આણંદ : આણંદ જિલ્લામાં મંગળવારથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો હતો. કારકિર્દીની મહત્વની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઇ હતી. જોકે, તેના માટે શિક્ષણ, વહીવટી અને પોલીસ વિભાગ દ્વારા પુરતી તકેદારી રાખવામાં આવી હતી.
આણંદ જિલ્લામાં ધો.12 સાયન્સમાં ભૌતિક વિજ્ઞાનનો પેપર હતો. જેમાં ગુજરાતી માધ્યમમાં 3481 અને અંગ્રેજી માધ્યમમાં 4831માંથી કુલ 40 વિદ્યાર્થી ગેરહાજર રહ્યાં હતાં. તેવી જ રીતે સામાન્ય પ્રવાહમાં નામાના મુળતત્વોના પેપરમાં ગુજરાતી માધ્યમમાં 5238 અને અંગ્રેજી માધ્યમમાં 884 વિદ્યાર્થીમાં 44 વિદ્યાર્થી ગેરહાજર રહ્યાં હતાં. આ ઉપરાંત ધો.10માં ગુજરાતી માધ્યમમાં 213 અને અંગ્રેજી માધ્યમમાં 8 મળી કુલ 221 વિદ્યાર્થી ગેરહાજર રહ્યાં હતાં. આણંદ જિલ્લામાં બોર્ડની પરીક્ષાના પ્રથમ પેપરમાં કોઇ અનિચ્છનીય બનાવ બન્યો નહતો. જ્યારે પેપર પણ સહેલા નિકળતાં વિદ્યાર્થીઓના ચહેરા પર આનંદની લાગણી જોવા મળી હતી.
ધો.10માં 60 માર્ક્સ આવે તેવું પેપર હતું
ધોરણ 10નું પેપર શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે. ભાષાનું પેપર હોવાથી ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને ગુજરાતીનું તથા અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને અંગ્રેજીનું પેપર હતું. વિદ્યાર્થીઓના મતે પેપર ખૂબ જ સરળ હતું. સંપૂર્ણ પેપર ટેક્સ્ટ બુક અને સિલેબસમાંથી જ આવ્યું હતું. ગુજરાતી માધ્યમમાં મોબાઈલના લાભાલાભ, ગામડું બોલે છે, એકબાળ એક ઝાડ નિબંધ હતો. જેમાંથી મોટા ભાગના વિદ્યાર્થીઓએ મોબાઈલના લાભાલાભ નિબંધ લખ્યો હતો. 80 માર્કસમાંથી 60 માર્ક્સ ઓછામાં ઓછા આવી શકશે તેવું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું.
ગુજરાત રાજ્ય માધ્યમિક ઉચ્ચ માધ્યમિક બોર્ડની પરીક્ષા શરૂ થઈ છે. ખેડા જિલ્લામાં એસએસસી બોર્ડની પરીક્ષામાં સવારે ગુજરાતી વિષયના પ્રશ્નપત્રમાં મોબાઇલના લાભાલાભ, એક બાળા એક ઝાડ અને ગામડું બોલે છે, વિષય પર નિબંધ પૂછવામાં આવ્યો હતો. જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓએ મોબાઈલના લાભાલાભ વિષય પર નિબંધ લખ્યો હતો. આમ એસએસસીની પરીક્ષામાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમનું પ્રશ્નપત્ર સરળ હોવાનું વિદ્યાર્થીઓના મુખે સાંભળવા મળ્યું હતું.
એચએસસી બોર્ડની પરીક્ષામાં નડિયાદ ઝોનમાં ગુજરાતી વિષયમાં 12,963 વિદ્યાર્થી હાજર અને 368 ગેરહાજર રહ્યા હતા. અંગ્રેજીમાં 1174 હાજર, 2 ગેરહાજર જ્યારે હિન્દીમાં 18 તમામ હાજર જયારે સંસ્કૃત વિષયમાં 50 હાજર, 1 ગેરહાજર મળી કુલ 14205 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે 401 વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા. અલીણા ઝોનમાં 1693 હાજર, 398 ગેરહાજર મળી કુલ 12091 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આમ 25,489 વિદ્યાર્થી હાજર જ્યારે 799 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. બપોર પછી એચ.એસ. સી.ની પરીક્ષામાં સામાન્ય પ્રવાહમાં નામાના મૂળ તત્વો અને સહકાર પંચાયત જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાન વિષયનું પ્રશ્નપત્ર હતું. આ પરીક્ષામાં સામાન્ય પ્રવાહમાં 4796 હાજર, 46 ગેરહાજર જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં 2989 હાજર, 45 ગેરહાજર રહ્યા હતા.
વિદ્યાર્થીઓનું મોઢુ મીઠુ કરાવાયુ
નડિયાદ શહેરમાં ધો-10 અને ધો-12ની બોર્ડની પરીક્ષા નિમિતે કુલ 165 સેન્ટર ખાતે કુલ 50,479 વિદ્યાર્થીઓને અભિનંદન આપતા તમામ સેન્ટર પર મોંઢું મીઠું કરાવવામાં આવ્યું અને ગુલાબનું પુષ્પ આપીને પરીક્ષા માટે શુભેચ્છા પાઠવવામાં આવી હતી.