Gujarat Main

બ્રિજ તુટી ગયો છતાં R&Bના એન્જિનિયર કહે છે બ્રિજમાં મેજર ડેમેજ નહોતું, જિલ્લા ભાજપ પ્રમુખનો પણ બફાટ

વડોદરા આંણદને જોડતો મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ આજે સવારે તૂટી ગયો છે. આ બ્રિજના વચ્ચેથી બે કટકા થઈ ગયા છે. 40 વર્ષ જુનો આ બ્રિજ 1985માં બન્યો હતો. છેલ્લાં બે વર્ષથી બ્રિજ નબળો પડ્યો હોવાની ફરિયાદો ઉઠતી હતી. આ મામલે અનેકોવાર ફરિયાદ છતાં તેનું રિપેરિંગ થયું ન હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે ત્યારે R&Bના ઈજનરે ચોંકાવનારું નિવેદન આપ્યું છે.

એન્જિનિયરે શું કહ્યું?
માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર એન. એમ. નાયકાવાલાએ જણાવ્યું કે, બ્રિજ 1985માં બન્યો હતો. સામાન્ય રીતે બ્રિજનો જીવનકાળ 100 વર્ષનો હોય છે. બ્રિજમાં કેટલીક તકલીફો જણાતા ગયા વર્ષે રિપેરિંગ કામગીરી કરાઈ હતી. આ વર્ષે પણ ખાડા પુરવામાં આવ્યા હતા. અમારા રિપોર્ટમાં બ્રિજમાં કોઈ મેજર ડેમેજ નહોતું. પુલ જર્જરિત નથી. વધુ અહેવાલ આવે ત્યાર બાદ બ્રિજ તુટવાના કારણો ખબર પડશે.

વડોદરા જિલ્લા પ્રમુખનો બફાટ
દુર્ઘટના બાદ વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ રસિક પ્રજાપતિ હોસ્પિટલ દોડી ગયા હતા. ઘાયલોની મુલાકાત લીધી હતી. અહીં મીડિયાએ તેમણે પૂછ્યું કે બ્રિજ તૂટવાની ઘટના માટે જવાબદાર કોણ, ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખે આશ્ચર્યજનક જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, ઘટના માટે કોઈને જવાબદાર ઠેરવી શકાય નહીં.

શું બની ઘટના?
મહીસાગર નદી પરનો 40 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ આજે સવારે તૂટી જતા હાહાકાર મચી ગયો હતો. બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી બે ટ્રક, બે પિકઅપ અને એક રિક્ષા મહીસાગર નદીમાં ખાબક્યા હતા. આ દુર્ઘટનામાં 9 વ્યક્તિઓના મોત થયા છે. 8થી વધુ લોકોને રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા છે. સુસાઇડ પોઇન્ટ તરીકે કુખ્યાત આ બ્રિજ તૂટતા આણંદથી વડોદરા,ભરૂચ અને અંકલેશ્વરનો સંપર્ક તૂટ્યો છે.

સરકારે સહાય જાહેર કરી
PM અને CMએ દુર્ઘટનામાં મૃતકના પરિવારજનો અને ઈજાગ્રસ્તો માટે સહાયની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. મોદીએ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકો માટે ઝડપી સ્વસ્થ થવાની પણ પ્રાર્થના કરી છે. પ્રધાનમંત્રીએ મૃતકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી પ્રત્યેકને 2 લાખ રૂપિયા અને ઘાયલોને પ્રત્યેકને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.

Most Popular

To Top