Columns

૩૨ વર્ષના વિલંબ પછી પણ છેવટે જ્ઞાનવાપી મસ્જિદનો કેસ ચાલશે ખરો?

ભારતની અદાલતોમાં જેમ ઝડપી ન્યાય નથી મળતો તેમ વિવિધ પેંતરાઓ દ્વારા અદાલતોને ન્યાય કરતાં અટકાવવાની રમત પણ રમવામાં આવે છે. તેનું ક્લાસિક ઉદાહરણ કાશીની જ્ઞાનવાપી મસ્જિદનો કેસ છે. આ કેસ હિન્દુ પક્ષકારો વતી વારાણસીની જિલ્લા અદાલતમાં છેક ૧૯૯૧માં કરવામાં આવ્યો હતો, પણ મુસ્લિમ પક્ષકારો દ્વારા વિવિધ અદાલતોનો આશરો લઈને કેસને ચાલવા જ દેવામાં આવતો નહોતો.

આ રીતે આશરે ૩૨ વર્ષ વેડફાઈ ગયા પછી અલ્હાબાદ હાઈકોર્ટે મંગળવારે જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં મોટો નિર્ણય સંભળાવ્યો છે. હાઈકોર્ટે હિન્દુ પક્ષની અરજીને સુનાવણી માટે યોગ્ય ગણી છે. વારાણસી કોર્ટને આપેલા આદેશમાં અલ્હાબાદ હાઈકોર્ટે અરજીની સુનાવણી ૬ મહિનામાં કરવાનો આદેશ આપ્યો છે. વર્ષ ૧૯૯૧માં આદિ વિશ્વેશ્વર મહાદેવ વતી તેમના મિત્રો દ્વારા વારાણસી કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં હિંદુઓએ જ્ઞાનવાપી સંકુલની માલિકીનો દાવો કર્યો હતો. તેમની માગણી હતી કે આદિ વિશ્વેશ્વર મહાદેવ મંદિરને તોડીને મસ્જિદ બનાવવામાં આવી હોવાથી તે હિંદુઓને પાછું આપવું જોઈએ.

હિન્દુ પક્ષે પૂજા માટે પરવાનગી માંગી હતી, જેની સામે મુસ્લિમ પક્ષ હાઈકોર્ટમાં ગયો હતો. મુસ્લિમ પક્ષકારો દ્વારા ૧૯૯૧માં પસાર કરાયેલા પૂજા સ્થળ અધિનિયમને ટાંકીને કેસની ક્ષમતા પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. છેલ્લાં ૩૨ વર્ષથી આ કેસની સુનાવણી થશે કે નહીં તે મુદ્દો લટકતો હતો. હવે અલ્હાબાદ હાઈકોર્ટે આ મામલાની સુનાવણી કરવાનો આદેશ જારી કરીને મુસ્લિમ પક્ષને મોટો ઝટકો આપ્યો છે. આ આદેશ હેઠળ હવે વારાણસી કોર્ટમાં ૧૯૯૧ના કેસની સુનાવણી શરૂ થશે.

આ કેસનો ઇતિહાસ એવો છે કે તા. ૧૫ ઓક્ટોબર, ૧૯૯૧ના રોજ પંડિત સોમનાથ વ્યાસ, હરિહર પાંડે અને સંસ્કૃત યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. રામરંગ શર્માએ પ્રાચીન મૂર્તિ સ્વયંભૂ જ્યોતિર્લિંગ ભગવાન આદિ વિશ્વેશ્વર વતી વારાણસી કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેમાં જ્ઞાનવાપીમાં નવું મંદિર બનાવવાની અને હિંદુઓને પૂજા કરવાનો અધિકાર આપવાની માંગણી કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ મંદિરને વર્ષ ૧૬૬૯માં મુગલ બાદશાહ ઔરંગઝેબ દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. હિંદુ પક્ષે માંગણી કરી હતી કે તેઓને તેમના મંદિરના જીર્ણોદ્ધારની અને પુનઃનિર્માણની મંજૂરી આપવામાં આવે. તેના બચાવમાં તેમણે દલીલ કરી હતી કે પૂજા સ્થળો  અધિનિયમ, ૧૯૯૧ મસ્જિદને લાગુ પડતો નથી, કારણ કે તે જૂના વિશ્વેશ્વર મંદિરના અવશેષો પર બનાવવામાં આવ્યું હતું. આ મામલામાં ત્રણેય અરજદારો મૃત્યુ પામ્યા છે.

પંડિત સોમનાથ વ્યાસ, હરિહર પાંડે અને ડો. રામરંગ શર્મા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર મુસ્લિમ પક્ષ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. અલ્હાબાદ હાઈકોર્ટમાં પાંચ અરજીઓ પર સુનાવણી ચાલી રહી હતી. તા. ૮ ડિસેમ્બરે અલ્હાબાદ હાઈકોર્ટે સુનાવણી પૂરી થયા બાદ નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. આ પાંચેય અરજીઓ પર મંગળવારે નિર્ણય આવ્યો હતો. હાઈકોર્ટમાં દાખલ કરાયેલી બે અરજીઓ સિવિલ સુટની જાળવણી અંગેની હતી અને ત્રણ અરજીઓ પુરાતત્ત્વ ખાતાના સર્વેના આદેશ વિરુદ્ધ હતી. બે અરજીઓમાં ૧૯૯૧માં વારાણસી જિલ્લા કોર્ટમાં દાખલ કરવામાં આવેલા મૂળ દાવાની જાળવણીને પડકારવામાં આવ્યો હતો. આ સાથે જ જ્ઞાનવાપી મસ્જિદના પરિસરના સર્વેના આદેશને ત્રણ અરજીઓમાં પડકારવામાં આવ્યો હતો. હાઈકોર્ટના આદેશ બાદ હવે હિન્દુ પક્ષની અરજી પર વારાણસી કોર્ટમાં સુનાવણી થઈ શકશે.

જ્ઞાનવાપી કેસ કેવી રીતે ૩૨ વર્ષ સુધી અટવાઈ ગયો તે જાણવું રસપ્રદ છે. તા. ૧૫ ઓક્ટોબર, ૧૯૯૧ના રોજ વારાણસી કોર્ટમાં આદિ વિશ્વેશ્વર મહાદેવના મિત્રો વતી જ્ઞાનવાપી મસ્જિદ પર દાવો દાખલ કરવામાં આવ્યો હતો. આ પછી મામલો કોર્ટની તારીખોમાં ફસાઈ ગયો હતો. સાત વર્ષ પછી, હિન્દુ પક્ષની અરજી પર જ્ઞાનવાપી મસ્જિદના વહીવટદારોએ કાઉન્ટર અરજી દાખલ કરી હતી, જેમાં આ કેસને ડિસમિસ કરવાની માંગણી કરવામાં આવી હતી.

આ પછી આ મામલો લગભગ ૨૧ વર્ષ સુધી કોર્ટમાં પેન્ડિંગ રહ્યો હતો. ત્યાર બાદ એડવોકેટ વિજય શંકર રસ્તોગીએ સ્વયંભૂ જ્યોતિર્લિંગ વિશ્વેશ્વર વતી, ડિસેમ્બર ૨૦૧૯ માં વારાણસી જિલ્લા કોર્ટમાં અપીલ કરી હતી. અરજદારે સમગ્ર જ્ઞાનવાપી મસ્જિદ વિસ્તારના પુરાતત્ત્વીય સર્વેની માંગણી કરી હતી. આ અરજી બાબરી મસ્જિદ-રામ જન્મભૂમિ વિવાદ પર સુપ્રીમ કોર્ટના નિર્ણયના એક મહિના બાદ દાખલ કરવામાં આવી હતી. અલ્હાબાદ હાઈકોર્ટે નીચલી કોર્ટના નિર્ણયને મોકૂફ રાખ્યો હતો.

વર્ષ ૨૦૨૦માં અંજુમન ઈન્તેજામિયા મસ્જિદ કમિટી મસ્જિદ મેનેજમેન્ટે પુરાતત્ત્વ સર્વેની માંગણી કરતી અરજીનો વિરોધ કર્યો હતો. અરજદારે ફરી નીચલી કોર્ટનો સંપર્ક કર્યો હતો. અલ્હાબાદ હાઈકોર્ટે સ્ટે લંબાવ્યો ન હતો, તેથી સુનાવણી ફરી શરૂ કરવાની વિનંતી કરવામાં આવી હતી. એપ્રિલ ૨૦૨૧ માં, વારાણસીની કોર્ટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણને સંકુલનો સર્વે કરવા અને તેનાં પરિણામો કોર્ટ સમક્ષ મૂકવાનો આદેશ આપ્યો હતો. ઉત્તર પ્રદેશ સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ અને અંજુમન ઈન્તેજામિયા મસ્જિદ કમિટીએ કોર્ટના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. આ કેસની સુનાવણી અલ્હાબાદ હાઈકોર્ટમાં થઈ હતી. તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ હાઈકોર્ટે ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણના સર્વેક્ષણ પર વચગાળાનો સ્ટે મૂક્યો હતો. તા. ૧૮ એપ્રિલ, ૨૦૨૧ના સમગ્ર મામલો ત્યારે ફરીથી સામે આવ્યો.

જ્યારે લક્ષ્મી દેવી, સીતા સાહુ, મંજુ વ્યાસ અને રેખા પાઠકે શ્રૃંગાર ગૌરી, ભગવાન ગણેશ, ભગવાન હનુમાન અને નંદીની દૈનિક પૂજા કરવાની પરવાનગી માંગી હતી. તેમણે મુસ્લિમ પક્ષને વિવાદિત જ્ઞાનવાપી વિસ્તારમાં મોજૂદ પ્રતિમાઓને નુકસાન પહોંચાડવાથી રોકવાની માંગણી પણ કરી હતી. આ પાંચ મહિલાઓની અરજી પર સુનાવણી કરતી વખતે વારાણસીના સિવિલ જજ રવિકુમાર દિવાકરે કાશી વિશ્વનાથ જ્ઞાનવાપી સંકુલ અને તેની આસપાસના શૃંગાર ગૌરી મંદિરની વિડિયોગ્રાફી કરવાનો આદેશ આપ્યો હતો. ત્યાર બાદ વકીલોની ટીમની દેખરેખ હેઠળ જ્ઞાનવાપી મસ્જિદની અંદર વિડિયોગ્રાફી શરૂ થઈ હતી. મસ્જિદ કમિટીએ તેનો વિરોધ કર્યો હતો. પરિણામ એ આવ્યું કે સર્વે અધવચ્ચે જ અટકાવવો પડ્યો હતો.

તા. ૧૨ મે ૨૦૨૨ના વારાણસીની કોર્ટે કહ્યું હતું કે સર્વે ચાલુ રહેશે. એટલું જ નહીં, કોર્ટે તા. ૧૭ મે સુધીમાં સર્વે રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું હતું. તા. ૧૬ મેના રોજ સર્વેક્ષણ દરમિયાન હિન્દુ પક્ષે દાવો કર્યો હતો કે જ્ઞાનવાપી સંકુલના વજુખાનામાં એક શિવલિંગ મળી આવ્યું હતું. તેને કારણે ભારતભરમાં સનસનાટી મચી ગઈ હતી. હિન્દુ પક્ષકારોનો કેસ મજબૂત થઈ ગયો હતો. તેના પગલે વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટે તે વિસ્તારને સીલ કરી દીધો હતો. સર્વોચ્ચ અદાલતે આદેશ આપ્યો હતો કે જ્ઞાનવાપીના વજુખાનામાં મળેલી રચના, જેને હિન્દુ પક્ષ શિવલિંગ કહે છે, તેને સાચવવામાં આવે. આ માળખાની સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તા. ૨૧ જુલાઈ, ૨૦૨૩ના રોજ જિલ્લા ન્યાયાધીશ ડૉ. અજય ક્રિષ્નાએ જ્ઞાનવાપી સંકુલમાં સીલબંધ બાથરૂમ સિવાય સર્વે કરવાનો આદેશ આપ્યો હતો અને તા. ૪ ઓગસ્ટ સુધીમાં રિપોર્ટ સબમિટ કરવા જણાવ્યું હતું.

Most Popular

To Top