દેશમાં ૧૨થી ૧૪ વર્ષની વયજૂથના બાળકો માટે કોવિડ રસીકરણ બુધવારથી શરૂ થઇ ગયું છે. આ પહેલા ૧૫થી ૧૮ વર્ષની વયજૂથના બાળકો, કિશોરોમાં કોવિડ-૧૯નું રસીકરણ આ વર્ષની ત્રીજી જાન્યુઆરીથી એટલે કે લગભગ અઢી મહિના પહેલા જ શરૂ થયું હતું. આ વયજૂથમાં તો પ્રથમ સપ્તાહમાં જ બે કરોડથી વધુ બાળકોનું રસીકરણ થઇ ગયું હતું. ૧૫થી ૧૮ વર્ષની વયજૂથના બાળકોને કોવેક્સિન વડે રસીકરણ કરવામાં આવે છે જ્યારે ૧૨થી ૧૪ વર્ષની વયના બાળકોને કોર્બાવેક્સ નામની એક નવી રસીથી રસીકરણ કરવામાં આવી રહ્યું છે. દેશમાં ગયા વર્ષની એટલે કે ૨૦૨૧ની ૧૬મી જાન્યુઆરીથી કોવિડ-૧૯ સામેનું રસીકરણ શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં દેશની ઘણી મોટી, બલ્કે મોટાભાગની વસ્તીનું રસીકરણ થઇ ગયું છે.
રસીકરણમાં પણ શરૂઆતમાં તો ઘણા છબરડા અને અંધાધૂંધીઓ સર્જાયા, પણ બાદમાં સ્થિતિ સુધરી અને ૧૨ માર્ચ, ૨૦૨૨ના આંકડાઓ પ્રમાણે દેશમાં કુલ ૧.૮ અબજ રસીના ડોઝ અપાઇ ગયા છે જેમાં પ્રથમ, બીજા અને પ્રિકોશનરી એટલે કે બુસ્ટર ડોઝનો પણ સમાવેશ થાય છે. આ તારીખના આંકડા મુજબ દેશની ૧૫ વર્ષ કરતા વધુ વયની ૯પ ટકા વસ્તીએ પ્રથમ ડોઝ અને ૮૦ ટકા કરતા વધુ વસ્તીએ બંને ડોઝ લઇ લીધા છે. આ વર્ષની દસ જાન્યુઆરીથી ચોક્કસ વર્ગજૂથના લોકોને બુસ્ટર ડોઝ આપવાનું પણ શરૂ કરાયું, આ બુસ્ટર ડોઝને આપણે ત્યાં પ્રિકોશનરી ડોઝ નામ આપવામાં આવ્યું છે. આ પ્રિકોશનરી ડોઝ ડોકટરો, નર્સો, વોર્ડબોય, આયા જેવા આરોગ્ય કર્મચારીઓ તથા ૬૦ વર્ષથી વધુ વયના આરોગ્યની જોખમી સ્થિતિ ધરાવતા લોકોને આપવાનું શરૂ કરાયુ અને હવે ૬૦ વર્ષથી વધુ વયના તમામ લોકોને આ બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યા છે. ટૂંકમાં, દેશમાં મોટાભાગની વસ્તીનું રસીકરણ થઇ ગયું છે અને થઇ રહ્યું છે.
બાળકોના રસીકરણ અંગે કેટલીક મૂંઝવણો હતી, પરંતુ સરકારે હવે ૧૨થી ૧૪ વર્ષના બાળકોનું પણ રસીકરણ શરૂ કરી દીધું છે. બાળકોના રસીકરણ અંગે સરકારે કેટલીક મહત્વની જાહેરાત કરી છે જે મુજબ કોવિડ-૧૯ રસીકરણ ૧૨થી ૧૪ વર્ષની વયના બાળકોમાં કોર્બેવેક્સ રસી વડે કરવામાં આવશે, જે રસી બાયોલોજિકલ ઇ. લિમિટેડ કંપની દ્વારા બનાવવામાં આવી છે. આરોગ્ય મંત્રીએ કહ્યું કે જો બાળકો સલામત છે તો દેશ સલામત છે. મને એ માહિતી આપતા આનંદ થાય છે કે ૧૨થી ૧૩ અને ૧૩થી ૧૪ વર્ષની વયજૂથના બાળકોમાં કોવિડ રસીકરણ ૧૬ માર્ચથી શરૂ થઇ રહ્યું છે એમ કહેવાની સાથે તેમણે એમ પણ જાહેર કર્યું હતું કે ૬૦ વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ હવે પ્રિકોશન ડોઝ મેળવી શકશે.
કેન્દ્ર સરકારે ૧૨થી ૧૨ અને ૧૩થી ૧૪ વર્ષની વયજૂથના બાળકો(જેઓ ૨૦૦૮, ૨૦૦૯ અને ૨૦૧૯ની વચ્ચે જન્મ્યા હોય) તેઓ અને જેઓ ૧૬ માર્ચ, ૨૦૨૨ના રોજ ૧૨ વર્ષથી વધુ વયના હોય તેવા બાળકો માટે કોવિડ-૧૯ના રસીકરણ માટેનો નિર્ણય વૈજ્ઞાનિક સંસ્થાઓ સાથે પુરતી ચર્ચા વિચારણા પછી લીધો છે એમ આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું. સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ નવા વયજૂથ હેઠળ ૭.૧૧ કરોડ બાળકોનું રસીકરણ થશે. બાયોલોજિકલ ઇ કંપનીએ કેન્દ્ર સરકારને કોર્બેવેક્સ રસીના પ કરોડ ડોઝ સપ્લાય કરી દીધા છે અને આ ડોઝીસનું રાજ્યોને વિતરણ કરી દેવામાં આવ્યું છે એમ સૂત્રોએ જણાવ્યું હતું. આ જાહેરાત એવા સમયે આવી છે કે જ્યારે કોવિડના કેસોમાં નોંધપાત્ર ઘટાડા વચ્ચે દેશભરમાં શાળાઓ ખુલી રહી છે. સરકારે એવો પણ નિર્ણય કર્યો છે કે ૬૦થી વધુ વર્ષની વયજૂથના લોકોને પ્રિકોશન ડોઝ આપવા માટે જે કોમોર્બિડીટીની શરત હતી તે દૂર કરવામાં આવે. આથી હવે કોવિડ સંદર્ભમાં આરોગ્યની જોખમી સ્થિતિ ધરાવતા નહીં હોય તેવા લોકો પણ આ વયજૂથમાં આવતા હોય તેઓ પણ આ બુસ્ટર ડોઝ મેળવી શકશે. મંત્રાલયે જણાવ્યું છે કે હવે પછી ૧૬મી માર્ચ ૨૦૨૨થી ૬૦ વર્ષથી વધુ વયની સમગ્ર વસ્તી કોવિડ-૧૯ રસીના પ્રિકોશન ડોઝ મેળવવાને પાત્ર ગણાશે. સરકારની આ જાહેરાતો મહત્વની છે અને હવે દેશમાં ઘણા બધા બાળકો સહિત મોટા ભાગની વસ્તીનું રસીકરણ થઇ જશે એમ માની શકાય.
રસીકરણ અંગે ફક્ત આપણા દેશમાં જ નહીં પણ દુનિયાભરમાં જાત જાતના વિવાદો છે. રસીકરણ ફરજિયાત બનાવવા સામે પશ્ચિમના દેશોમાં પણ વ્યાપક વિરોધ છે. આપણે ત્યાં રસીકરણ ફરજિયાત બનાવાયું નથી પરંતુ કેટલાક ચોક્કસ સ્થળોએ રસી પ્રમાણપત્ર વિના પ્રવેશ નહીં મળે વગેરે જેવા નિયંત્રણોને કારણે રસીકરણ આંશિક રીતે તો ફરજિયાત થઇ ગયેલું જ જણાય છે અને અનેક વિદેશોમાં પણ આવી જ સ્થિતિ છે. રસીની બ્રાન્ડો અંગે પણ વિવાદો રહ્યા છે. આપણે ત્યાં સ્વદેશી કોવેક્સિનને ઉતાવળે માન્યતા આપી દેવાઇ તેવું જણાતા આ રસીની અસરકારકતા સામે શંકાઓ ઉભી થઇ, વિદેશોમાં તેને માન્યતા પણ ઓછી છે અને તેથી સ્વાભાવિક રીતે દેશની મોટા ભાગની વસ્તીએ મૂળ વિદેશી એવી કોવિશિલ્ડ રસી મૂકાવવાનું જ પસંદ કર્યુ છે. દેશમાં દોઢ અબજ જેટલા ડોઝ કોવિશિલ્ડના મૂકાયા છે જ્યારે કોવેક્સિનના માત્ર ૩૦ કરોડ જેટલા ડોઝ મૂકાયા છે તે જ આ બાબતનો પુરાવો છે. ઘણા જ ઓછા, માત્ર ૧૨ લાખ જેટલા ડોઝ રશિયન રસી સ્પુટનિકના મૂકાયા છે! રસીઓની અસરકારકતા અંગે પણ વ્યાપક શંકાઓ હતી, હજી પણ નોંધપાત્ર પ્રમાણમાં છે, છતાં રસીઓથી કોવિડ-૧૯ની તીવ્રતા ઓછી થતી હોય તેમ હાલ તો જણાયું છે. બુસ્ટર ડોઝ કેટલા સમય સુધી લેવા પડશે, રસીના ભવિષ્યમાં કેટલા ડોઝ લેવા પડશે, વગેરે બાબતોએ પણ વિવાદો તો રહેશે જ, પરંતુ હાલ તો જેમને કોઇ મોટી આડઅસરનો ભય ન હોય તેમણે કોવિડ રસી લઇ લેવી તે જ સલાહભર્યું છે.