Charchapatra

ચૂંટણી ટાણે મતભેદ ભલે હોય, મનભેદ ના રાખીએ

વરસાદ પડતાંની સાથે જ જેમ સુષુપ્ત અવસ્થામાં રહેલાં દેડકાંઓને ચેતનાનો પુન: સંચાર થાય છે તેમ ચૂંટણી સમીપે આવતાં જ સમાજની ભીતર ધરબાયેલાં ધૃણા, નફરત, વૈમન્યસ અને ઝઘડાઓ પુનર્જીવિત થઈ જાય છે! સમાજને કોરી ખાતાં આ દુષણોને જીવંતતા બક્ષવાનું અક્ષમ્ય કૃત્ય કોના દ્વારા કરવામાં આવે છે. તેનાથી આપણે સૌ સુપેરે વાકેફ છીએ. માનવીય સંબંધોમાં ઊભી તિરાડ સર્જનાર એ ગુનાહિત તત્ત્વો સમાજશત્રુઓની ભૂમિકા અદા કરતા હોય છે!

આપણે સૌ એ શત્રુઓથી સાવધ રહી પારિવારિક કે સામાજિક સંબંધોમાં રાગ-દ્વેષ કે કટુતા ન આવે તેની કાળજી અવશ્ય લઈએ. લોકશાહીમાં સૌ વ્યક્તિઓ વચ્ચે મતભેદ તો રહેવાની જ. દરેકને પોતાનો આગવો સ્વભાવ હોય છે, આગવી પ્રકૃતિ હોય છે. તદાનુસાર એની વિચારસરણીકોઈપણરાજકીય પક્ષ સાથે જોડાયેલી હોય છે. તે હોવી પણ જરૂરી છે, કેમ કે લોકશાહીમાં સૌને સ્વાયત્તતા પ્રદાન કરેલ છે. ભલે આપસમાં મતભેદ હોય કિન્તુ મનભેદનો બિલકુલ અવકાશ ન હોવો જોઈએ! સંબંધોમાં અસહિષ્ણુતા, તિરસ્કાર કે નફરત ના હોવા જોઈએ. બને ત્યાં સુધી આપસી સંબંધોમં ક્યારેય ચૂક ન થાય એ જોવું રહ્યું અતિ હિતાવહ છે. કોઈ ગેર સમજણ પ્રવર્તે ત્યારે બધા જ વાદ-વિવાદને ટાળી આપસમાં બેસી ખુલ્લા દિલે એનું સમાધાન કરીએ ક્ષુલ્લક વાતોમાં દોરવાઈ જઈને આપણા લાખોના સંબંધને આંચ આવે એવું હરગીજ ના કરીએ. ચૂંટણીને લોકશાહીનું પર્વ માની એને માણીએ અને બાદમાં બધું પૂર્વત કરી આપસી મતભેદો અને મનભેદોને સંપૂર્ણત: દફનાવીએ.
સુરત       – શાંતિલાલ પી. પટેલ  – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top