Editorial

વિનાશ સિવાય જેનું કોઇ જ કામ નથી તેવા પરમાણુ શસ્ત્રોનું ઉત્પાદન દરેક દેશે બંધ કરી દેવુ જોઇએ

સંયુક્ત રાષ્ટ્રની પરમાણુ એજન્સીએ દાવો કર્યો છે કે ઈરાને તેના અધિકારીઓને તેના પરમાણુ કાર્યક્રમની સમીક્ષા કરતા અટકાવ્યા છે. ઈન્ટરનેશનલ એટોમિક એજન્સીના ચીફ રાફેલ ગ્રોસીએ ઈરાનના આ પગલાની ટીકા કરી છે. તેમણે જણાવ્યું હતું કે ઈરાને કહ્યું છે કે એજન્સી તેના પરમાણુ કાર્યક્રમની તપાસ કરી રહેલા અધિકારીઓને પરત બોલાવે. આમ કરીને ઈરાને કાર્યક્રમની તપાસમાં સામેલ એક તૃતીયાંશ અધિકારીઓને તેમના કામમાંથી હટાવી દીધા છે.

સાથે જ ઈરાને કહ્યું કે અમેરિકા અને પશ્ચિમી દેશો તેમની વિરુદ્ધ પરમાણુ એજન્સીનો ઉપયોગ કરી રહ્યા છે. ઈરાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ અને જર્મની પોતાના અંગત હિત માટે અમારો રાજકીય ફાયદો ઉઠાવી રહ્યા છે. જેના કારણે અમારે આ પગલું ભરવું પડ્યું.ઈરાનના પરમાણુ કાર્યક્રમની સમીક્ષા અટકાવવાનું કારણ પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધો છે. બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીએ ગુરુવારે કહ્યું કે ઈરાન પર તેના પરમાણુ કાર્યક્રમ અને બેલેસ્ટિક મિસાઈલ ઉત્પાદનને લઈને લાદવામાં આવેલા પ્રતિબંધો યથાવત રહેશે.

આનાથી નારાજ થઈને ઈરાને યુએન એટોમિક એજન્સીનું કામ બંધ કરી દીધું. બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીએ કહ્યું કે જ્યાં સુધી તેહરાન કરારનું સંપૂર્ણપણે પાલન ન કરે ત્યાં સુધી પ્રતિબંધો લાગુ રહેશે. ખરેખરમાં આઠ વર્ષ પહેલા ઈરાને તેના પરમાણુ કાર્યક્રમને રોકવા માટે અમેરિકા અને પશ્ચિમી દેશો સાથે ડીલ કરી હતી. આ પછી ઈરાન પર લાગેલા તમામ પ્રતિબંધો 18 ઓક્ટોબરે ખતમ થવાના હતા. પશ્ચિમી પ્રતિબંધોને કારણે ઈરાનની આર્થિક પ્રવૃત્તિઓ પ્રતિબંધિત છે. હાલમાં જ પાકિસ્તાને ઈરાન સાથેનો એક પ્રોજેક્ટ પણ રદ કર્યો હતો. ઈરાને આના પર ઘણા રુપિયા રોક્યા હતા.

2015માં, ઈરાને ચીન, ફ્રાન્સ, રશિયા, બ્રિટન, જર્મની અને યુએસ સાથે પરમાણુ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ સમજૂતી એટલા માટે થઈ હતી કારણ કે પશ્ચિમી દેશોને ડર હતો કે ઈરાન પરમાણુ શસ્ત્રો બનાવી શકે છે અથવા તે એવો દેશ બની શકે છે જેની પાસે પરમાણુ શસ્ત્રો ન હોય, પરંતુ તે બનાવવાની તમામ ક્ષમતાઓ ધરાવે છે અને કોઈપણ સમયે તેનો ઉપયોગ કરી શકે છે.ઈરાન સાથેના પરમાણુ કરાર દ્વારા, તેના પરમાણુ ક્ષમતા વધારવા માટેના સંશોધન કાર્યક્રમને નોંધપાત્ર રીતે નિયંત્રિત કરવામાં આવ્યો હતો.

ઈરાનને ઈન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી (IAEA) દ્વારા આંતરરાષ્ટ્રીય દેખરેખ હેઠળ લાવવામાં આવ્યું હતું, જે પરમાણુ ઊર્જાના શાંતિપૂર્ણ ઉપયોગ પર ભાર મૂકે છે. તેના બદલામાં ઈરાન પર તેના પરમાણુ કાર્યક્રમના કારણે લાદવામાં આવેલા આર્થિક પ્રતિબંધો હટાવવામાં આવ્યા હતા. જો કે, 8 મે, 2018 ના રોજ, તત્કાલિન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુએસને ઈરાન ન્યુક્લિયર ડીલ કરારમાંથી બહાર કરી દીધું હતું. અમેરિકાએ 2019થી ઈરાન પર ફરીથી પ્રતિબંધો લાદવાનું શરૂ કર્યા હતા. 1945માં જાપાનના હિરોસીમા અને નાગાસાકી ઉપર અણુબોમ્બ ફોડીને નરસંહાર કર્યો હતો તેને હજી સુધી દુનિયા ભૂલી શકી નથી આ સમયે અણુ બોમ્બ દુનિયા માટે નવો શબ્દ હતો.

તે સમયે આટલો મોટો નરસંહાર થયો હોવા છતાં દુનિયાએ તે સમયથી અણુ કાર્યક્રમ બંધ કરવાની શરૂઆત કરી દેવાની જરૂર હતી પરંતુ તેના બદલે તેનો વ્યાપ વધતો ગયો અને દુનિયાના અનેક દેશો સુધી પહોંચી ગયો. દુનિયાના દેશોમાં જાણે અણુસત્તા બનવાની હોડ લાગી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આવી સ્થિતિમાં દુનિયાએ આ દેશ પાસે શીખવા જેવું છે. આ દેશનું નામ દક્ષિણ આફ્રિકા છે. દક્ષિણ આફ્રિકાએ 1948માં કાયદો બનાવીને ઍટમિક એનર્જી બોર્ડની સ્થાપના કરી હતી. એનો હેતુ પરમાણુ ઊર્જા અંગેની સંભાવનાઓ શોધવાનો હતો.

1960ના દાયકાની શરૂઆતનાં વરસોમાં દક્ષિણ આફ્રિકાએ શોધ અને વિકાસની પ્રવૃત્તિઓ શરૂ કરી અને પાટનગરના શહેર પ્રિટોરિયાથી લગભગ 40 કિલોમીટરના અંતરે પેલિન્ડાબા પરમાણુ પ્લાન્ટ સ્થાપ્યો. પરમાણુ કાર્યક્રમના આ આરંભિક ચરણમાં એનો હેતુ શાંતિપૂર્ણ હતો. દક્ષિણ આફ્રિકા પાસે યુરેનિયમનો ભંડાર પણ છે. આ અતિમહત્ત્વની ખનીજના સંવર્ધનની રીતો શોધવાના પ્રયોગો પણ શરૂ કરાયા હતા.

યુરેનિયમ સંવર્ધન તકનીક જ પરમાણુ હથિયાર બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. 1960ના દાયકામાં મળેલી પ્રારંભિક સફળતાથી ઉત્સાહમાં આવીને સરકારે ઔદ્યોગિક સ્તરે કામ કરવા માટે એક પાઇલટ પ્લાન્ટ સ્થાપ્યો. 1970માં તત્કાલીન વડા પ્રધાન બી.જે. વોર્સ્ટરે સંસદને આ યોજનાઓ વિશે માહિતી આપી હતી અને કહેલું કે દેશનો પરમાણુ કાર્યક્રમ શાંતિપૂર્ણ ઉદ્દેશો માટે છે. દક્ષિણ આફ્રિકા પાસે યુરેનિયમના સમૃદ્ધ ભંડારો હતા અને એ સમજતો હતો કે ભવિષ્યમાં સંવર્ધિત યુરેનિયમ વડે આર્થિક ફાયદો મેળવી શકાય એમ છે.

એની સાથોસાથ દેશના નાગરિક-હેતુઓ માટે પણ પરમાણુ વિસ્ફોટકોના વિકાસની સંભાવનાઓ ચકાસવાનું શરૂ કરી દેવાયું હતું. 1974માં એક રિપોર્ટમાં જ્યારે એમ કહેવાયું કે હથિયારો બનાવવામાં સફળતા મળી શકે એમ છે, તો સરકારે એ ગુપ્ત પરિયોજનાને મંજૂરી આપી દીધી. ઉલ્લેખનીય છે કે, જુલાઈ 1991માં દક્ષિણ આફ્રિકા સંયુક્ત રાષ્ટ્રની એનપીટી (ન્યૂક્લિયર નૉન-પ્રોલિફ્રેશન ટ્રીટી)નો સભ્ય બની ગયો હતો. જો કે, થોડા વર્ષ પહેલા દક્ષિણ આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રેડરિક વિલિયમ ડી ક્લાર્કે પોતાના દેશના પરમાણુ કાર્યક્રમનો અંત લાવી દીધો હતો ડી ક્લાર્કે સંયુક્ત રાષ્ટ્રની પરમાણુ એજન્સી ઇન્ટરનેશનલ ઍટમિક એનર્જી ઑર્ગેનાઇઝેશન (આઇએઇએ)ને પરમાણુ-મથક સુધી જવાની ખુલ્લી છૂટ પણ આપી, જેથી તેમના દાવાની પૂરતી તપાસ કરી શકાય.

એમણે કહેલું કે એજન્સી દક્ષિણ આફ્રિકાનાં બધાં પરમાણુ-મથકોની મુલાકાત લઈને એમણે કરેલા દાવાની ખરાઈ કરી શકે છે. આ ઘોષણા થવા સાથે જ ડી ક્લાર્કે દક્ષિણ આફ્રિકાને પરમાણુ હથિયાર બનાવનારા દેશોના નાના સમૂહમાં સામેલ કરી દીધો. સાથે જ, દક્ષિણ આફ્રિકા એકમાત્ર એવો દેશ બની ગયો જેણે એનપીટીના સભ્ય બન્યા પહેલાં પરમાણુ હથિયારનો સંપૂર્ણ ત્યાગ કર્યો હોય. આ દેશ આર્થિક રીતે પણ મજબૂત છે. પરમાણુ શસ્ત્રો બનાવવામાં ઉપયોગી યુરેનિયમની પણ તેની પાસે કોઇ જ કમી નથી. તેમ છતાં તેણે પરમાણુ કાર્યક્રમમાંથી ખસી જવાની જાહેરાત કરી દીધી હતી પરંતુ દુનિયાના કોઇ દેશે આ દેશ પાસેથી શીખ લીધી નથી. ઉપરથી નવા નવા દેશ તેમનો અણુ કાર્યક્રમ ખાનગી રાહે શરૂ કરી રહ્યાં છે.

Most Popular

To Top