SURAT

કામ બાકી હોવા છતાં પણ પ્રમુખ ભાવેશ બાબેનએ જિ.પં.ના નવા ભવનના લોકાર્પણનો તખ્તો ગોઠવી દીધો!

સુરત: પોતાના કાર્યકાળ દરમિયાન અનેક રીતે વિવાદી બનેલા સુરત જિલ્લા પંચાયતના (SuratDistrictPanchayat) પ્રમુખ ભાવેશ પટેલ ઉર્ફે ભાવેશ બાબેનએ પોતાનો કાર્યકાળ સમાપ્ત થાય તે પહેલા સુરત જિલ્લા પંચાયતનું નવું ભવન (New Building) હજું પુરૂં તૈયાર થયું નહીં હોવા છતાં મુખ્યમંત્રીના (CM) હસ્તે ઉદ્દઘાટનનો (Innogration) તખ્તો ગોઠવી દેતાં રાજકીય વર્તૂળોમાં ભારે આશ્ચર્ય ફેલાવા પામ્યું છે.

આ ભવનમાં હજુ ચોથા અને પાંચમા માળે કામ બાકી છે છતાં પણ ભાવેશ બાબેનએ હોદ્દા પરથી ઉતરતા પહેલા લાભ ખાટવા માટે ખૂદ મુખ્યમંત્રીને પણ ગેરમાર્ગે દોર્યા હોવાનું રાજકીય વર્તૂળોમાં ચર્ચાઈ રહ્યું છે.

સુરત જિલ્લા પંચાયતના વર્તમાન ટર્મના હોદ્દેદારો દ્વારા મોટાપાયે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો હોવાની ભારે ફરિયાદો ઉઠવા પામી છે. જિલ્લા પંચાયતમાં તલાટીઓની બદલીના કૌભાંડથી શરૂ કરીને રોડ રસ્તા અને એલઇડી લાઇટના કૌભાંડોએ માઝા મૂકી છે.

આ કૌભાંડોને જિલ્લા પંચાયતના પ્રમુખે છાવરતા રહીને પ્રજાને ઉલ્લું જ બનાવી છે. હવે જ્યારે પોતાનો કાર્યકાળ પુરો થઈ રહ્યો છે ત્યારે પ્રમુખ ભાવેશ પટેલ ઉર્ફે ભાવેશ બાબેન દ્વારા જિલ્લા પંચાયતનું વેસુ ખાતેના નવા ભવનમાં હજુ કામ બાકી હોવા છતાં પણ તેના લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે.

જિલ્લા પંચાયતના ચોથા અને પાંચમા માળે ફર્નિચર અને લાઈટ તેમજ એસીના કામો બાકી છે. ખરેખર આખું ભવન તૈયાર થઈ જાય ત્યારબાદ જ તેનું લોકાર્પણ કરવું જોઈએ પરંતુ ‘હું કરૂં હું કરૂં એ જ અજ્ઞાનતા…’ની જેમ નવા ભવન પર પોતાની તખ્તી લાગે અને નવા હોદ્દેદારોને તેનો કોઈ જશ નહીં મળે તે માટે ભાવેશ પટેલે આવતીકાલે આ ભવનનું ઉદ્દઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાવવાનું આયોજન કરી દીધું છે. જેને પગલે મોટો વિવાદ ઊભો થયો છે.

ચોથા અને પાંચમા માળે તાળા મારી મીડિયાને પણ જતા રોકી દેવાયા
સુરત જિલ્લા પંચાયતના નવા બની રહેલા ભવનના અધૂરા કામ અંગે મીડિયા પાસે માહિતી આવતા તેની ખરાઇ કરવા પ્રયાસ કરાયો હતો. માહિતી મેળવવા માટે ફોટોગ્રાફરની ટીમ પંચાયત ભવન પહોચી ગઇ હતી. પરંતુ પાંચમા માળે કામ અધૂરૂ છે. તે વાત છુપાવવા માટે ઉપલા બે માળે તાળા મારી દેવાયા છે. અને ત્રીજા માળેથી મીડિયાને ઉપર જતા અટકાવી દેવાયા હતા.

ફનિર્ચરનું પરચૂરણકામ ચાલુ પણ બિલ્ડીંગ રેડી: પ્રમુશ ભાવેશ પટેલ
સુરત જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશ પટેલએ નવા જિલ્લા પંચાયત ભવનનો જશ ખાટવા ચાલુ કામે ઉદઘાટન સમારોહ ગોઠવી નાંખતા વિવાદની ચિનગારીએ આગ પકડી છે. આ અંગે પુછપરછ કરતા તેમણે મોડી સાંજે જણાવ્યું હતું કે, ચોથા અને પાંચમા માળે થોડુ પરચુરણ ફર્નિચર કામ બાકી છે તે સિવાય બિલ્ડીંગ રેડી છે.

પ્રમુખ ભાવેશ બાબેનના કાર્યકાળમાં કયા કયા કૌભાંડના આક્ષેપો થયા??

  • સુરત જિલ્લા પંચાયતના માંગરોલ તાલુકામાં 44 સોલાર લાઇટને બદલે માત્ર 30 લાઇટ લગાડી સરકારને ચૂનો ચોપડયો !
  • તાલુકા પંચાયત માંગરોલમાં 1315 બાંકડા સામે 1158 બાંકડા મૂકી પુરેપુરું બિલ વસૂલી લેવાયું !
  • વિકાસ કમિશ્નરની જોગવાઇ વિરૂધ્ધ કલાસ 1 અને 2 અધિકારીઓએ એસી લગાવી અને એસી વાહનોમાં વટથી ફરી સરકારને ચૂનો ચોપડયો !
  • બારડોલી તાલુકાના રામપુરા ગામના સરપંચ વિજય રાઠોડના આપઘાત બહાર આવેલી નોટમાં મંજૂરી વિના સરકારી નાણામાંથી રસ્તા બનાવી દેવાયા પણ હજી અહેવાલ ગુપ્ત રખાયો !
  • ઓલપાડ તાલુકાના વેલુક ગામના સરપંચ સામે ગુજરાત પંચાયત અધિનિયમની કલમ 57-1 મુજબ કારવાઇ કરવા અરજી એક વરસ પહેલા થઇ હજી ફાઇલ દફતરે !
  • સજા પામેલા આશરે 38 તલાટીઓને ડીડીઓ વસાવાએ પુન: એ જગ્યા ઉપર જ ગોઠવી દીધા અને પ્રમુખ ભાવેશ બાબેન ચુપ રહ્યા

Most Popular

To Top