Business

શ્રાદ્ધ અને શ્રધ્ધા

મૃત્યુ પછી શ્રાદ્ધ મોટે ભાગે લોકો કરે જ છે. આવો જ ખ્યાલ લગભગ જુદા સ્વરૂપે ઇંગ્લેન્ડમાં પણ જોવા મળે છે. જે તિથિએ મૃત્યુ થયું હોય તે તિથિએ શ્રાધ્ધ થાય તેવું સૂચન હેમાદ્રિ ગ્રંથમાં જોવા મળે છે. શ્રાદ્ધની શરૂઆત કયારથી થઇ તે વિશે વરાહ પુરાણ અને મહાભારતમાં એક સરખી વાત કહેલી છે. નિમિ નામે એક ઋષિ હતા તેમને આત્રેય નામે પુત્ર હતો. તેનું મૃત્યુ થાય છે તેથી સર્વ પ્રથમ શ્રાદ્ધ નિમિઋષિએ કરેલું. ગીતામાં શ્રીકૃષ્ણે ‘લુપ્ત પિંડ ઉદક ક્રિયા’ શબ્દો વાપર્યા છે તેથી તે સમયે પણ સમાજમાં શ્રાદ્ધની પ્રથા હશે જ.

શ્રાદ્ધ પાછળની મૂળ વિચારધારા એ છે કે, મરનાર વ્યકિતનાં ઉત્તમ કાર્યો પૂરાં થયાં નથી અથવા એવાં ઉત્તમ કાર્યો કરવાનો મરનારનો વિચાર સંતાનો જાણતાં હોય તો તે કાર્યોને પાર પાડવાનો સંકલ્પ શ્રાદ્ધથી થતો હોય છે. જેનું શ્રાદ્ધ થતું હોય તેનાં સંતાનો શ્રાદ્ધને દિવસે વિચારે કે મરનારનાં કયાં ઉત્તમ કામો હજુ હમે કર્યાં નથી તેથી તેનો વિચાર શ્રાદ્ધ સાથે થતો. બ્રહ્માંડ પુરાણ તો સૂચવે છે કે દેશ – કાળને ધ્યાનમાં રાખી દાન આપવું જોઇએ. યુદ્ધમાં વિજય મેળવવા અને સૌભાગ્ય માટે પણ શ્રાદ્ધ થતું. નીલકંઠ ભટ્ટે શ્રાદ્ધમયૂખ નામે ગ્રંથ પ્રગટ કર્યો છે તેમાં શ્રાદ્ધની વિધિ પર પ્રકાશ પાડેલો છે. શ્રાદ્ધના બે પ્રકારો દર્શાવ્યા છે. ૧. પ્રતિવર્ષ મૃતાત્મા પાછળ જે શ્રાદ્ધ થાય તેને નિત્ય – શ્રાદ્ધ કહેલું છે. ૨. કોઇ કામના પાર પાડવા માટે જે શ્રાદ્ધ થાય તેને કામ્યશ્રાદ્ધ કહયું છે.

શ્રાદ્ધમાં વિદ્વાન બ્રાહ્મણોને જ ભોજન આપવાનો આગ્રહ રાખ્યો છે. ગરુડ પુરાણ તો ત્યાં સુધી સૂચવે છે કે,  તે દિવસે જો વિદ્વાન બ્રાહ્મણ ન મળે તો બનાવેલું ભોજન ગાયોને આપી દેવું પણ સામાન્ય બ્રાહ્મણને જમાડવો નહીં. ભોજન પછી દાનનો આગ્રહ રાખેલો જ છે. લિંગપુરાણમાં તો સૂચવ્યું છે કે, કોઇને સંતાન ન હોય તો જીવતા જીવે જ તે પોતાનું શ્રાદ્ધ કરી શકે છે તેને જીવિત શ્રાદ્ધ કહેલું છે. માર્કન્ડેય પુરાણમાં પણ લગભગ આ જ આશય જોવા મળે છે.

ગરુડ પુરાણનો ઉત્તર ખંડ મૃત્યુ, આત્માની ગતિ અને શ્રાદ્ધ અંગે પ્રકાશ પાડે છે. મૃત્યુ પછી શ્રાદ્ધની શરૂઆત દસમા દિવસથી તેરમા દિવસમાં શ્રાદ્ધ પૂર્ણ થાય તે સૂચવ્યું છે. મૃતાત્મા દશમા દિવસે ઘરને બારણે આવે છે. એ મૃતાત્માને જ પિંડ અર્પણ થાય છે. શ્રાદ્ધ કરનાર મુખ્ય પિંડને અડધો કાપી નાખે છે. તેથી ઘર સાથેનો તેનો સંબંધ તૂટી જાય છે. શ્રાદ્ધ પક્ષ ભાદરવામાં આવે છે અને શરદ ઋતુ ચાલતી હોય છે. પિત્ત પ્રકોપ દૂર કરવા દૂધનો ઉપયોગ દૂધપાક થકી થતો હોય છે.

Most Popular

To Top