દેશમાં જેટલા લોકો રોગચાળાથી મોતને નથી ભેટતા તેની કરતાં પણ વધારે લોકો રોડ અકસ્માતમાં રોજ મરે છે. રોજ સવાર પડેને માર્ગ અકસ્માતમાં મોતના સમાચાર સાંભળવા મળે છે. નશામાં ચાલક વાહનને અથાડે છે. તો ક્યારેય મોટા વાહનોની ટક્કરમાં દ્વિ-ચક્રિય વાહન ફસાઈ જાય છે. ક્યારેક રસ્તાઓના ખાડાને કારણે પણ અકસ્માત થાય છે અને મોત થાય છે. સરકાર દ્વારા નવા એક્સપ્રેસ વે બનાવવાની સાથે આ રસ્તાઓને અભિનેત્રીના ગાલ જેવા બનાવવાના દાવાઓ કરવામાં આવે છે પરંતુ રસ્તાના ખાડાઓ જીવલેણ સાબિત થઈ રહ્યા છે.
માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા તાજેતરમાં એક અહેવાલ જાહેર કરવામાં આવ્યો હતો. આ અહેવાલ પ્રમાણે દેશમાં માત્ર ખાડાઓને કારણે જ 2161 લોકોએ જીવ ગમાવ્યા હતા. જે ગત વર્ષ કરતાં 16.4 ટકા વધુ છે. આ જ રીતે ખોટી દિશામાં વાહન ચલાવવા અને લેન બદલવાને કારણે મોતને ભેટનારાઓની સંખ્યા પણ ગત વર્ષના 9094ના આંકડામાં વધારા સાથે 2023માં 9432 જાહેર થઈ હતી.
સુપ્રીમ કોર્ટ દ્વારા ‘ભારતમાં માર્ગ અકસ્માતો-2023’નો અહેવાલ ઓગષ્ટ માસ સુધીમાં જાહેર કરવા માટે તાકીદ કરવામાં આવી હતી. જેને પગલે ગુરૂવારે જ આ અહેવાલ જાહેર કરવામાં આવ્યો હતો. આ અહેવાલ પ્રમાણે 2023ના એક જ વર્ષમાં માર્ગ અકસ્માતમાં ભારતના રસ્તાઓ પર 1.73 લાખ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. એટલે કે દર ત્રણ મિનિટે એક વ્યક્તિનું માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. જે 2022ની સરખામણીમાં 2.6 ટકા વધુ હતું. સાથે ઘાયલોની સંખ્યા પણ 4.40 ટકા વધીને 4.6 લાખથી વધુ થઈ હતી. અકસ્માતમાં જે મોત થયાં તેમાં 68 ટકા મોતમાં વધુ ઝડપ જવાબદાર હતી.
જ્યારે ખોટી રીતે વાહન ચલાવવાની સાથે લેનનું ઉલ્લંઘન કરવાનું પ્રમાણ પણ 5.5 ટકા રહેવા પામ્યું હતું. ખાડાઓથી થતાં મોતમાં ઉત્તરપ્રદેશ મોખરે રહ્યું છે. અડધાથી વધુ મોત એકલા ઉત્તરપ્રદેશમાં જ થયા છે. ત્યારબાદ મધ્યપ્રદેશમાં ખાડાને કારણે સૌથી વધુ મોત થયા છે. આ જ રીતે વિવિધ પ્રકારના રસ્તાઓ પર લગભગ 45 ટકા મોત 77539 ટુ-વ્હીલના સવારોના હતા. ત્યારબાદ 35221 રાહદારીઓ અને 21496 કાર કે ટેક્સી સવારોના મોત થયા છે. હેલમેટ નહીં પહેરવાને કારણે 54568 લોકોના મોત થયા હતા. જ્યારે સીટ બેલ્ટ નહીં પહેરવાને કારણે થયેલા મોતનો આંક 16025 નોંધાયો હતો.
સૌથી વધુ 36804 મોત ટેઈલગેટિંગને કારણે થયા હતા. જ્યારે હિટ એન્ડ રનમાં 31209, સામસામે અથડાવાને કારણે 28898ના મોત થયા હતા. નેશનલ હાઈવે કે જે સમગ્ર દેશના રોડ નેટવર્કનો માત્ર 2 ટકા જ ભાગ છે, તે રોડ અકસ્માતોમાં 31.2 ટકા અને મોત માટે 36.5 ટકા જવાબદાર છે. જ્યારે રાજ્ય ધોરીમાર્ગ 22 ટકા અકસ્માતો અને 22.8 ટકા મોત માટે જવાબદાર છે. અકસ્માતમાં મોતના આ આંકડાઓ સીધી રીતે સરકારી તંત્રને જવાબદાર ઠેરવી રહ્યા છે. ખુબ ઓછા અકસ્માતો એવા હોય છે કે જેમાં માનવની ભૂલ હોય છે. બાકીના મોટા ભાગના અકસ્માતોમાં ખાડાઓથી માંડીને ખોટી રીતે કરાયેલી નિશાનીઓ પણ જવાબદાર છે. ટ્રાફિકની જાગૃતિનો અભાવ અને સાથે સાથે ટ્રાફિક નિયમન કરવાની પોલીસની ઓછી ક્ષમતા પણ આ અકસ્માતો તેમજ મોત માટે જવાબદાર છે.
સરકારે ખરેખર આ આંકડાઓ પરથી સબક લઈને કઈ રીતે ઓછા અકસ્માતો થાય, કઈ રીતે મોતને ટાળી શકાય અને કઈ રીતે ઈજાગ્રસ્તને જલ્દી સારવાર આપી શકાય, કે જેને કારણે મોતનો આંકડો ઘટી શકે. દિવસેને દિવસે લોકો સ્પીડના શોખીન થતાં જાય છે. રસ્તાઓ પણ પહોળા થતાં જાય છે પરંતુ આ સ્પીડ પર નિયંત્રણ લાવવા માટે કોઈ જ પગલાઓ લેવામાં આવતા નથી. સરવાળે મોતના આંકડાઓ વધતા જાય છે. આ તો 2023ના આંકડાઓ છે. હજુ 2025ના આંકડાઓ જાહેર થશે ત્યારે પરિસ્થિતિ વધુ ગંભીર બનશે. સરકારે તાકીદના ધોરણે અકસ્માતો ઘટે તે માટે પગલાઓ લેવા જોઈએ, નહીં તો દર વર્ષે મોતના આંક વધતા જ રહેશે તે નક્કી છે.