બે કોલેજના મિત્રો, રાજ અને રાહિલ વર્ષો બાદ અચાનક મળી ગયા. કોલેજમાં જતા હતા તે યાદ તાજી કરવા વીકએન્ડ પર લોંગ ડ્રાઈવ પર જવાનું નક્કી કર્યું.વહેલી સવારે નીકળી ગયા.કયાં જવું તે પણ નક્કી કર્યું ન હતું. બસ લોંગ ડ્રાઈવ પર જઈએ એમ રાત્રે નક્કી કરી સવારે નીકળી ગયા.સવારનું સુંદર ખુશનુમા વાતાવરણ હતું.રાહિલ ગાડી લઈને રાજને મળ્યો અને આગળ વધ્યા. ગાડીમાં બેસતાં જ રાજે કહ્યું, ‘અરે આટલું લાઉડ મ્યુઝીક હવે નથી ગમતું. બંધ કર, થોડી વાતો કરીએ.’ રાહિલે મ્યુઝિક ધીમું કર્યું અને બોલ્યો, ‘અરે લોંગ ડ્રાઈવની મજા મ્યુઝિક વિના ન આવે યાર…’ રાજ બોલ્યો, ‘હા, સાચી વાત છે તારી. મારે પણ આવી જ સરસ ગાડી લેવી છે.કંપનીની ગાડી છે પણ નાની છે.
રાજ પોતાના જીવનની તકલીફો અને ખામીઓની વાત કરી રહ્યો હતો કે નોકરી સારી છે પણ બધા પૈસા વપરાઈ જાય છે.ખર્ચા બહુ છે.જવાબદારી બહુ છે.માતા પિતાની તબિયતની ચિંતા રહે છે.નાની બહેનનાં લગ્ન બાકી છે વગેરે વગેરે.રાજ નોનસ્ટોપ બોલ્યે જતો હતો.’ રાહિલ બોલ્યો, ‘દોસ્ત, છોડ એ બધી ચિંતાભરી વાતો.બધાના જીવનમાં કોઈ ને કોઈ તકલીફો હોય જ છે.આપણે લોંગ ડ્રાઈવ પર નીકળ્યા છીએ તો આજની વાત કર.અત્યારનો નજારો જો …કઈ તરફ જવું છે તે વિચાર.થોડે દૂર બ્રેક લેશું ત્યારે નાસ્તો શું કરશું તે નક્કી કર ને …છોડ ને આ બધી રોજની માથાકૂટ.’ રાજ બોલ્યો, ‘અરે યાર, મૂડ સારો કરવા જ આવ્યો છું.પણ આ મારી તકલીફો અને ચિંતા મગજમાંથી જતી જ નથી.નવું ઘર લેવું છે.દીકરાને થોડાં વર્ષો બાદ ફોરેન ભણવા મોકલવો છે.કેટલું બધું હજી જીવનમાં મેળવવાનું અને કરવાનું બાકી છે.’
રાહિલે ગાડી એક સરસ રેસ્ટોરાં પાસે રોકી.રેસ્ટોરાં એવી રીતે બાંધેલી હતી કે દીવાલો ઓછી અને મોટી મોટી બારીઓ હતી જેમાંથી વહેલી સવારે ઊગતા સૂર્યનું દૃશ્ય દેખાતું હતું.એક ટેબલ પર જઈને બેઠા. રાહિલે ઈડલી ઢોસા અને કોફીનો ઓર્ડર આપ્યો અને પછી રાજને કહ્યું, ‘દોસ્ત, તારા મગજમાં ભરેલી બધી ચિંતાને બે ઘડી દૂર કર અને ધ્યાનથી બસ, આ સરસ વાતાવરણમાં ઊગતા સુરજના આહ્લાદક રંગોની સુંદરતા જો….મન ભરીને દૃશ્યને આંખોમાં ભરી લે.આ ગરમ કોફીની સુગંધ અને સ્વાદ માણ.આજમાં જીવ.અત્યારની ઘડીનો આનંદ લે.આ પળમાં તારી પાસે છે સરસ નૈસર્ગિક દૃશ્ય.સ્વાદિષ્ટ નાસ્તો …ગરમ કોફી …અને એક દોસ્ત ….તો આ પળને માણ…જીવનમાં ઢગલાબંધ મુશ્કેલીઓ અને જવાબદારીઓ બધાને જ હોય છે પણ તેને મગજમાં ભરી અત્યારની ઘડીની ખુશી માણવાનું ગુમાવવું જોઈએ નહિ.’ રાજે કોફીનો કપ હાથમાં લીધો. તેને મિત્રની વાત સમજાઈ ગઈ કે આ ઘડીમાં તેની પાસે જે ખુશી છે તેને માણી લેવાની જરૂર છે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.