાસે દુનિયાનાં કરોડો લોકોની માહિતી આવી જશે ત્યારે તેઓ જગતના બેતાજ બાદશાહ જ બની જશે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.