Charchapatra

કાનૂની દાવપેચ ખેલાય તો સજાના અમલમાં વિલંબ થાય

સુરતમાં નાની બાળકીઓના બળાત્કારી અને ઘોડદોડ રોડ ડબલ મર્ડર હત્યા કેસમાં અને બીજા ત્રણ બળાત્કારી હત્યારા  નરાધમોને  સુરત કોર્ટે તબક્કાવાર  ફાંસીની સજા ફટકારી છે અને તે પણ  ખૂબ જ ઝડપી ચુકાદો આવ્યો છે. પોલીસ તરફથી કેસની ઝીણવટથી કરવામાં આવેલી તપાસ અને પુરાવાના આધારે અને  સરકારી વકીલ શ્રી નયનભાઈ સુખડવાલાની સચોટ દલીલના કારણે આરોપ સાબિત થતાં  ફાંસીની સજા ફટકારવામાં આવી છે. બાળકીઓના અને ડબલ મર્ડર ખૂન કેસના આરોપી સહિત બળાત્કારી હત્યારાઓને ખૂબ જ ટૂંકા સમયમાં તમામ આરોપીઓને ફાંસીની સજા ફટકારવામાં આવી હોય તેવા આ ચુકાદા ભારતભરમાં  પ્રથમ હશે.

કોર્ટે આરોપીઓને ખૂબ જ ટૂંકા  સમયમાં સજા તો ફટકારી છે, પરંતુ તેનો અમલ ક્યારે થાય છે તે પ્રશ્ન હવે મહત્ત્વનો છે કારણ કે આરોપીઓ જો ઉપલી કોર્ટમાં  અપીલ  કરશે અને જો તેઓની અપીલ નામંજૂર થાય તો ત્યાર  પછી આરોપીઓ હાઇકોર્ટમાં અપીલ કરી શકે છે. જો હાઇકોર્ટમાં અપીલ રીજેકટ થાય તો પછી  રાષ્ટ્રપતિને દયાની અરજી કરી શકે છે. રાષ્ટ્રપતિ દયાની અરજી ખારીજ કરે ત્યાર પછી જ ફાંસી આપી શકાય.  એટલે કે  જો કાનૂની દાવપેચ ખેલાય તો સજાના અમલમાં ખાસો વિલંબ થઇ શકે છે. સુરત  કોર્ટે જેવી રીતે ટૂંકા સમયમાં ચુકાદો આપ્યો છે તેવી જ રીતે જો આરોપી અપીલ કરે તો તેનો ચુકાદો પણ એટલો જ જલદીથી આવી જવો જોઈએ જેથી પોલીસે કરેલી મહેનત અને વકીલની મહેનત સફળ થાય તેમજ જજ સાહેબે ફટકારેલી સજાનો અમલ થઇ શકે અને ત્યારે જ  બળાત્કારનો ભોગ બનનાર  બાળકીઓને  અને તેમના  પરિવારને સાચો ન્યાય મળી શકે.         
સુરત     – વિજય તુઈવાલા-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top