પલસાણા: (Palsana) પલસાણા તાલુકાના એના ગામે એક બાંધકામની સાઇડ પર એક ઇસમ કૂતરાના (Dog) ગલુડિયાને ત્યાંથી દૂર કાઢતો હતો. ત્યારે ગલુડિયાને (Puppy) દૂર કાઢવાની ના પાડતાં મામલો બિચક્યો હતો અને ૧૪ જેટલા ઇસમે લાકડાના દંડા લઇ આવી મારામારી કરી ઓફિસમાં પણ તોડફોડ કરી હતી. જેને લઇ આ અંગે પલસાણા પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી.
- એનામાં ગલુડિયાને ભગાડવા મુદ્દે બબાલ: બિલ્ડરની ઓફિસમાં તોડફોડ કરી એકને માર મરાયો
- સુનીલ મંડલે બચ્ચાને ભગાડવાની ના પાડતાં અર્જુન રાઠોડ અકળાઈ ગયો
- ૧૪ જેટલા ઇસમ લાકડાના દંડા લઈ ઓફિસમાં ઘૂસી ગયા
પ્રાપ્ત માહિતી અનુસાર પલસાણા તાલુકાના એના ગામે ક્રિકેટ સ્ટેડિયમની સામે બાજુએ ગૌતમ બિલ્ડર્સની સાઇડ પર રહેતા અને મૂળ પશ્ચિમ બંગાળના વતની સુનીલ ઝાડુ મંડલ (ઉં.વ.૪૦) જેઓ ગત રોજ તેમની સાઇડ ૫૨ હાજર હતા. ત્યારે અર્જુન રાઠોડ નામનો ઇસમ સાઇડ ૫૨ આવી અને ત્યાં રમતા કૂતરાના ગલુડિયાને બૂમો પાડીને દૂર ભગાડતો હતો. ત્યારે સુનીલે ગલુડિયાને ભગાડવાની ના પાડતાં ઉશ્કેરાઇ ગયેલા અર્જુન કાળાભાઇ રાઠોડ તેમજ ભરતભાઇ સોમાભાઇ રાઠોડ (બંને રહે., એના, તા.પલસાણા)એ સુનીલ સાથે ઝઘડો કરી તેને માર મારવા લાગ્યા હતા. અને બૂમો પાડતાં અન્ય ૧૨ જેટલા ઇસમે પણ લાકડાના ડંડા લઇ આવી મારામારી કરી હતી.
સુનીલભાઇ તેમજ સાઇડ પર હાજર અન્ય કામદારોને પણ માર મારી ઓફિસમાં ઘૂસી ગયા હતા અને ત્યાં પણ તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું અને જો આ અંગે પોલીસને ફરિયાદ કરશો તો જાનથી મારી નાંખીશું તેવી ધમકી પણ આપી હતી. આ અંગે સુનીલભાઇએ મારામારી અને ઓફિસમાં તોડફોડ કરવા અંગે 14 જેટલા ઈસમ સામે ફરિયાદ આપતાં પલસાણા પોલીસે ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.
બારડોલીમાં મિલેનિયમ મોલ શોપિંગ સેન્ટરના દુકાનદારોની બિલ્ડરો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધવા માંગ
બારડોલી: બારડોલીમાં નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા કરવામાં આવેલી સીલિંગ પ્રક્રિયા બાદ મિલેનિયમ મોલ શોપિંગ સેન્ટરના દુકાનદારોએ બિલ્ડરો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધવા માટે પોલીસમાં અરજી કરી છે. આ અંગે મળતી માહિતી અનુસાર ગત શનિવારના રોજ બારડોલી નગરપાલિકાની ટીમ દ્વારા મિલેનિયમ મોલ શોપિંગ સેન્ટરમાં ફાયર સેફ્ટીનો અભાવ હોવાથી સીલ કરવામાં આવ્યું હતું. શહેરની અન્ય 48 જેટલી મિલકત પણ સીલ કરવામાં આવી છે. દરમિયાન મિલેનિયમ મોલના દુકાનદારો દુકાનો સીલ થઈ જતાં હરકતમાં આવ્યા છે અને બારડોલી પોલીસને લેખીત અરજી કરી છેતરપિંડીની ફરિયાદ નોંધવાની માંગ કરી છે. અરજીમાં જણાવ્યા અનુસાર બિલ્ડર દ્વારા ફાયર સેફ્ટી જેવી સુવિધા આપવાની હોય છે. આ અંગે અનેક બિલ્ડર અને એસઆરબી કોર્પોરેશનના તમામ ભાગીદારોને રજૂઆત કરી હતી. જે પૈકી રમેશભાઈ સિસોદીયા, કાંતિલાલ પટેલ અને બાબુલાલ જૈન દ્વારા ફાયર સેફ્ટી ઊભી કરવા બાંયધરી આપી હતી. પરંતુ હજી સુધી ફાયર સેફ્ટી ઊભી થઈ ન હોવાથી પાલિકા દ્વારા દુકાનો સીલ કરવામાં આવતાં 72 જેટલા દુકાનદારોની રોજીરોટી છીનવાઇ ગઈ છે. આથી એસઆરબી કોર્પોરેશનના તમામ ભાગીદારોએ દુકાનદારો સાથે છેતરપિંડી કરી હોય તેમની સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.