ફરી એક વખત ૧૫મી ઓગસ્ટ આવશે અને ફરી એક વખત આપણે સ્વતંત્રતા દિનની ઉજવણી કરીશું. આપણા વડા પ્રધાન લાલ કિલ્લા ઉપરથી ધ્વજવંદન કરશે અને દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની વધાઇ આપશે. આ સ્વતંત્રતા દિવસે આપણે ચિંતન કરવું જોઇએ કે આપણા દેશમાં શું ખરેખર લોકશાહી છે? શું આપણે ખરેખર સ્વતંત્ર છીએ? તાજેતરમાં વિશ્વના લગભગ તમામ દેશોમાં કોરોના વાયરસ ત્રાટક્યો ત્યારે આપણે પણ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આદેશ મુજબ આખા દેશમાં લોકડાઉન લગાવવું પડ્યું હતું. હવે તેમના આદેશ મુજબ દેશના કરોડો નાગરિકોને કોરોના વેક્સિન આપવામાં આવી રહી છે. ટૂંક સમયમાં જે બાળકો આજ દિન સુધી કોરોનાનો ભોગ બન્યા નથી તેમના માબાપમાં પણ ગભરાટ પેદા કરીને તેમને વેક્સિન આપવામાં આવશે. જો આપણો દેશ સ્વતંત્ર હોય તો આ બધું કરવાની ફરજ આપણને પડત નહીં.
આપણો દેશ જ્યારે અંગ્રેજોનો ગુલામ હતો ત્યારે અંગ્રેજોએ આપણી પ્રજાને કચડી નાંખવા અને શાસકો સામે વિરોધ કરવાનો તેમનો અધિકાર છીનવી લેવા અનેક જુલમી કાયદાઓ ઘડ્યા હતા. તેમાંનો એક કાયદો પ્રિવેન્ટિવ ડિટેન્શનને લગતો હતો. આ કાયદા મુજબ સરકારને માત્ર શંકા જાય કે આ નાગરિક જાહેર શાંતિનો ભંગ કરવાનો છે, તો પણ તેની ધરપકડ કરવાની સત્તા પોલીસને આપી દેવામાં આવી હતી. આપણા દેશને આઝાદી મળી તે પછી આ કાયદો ચાલુ રાખવાની કોઇ જરૂર નહોતી. તેમ છતાં આ કાયદો ચાલુ રાખવામાં આવ્યો છે અને સરકારનો વિરોધ કરનારા કોઇ પણ નાગરિકની સ્વતંત્રતા આંચકી લેવા માટે આ કાયદાનો ઉપયોગ કરવામાં આવે છે.
અંગ્રેજોએ ઘડેલા આવા અનેક કાયદાઓ આજે પણ લાગુ છે. ભારત જ્યારે પરતંત્ર હતું ત્યારે અંગ્રેજોએ મીઠાનો કાળો કાયદો ઘડ્યો હતો. આ કાયદા મુજબ દેશમાં ક્યાંય પણ મીઠું ઉત્પન્ન કરવું હોય તો સરકારને ટેક્સ ભરવો પડતો હતો. વળી મીઠું ઉત્પન્ન કરતા આગરીઓની જમીન સરકારી માલિકીની ગણાતી હતી. ઇ.સ.૧૯૪૭માં ભારત સ્વતંત્ર થયું ત્યારે આપણે એવી આશા રાખી હતી કે આપણી સરકાર ગાંધીજીએ જેની સામે સત્યાગ્રહ કર્યો હતો એ કાયદો નાબુદ કરશે; પણ આ કાયદો આજે પણ ચાલુ છે. આ કાયદા હેઠળ સરકાર આજે પણ મીઠાં ઉપર ટેક્સ ઉઘરાવે છે અને જે આગરીઓ સદીઓથી મીઠું ઉત્પન્ન કરે છે, તેમને જમીનના માલિક ગણવામાં આવતા નથી.
અંગ્રેજોના રાજમાં સરકારે આપણાં મંદિરો અને ધર્માદા સંસ્થાઓ ઉપર અંકુશ જમાવવા માટે પબ્લિક ટ્રસ્ટને લગતા કાયદાઓ ઘડ્યા હતા. ભારત સ્વતંત્ર થયું ત્યારે તેનાં બંધારણની ૨૫મી અને ૨૬મી કલમો દ્વારા દેશની પ્રજાના ધાર્મિક સ્વાતંત્ર્યના મૂળભૂત અધિકારને માન્ય કરવામાં આવ્યો હતો. તેમ છતાં આપણી નવી સરકારે ઇ.સ.૧૯૫૦માં બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ નામનો કાયદો ઘડીને કલમના એક ઝાટકે પ્રજાને મળેલી ધાર્મિક સ્વતંત્રતા છીનવી લીધી હતી. આ કાયદા સામે અનેક ટ્રસ્ટો સુપ્રિમ કોર્ટ સુધી લડ્યા હતા; પણ દેશની સર્વોચ્ચ અદાલતમાંથી પણ તેમને ન્યાય મળ્યો નહોતો.
હવે આઝાદીના ૭૪ વર્ષ પછી દેશનાં લાખો હિન્દુ મંદિરોને સરકારના અંકુશમાંથી મુક્ત કરવા ભાજપના નેતા અશ્વિની ઉપાધ્યાય દ્વારા સુપ્રિમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે. આપણા દેશની જે અદાલતો છે, તેનો પાયો પણ અંગ્રેજોએ નાંખ્યો હતો. અંગ્રેજોએ આપણી પ્રજાને ગુલામ બનાવવા જે જુલમી કાયદાઓ બનાવ્યા હતા, તેનું પાલન કરાવવાની જવાબદારી અદાલતોને સોંપવામાં આવી હતી. અંગ્રેજોની અદાલતો ન્યાયની અદાલતો નહોતી પણ કાયદાની કોર્ટો હતી. ભારતને સ્વતંત્રતા મળી તે પછી પણ પરિસ્થિતિ બદલાઇ નથી.
આપણી અદાલતો વહીવટી તંત્રની મદદ લઇને પ્રજાની સ્વતંત્રતા ઉપર કેવી રીતે તરાપ મારે છે, તેનું ઉદાહરણ તાજેતરમાં જોવા મળ્યું હતું. સુપ્રિમ કોર્ટે એક ચુકાદામાં એવો આદેશ આપ્યો હતો કે દેશની તમામ મોટર કારના કાચ ઉપરથી કાળા રંગની ફિલ્મો ઉતારી કાઢવામાં આવે. અગાઉ આરટીઓની મંજૂરી લઇને જે ફિલ્મ લગાવવામાં આવી હતી તેને પણ ઉતરાવી નાંખવાનો આદેશ સર્વોચ્ચ અદાલતે આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે પોલીસ તંત્રના વડાઓને ચેતવણી આપી છે કે તેઓ જો આ આદેશનો અમલ કરાવવામાં નિષ્ફળ જશે તો તેમની સામે અદાલતના તિરસ્કારની કાર્યવાહી કરવામાં આવશે.
જે દેશના નાગરિકો પોતાની કારમાં તડકાને રોકવા માટેની ફિલ્મ પણ ન લગાવી શકે તેમને સ્વતંત્ર કેવી રીતે કહેવાય? આતંકવાદ એ રાજકારણીઓ દ્વારા પેદા કરવામાં આવેલી જાગતિક સમસ્યા છે. ભારત પણ તેનો ભોગ બન્યું છે. પરંતુ આતંકવાદના નામે સરકારને પોતાની અમલદારશાહી અને પોલીસ રાજને પ્રજાતંત્રના માથે ઠોકી બેસાડવાનું બહાનું મળી ગયું છે. આજે આપણે કોઇ પણ મંદિરમાં જઇએ તો આપણને શંકાની નજરે જોવામાં આવે છે અને આપણા આખા શરીરની તલાશી લેવામાં આવે છે. એર પોર્ટ ઉપર બોડી સ્કેનનાં મશીનો મૂકી દેવામાં આવ્યાં છે. તેનાથી આતંકવાદીઓને કાંઇ ફરક નથી પડતો, પણ આપણી સ્વતંત્રતા જોખમમાં આવી જાય છે.
અંગ્રેજો એવું જ માનતા હતા કે આપણા દેશની જેટલી જમીન છે અને જેટલાં જંગલો છે, તેના તેઓ માલિક છે. આ કારણે તેમણે જંગલ અધિનિયમ અને જમીન અધિગ્રહણ ધારા જેવા કાયદાઓ વડે પ્રજાની જમીનની માલિકી ધરાવવાની સ્વતંત્રતા અને જંગલનો ઉપયોગ કરવાની સ્વતંત્રતા છીનવી લીધી હતી. સ્વતંત્ર ભારતની સરકારે આ કાયદાઓ રદ્દ કરવાને બદલે તેને ચાલુ રાખ્યા હતા. આ કાયદા હેઠળ આજે પણ ગરીબ કિસાનોની જમીનો ઉદ્યોગો માટે આંચકી લેવામાં આવે છે. જમીન, જંગલ અને નદીઓ કુદરતની દેન છે. દેશના દરેક નાગરિકને તેનો ઉપયોગ કરવાનો અધિકાર હોવો જોઇએ. પરંતુ ફોરેસ્ટ કોન્ઝર્વેશન એક્ટ જેવા કાયદાઓ દ્વારા પ્રજાની આ સ્વતંત્રતા ઝૂંટવી લેવામાં આવી છે. મુંબઇના બોરીવલીમાં આવેલા નેશનલ પાર્કના જંગલમાં મોર્નીંગ વોક કરવાની પણ ફોરેસ્ટ ખાતાંને ફી ચૂકવવી પડે છે. નેશનલ પાર્કમાં વહેતી નદીમાં સ્નાન કરવા જઇએ તો પણ જંગલના ચોકિયાતો આપણને અટકાવે છે અને જેલમાં પૂરી દેવાની ધમકી આપે છે.
ઇ.સ.૧૯૫૦માં જ્યારે આપણું નવું બંધારણ અમલમાં આવ્યું ત્યારે તેની ૩૧મી કલમમાં નાગરિકોના મૂળભૂત અધિકારોની સૂચિમાં જમીન-મિલકત ધરાવવાના અધિકારને સામેલ કરવામાં આવ્યો હતો. ઇ.સ.૧૯૭૮માં બંધારણમાં ૪૪મો સુધારો કરીને આ મૂળભૂત અધિકારને જ રદ્દ કરવામાં આવ્યો હતો. હવે આપણી સરકાર દેશના કોઇ પણ નાગરિકની જમીન અથવા માલમિલકત તેની સંમતિ વિના પોતાના કબજામાં કરી શકે છે.
આપણા દેશની પ્રજા જેમ સ્વતંત્ર નથી તેમ આપણી સરકાર પણ સ્વતંત્ર નથી. તે મલ્ટીનેશનલ કંપનીઓની અને અમેરિકા જેવી મહાસત્તાઓની ગુલામ છે. આપણા દેશના વડા પ્રધાન રિટેઇલમાં વિદેશી કંપનીઓને ઘૂસવા ન દેવા માંગતા હોય તો પણ અમેરિકા જેવી મહાસત્તાઓ તેમની ઉપર દબાણ કરીને તેને મંજૂરી આપવાની ફરજ પાડી શકે છે. આપણે ઇરાન સાથે વેપાર કરવા ઇચ્છતા હોઇએ તો પણ અમેરિકાના દબાણ સામે ઝૂકી જવું પડે છે. વર્લ્ડ બેન્ક, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, યુનિસેફ, ફાઓ, આઇએમએફ અને યુનેસ્કો જેવી સંસ્થાઓએ ગ્લોબલાઇઝેશનના નામે આપણી સરકારની સ્વતંત્રતા પણ છીનવી લીધી છે.– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.