Gujarat Main

ધો.10-12ના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા નિયત સમયે જ લેવાશે, શાળાઓ શરૂ કરવા બાબતે આવ્યા આ સમાચાર

ગાંધીનગર: (Gandhinagar) રાજ્યમાં (Gujarat) ધોરણ 10 અને 12 ના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા તેના નિયત કાર્યક્રમ યોજાયો લેવામાં આવશે, કોઈપણ સંજોગોમાં પરીક્ષા રદ કરવામાં નહીં આવે. આ ઉપરાંત જીઈઈ અને નીટની પરીક્ષાની (Exam) તારીખો જાહેર થયા બાદ ગુજકેટની પરીક્ષાની તારીખ જાહેર થશે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે ધોરણ-10 અને 12ના રીપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન (Mass Promotion) આપવા માટે વ્યાપર રજૂઆતો અને માગણી કરવામાં આવી રહી છે પરંતુ પરીક્ષાઓ તેના નિયત કાર્યક્રમ મુજબ જ લેવામાં આવશે. ધોરણ 10 અને 12 ના રીપીટર વિદ્યાર્થીઓની (Students) પરીક્ષા 15 જુલાઈથી લેવાનો શિક્ષણ બોર્ડ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો. જેનો વિગતવાર કાર્યક્રમ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. આથી આ પરીક્ષાઓ તેના નિયત કાર્યક્રમ મુજબ યોજવામાં આવશે.

ધોરણ-10 અને 12ના રીપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા પરેશ ધાનાણીનો મુખ્યમંત્રીને પત્ર
રાજ્યમાં કોરોનાની સ્થિતિને જોતા ધોરણ 10 અને 12ના રીપીટર વિદ્યાર્થીઓને અન્ય વિદ્યાર્થીઓની માફક માસ પ્રમોશન આપવામાં આવે તેવી માગણી કરતો પત્ર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રીને લખ્યો છે. પરેશ ધાનાણી દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને લખવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે કોરોનાની વૈશ્વિક મહામારીની સૌથી વધુ અસર શિક્ષણ વ્યવસ્થા ઉપર પડી છે. માર્ચ- 2020 થી શાળા-કોલેજો સંપૂર્ણ બંધ છે. હજુ પણ આ શાળાઓ કોલેજો ક્યારે ખુલશે તે અંગે અનિશ્ચિતતાઓ છે. આગામી દિવસોમાં ત્રીજી લહેરની સંભાવનાઓ જણાઈ રહી છે, તેવા સંજોગોમાં ધોરણ-10 અને 12ના રીપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવે.

રાજ્યમાં શાળા – કોલેજો શરૂ કરવા ઉચ્ચસ્તરીય બેઠકમાં નિર્ણય લેવાશે : શિક્ષણ મંત્રી

ગાંધીનગર : રાજ્યમાં હવે ધીરે ધીરે કોરોનાના કેસ ઘટી રહ્યા છે, ત્યારે આગામી દિવસોમાં શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવશે. એવા સંકેત શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આપ્યા હતાં. ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં શાળા કોલેજો શરૂ કરવા અંગે ઉચ્ચસ્તરીય બેઠકમાં નિર્ણય લેવામાં આવશે. વિસ્તૃત ચર્ચા-વિચારણા કર્યા બાદ શાળા- કોલેજો શરૂ કરવાનો તબક્કાવાર નિર્ણય કરાશે. ઉત્તરીય બેઠકમાં નિર્ણય બાદ શાળા કક્ષાએ ધોરણ 10-12 અને ત્યારબાદ ધોરણ 9,8,7 અને 6 એમ ધોરણ મુજબ શાળા ખોલવાનો નિર્ણય લેવામાં આવશે. ગત વર્ષે પણ આ પ્રમાણે ઉચ્ચસ્તરીય બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો.

Most Popular

To Top