Comments

શરદ પવારના રાજકારણનો અંત?

મહારાષ્ટ્રમાં જે બન્યું છે અને  બની શકે એવી શક્યતા છે અને લાગે છે કે , આ રાજકીય નાટક એક અંકી નથી પણ ત્રિઅંકી કે એનાથી પણ વધુ લાંબુ હોઈ શકે છે. પણ સવાલ એ છે કે, ભત્રીજા અજીત પવાર અને સાથીઓના જવાથી શું કાકા શરદ પવારના રાજકારણનો અંત આવી ગયો છે? આ સવાલનો જવાબ મળવો હજુ બાકી છે. પણ અજીત પવારે એક સવાલ તો સાચો કર્યો છે કે, ૮૨ વર્ષની ઉંમર છે, હવે તો છોડો. નહિ તો અમારો વારો ક્યારે આવશે?

ભારતના રાજકારણમાં તો શું, દુનિયાના કોઈ પણ દેશના રાજકારણમાં એવો કોઈ નિયમ નથી કે, નેતાઓ અમુક ઉંમરે નિવૃત્ત થઇ જાય. હા, ભાજપે એક નિયમ જરૂર બનાવ્યો છે અને એ મુજબ ૭૫ વર્ષ થાય એ નેતાને કોઈ પદ કે ટીકીટ અપાતા નથી. કેટલાક અપવાદોને છોડતાં ભાજપે આ નિયમનું પાલન કર્યું છે. અડવાની , મુરલી મનોહર જેવા નેતાને ઘેર બેસાડી દેવાયા ત્યારે નરેન્દ્ર મોદીની બહુ ટીકાઓ થઇ હતી. જો કે, નરેન્દ્ર મોદી ૭૨ના થયા. પણ મોટી ઉંમરના નેતાઓ નિવૃત્ત ના થાય તો યુવા રાજકારણીઓનો વારો ક્યાંથી આવે?

આ સવાલ બધા પક્ષોની અંદર થવો જોઈએ. રાહુલ ગાંધી રાજકારણમાં આવ્યા અને કોંગ્રેસ પ્રમુખ બન્યા ત્યારે એમણે યુવાઓને આગળ કરવાનો પ્રયત્ન કર્યો, પણ એમાં સફળ ના થયા અને એ કારણે જ મધ્યપ્રદેશમાં ભંગાણ પડ્યું અને રાજસ્થાનમાં ગેહલોત અને પાયલોટ આમનેસામને છે. બધા પક્ષોમાં બુધા રાજકારણીઓની સંખ્યા છે. કેરળના પી. વિજયનથી માંડી ઓડીસાના મુખ્યમંત્રી  નવીન પટનાયક ૭૫ના છે કે એનાથી વધુ ઉંમરના છે અને કોન્ગ્રેસનાં કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધી ૭૬નાં થયાં છે. લાલુ યાદવ મોટી ઉંમરના છે અને એમણે તો સંતાનોને બાગડોર સોંપી છે. પણ હજુ ય ફારૂક અબ્દુલ્લા , ગુલાબ નબી આઝાદ , યશવંત સિન્હા , દેવ ગોવડા જેવા નેતાઓ શરદ પવારની હરોળમાં છે.

શરદ પવાર માટે હવે એનસીપી બચાવવાનું મુશ્કેલ બની ગયું છે. એનસીપીના બે ઊભા ફાડચા થયા છે. એમના સાવ નજીકના સાથી પ્રફુલ પટેલ અને છગન ભુજબળ ભાજપમાં જોડાઈ ગયા છે. એનું કારણ એમની સામે ચાલતા કેસો હોઈ શકે છે. પણ સવાલ એ છે કે, શરદ પવાર હવે શું કરશે? એમણે કમાન પુત્રી સુપ્રિયાને સોંપી તો છે પણ રીમોટ પોતાના હાથમાં રાખ્યો છે. એ કહે છે કે, લોકોમાં જઈશ. પણ હવે એ આસાન નથી. એમની ઉંમર એમના રસ્તામાં આવે એ સ્વાભાવિક છે. બીજું કે, ભત્રીજાએ પૂછેલો સવાલ પણ વાજબી છે. પણ શરદ પવાર જૂના અને મંજાયેલા ખેલાડી છે એ વિકટીમ કાર્ડ ખેલી શકે છે. નરેન્દ્ર મોદીએ એક વાર શરદ પવારને રાજકીય ગુરુ ગણાવેલા અને વિકટીમ કાર્ડ ખેલવામાં એ માહેર છે. શું શરદ પવાર મોદીની જેમ વિકટીમ કાર્ડ ખેલવામાં સફળ થઇ શકે?

શરદ પવાર અજીત પવાર કરતાં વધુ માહેર છે એ સ્વીકાર્ય. શરદ પવાર પાસે હજુ ય કેટલાક પતા છે. જો કે, અજીતે ચૂંટણી ચિહ્ન માટે ચૂંટણી પંચને અરજી કરી દીધી છે. શિવસેનામાં જે લડાઈ થઇ હતી એ જ લડાઈ હવે એનસીપીમાં થઇ છે. ઉધ્ધવ ઠાકરે પાસે સંખ્યા બળ ઘટી ગયું ત્યારે પવારે જ સલાહ આપેલી કે, ચિહ્ન માટે લડવાનું છોડો , નવા ચિહ્ન સાથે મેદાનમાં ઊતરો. હવે પવાર માટે ખુદે આપેલી સલાહ ધ્યાને લેવાનો સમય આવી ગયો છે. ભારતના રાજકારણની આ જ તો વિશેષતા છે. અહીં કોણ , ક્યારે , કોની સાથે ચાલવા લાગે એ કળવું અને એ કહેવું મુશ્કેલ છે.

ગુજરાત ખાનગી યુનિવર્સિટીમાં ન. ૧
ગુજરાતના અધિકારી ધવલ પટેલે એક રીપોર્ટ આપ્યો કે, આદિવાસી વિસ્તારમાં શિક્ષણ સાવ ખાડે ગયું છે. આ મુદે્ ખાસ્સો વિવાદ થયો છે, પણ સરકાર દાવો કર્યા કરે છે કે પ્રાથમિકથી માંડી ઉચ્ચ શિક્ષણ સુધી બધું બરાબર છે અને અમારે ત્યાં આટલી યુનિવર્સિટી છે એવી વાતો કરવામાં આવે છે, પણ રાજ્યમાં ખાનગી શિક્ષણમાં ગુજરાત નંબર વન બની ગયું છે. અત્યાર સુધી ઓૈદ્યોગિક રોકાણમાં નંબર વન હતું , અત્યારે નથી. પણ ખાનગી યુનિવર્સિટીમાં ગુજરાતે બધાં રાજ્યોને પાછળ છોડી દીધાં છે. એનો અર્થ એ થયો કે, સરકારે શિક્ષણમાંથી હાથ ખેંચી લીધા છે.

પછી એ શાળાકીય શિક્ષણ હોય કે કોલેજનું. ગુજરાતમાં સરકારી શાળાઓ કરતાં ખાનગી શાળાઓનું પ્રમાણ પણ વધુ છે અને ખાનગી યુનિવર્સિટીની સંખ્યા વધી ૬૦ થઇ ગઈ છે. કોઈ રાજ્યમાં આટલી ખાનગી યુનિવર્સિટી છે નહિ. યુજીસીના અહેવાલ મુજબ ગુજરાત બાદ બીજા નંબરે રાજસ્થાન છે, જ્યાં ૫૨ ખાનગી યુનિવર્સિટી છે. તો ત્રીજા નંબરે એમપી છે જ્યાં ૪૬ યુનિવર્સિટી છે. ગુજરાતમાં સ્ટેટ યુનિવર્સિટીની સંખ્યા હવે માત્ર ૨૯ની રહી ગઈ છે. કદાચ આ જ કારણે ગઈ ચૂંટણીમાં આપે શિક્ષણનો મુદો ઉઠાવેલો. શાળાથી માંડી કોલેજોમાં ઉંચી ફી છે અને એ કારણે આમ આદમીનાં સંતાનોને ભણવામાં સમસ્યા છે. આ મુદે્ સરકાર ચૂપ છે.

આ તે કેવી માનસિકતા
મધ્યપ્રદેશમાં ભાજપના ધારાસભ્યના સાથીએ એક આદિવાસી પર પેશાબ કર્યો એ ઘટના વિવાદિત બને એ સ્વાભાવિક છે. શિવરાજ સરકારે શુક્લા સામે એનએસએ દાખલ કર્યો , ધરપકડ કરી અને બાદમાં એના ગામના મકાન પર બુલડોઝર ફેરવી દીધું. બાદમાં  મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણે એ આદિવાસીને પોતાને ત્યાં બોલાવી એના પગ ધોયા અને માફી માગી અને આખા કિસ્સા પ્રત્યે લોકોમાં જે રોષ પેદા થયો એ ટાઢો પાડ્યો છે . પણ સવાલ માનસિકતાનો છે. મુસ્લિમ કે દલિત કે આદિવાસી સાથે દુર્વ્યવહારની ઘટનાઓ વધતી જાય છે. એ અટકાવવા માત્ર કાયદાથી નિરાકરણ નહિ આવે. સમાજમાં જે માનસિકતા છે એમાં બદલાવ લાવવો પડશે. માત્ર સમાન નાગરિક કાયદો લાવવાથી કામ નહિ ચાલે. સરકાર અને રાજકીય પક્ષોએ આ માટે શું કર્યું ? કે પછી એનજીઓ શું કરે છે? આવા સવાલો કરવા જોઈએ અને જવાબો મળવા જોઈએ. 
કૌશિક મહેતા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top