વલસાડ : વલસાડની (Valsad) કોર્ટ (Court) પરિસરમાં પાંચમી એડિશનલ સિનિયર સિવિલ કોર્ટના સ્ટાફ રૂમમાં સિવિલ કોર્ટના કર્મચારીની બદલી ઉમરગામ (Umargam) થઈ ગઈ હોય તે બદલી અટકાવવા માટે કર્મચારીએ કોર્ટ પરિસરમાં ઝેરી દવા (Poison) પી આપઘાતનો (Suicide) પ્રયાસ કર્યો હતો. જોકે અન્ય લોકોએ તેને જોતા દવા પીનારા કર્મચારીને સારવાર અર્થે વલસાડની હોસ્પિટલમાં ખસેડાયો હતો. બીજી તરફ તેમની વિરુદ્ધ જજને દબાણ કરવાનો ગુનો પણ દાખલ થયો છે.
- લોકોએ જોતા દવા પીનારા કર્મચારીને હોસ્પિટલમાં ખસેડ્યો, જજને દબાણ કરવાનો ગુનો પણ દાખલ થયો
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પારડી કોર્ટના ક્વાટર્સમાં રહેતા બીપીનભાઈ ભાવસારભાઈ સોલંકી વલસાડ કોર્ટમાં પાંચમી એડિશનલ સિનિયર સિવિલ કોર્ટમાં આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. વલસાડ કોર્ટમાંથી થયેલી બદલીમાં બીપીનભાઈની ઉમરગામ સિવિલ કોર્ટમાં બદલી થતા તેઓ હતપ્રત થઈ ગયા હતા. તેઓ ઉમરગામ કોર્ટમાં જવા માંગતા નહીં હોય, બદલી અટકાવવા માટે પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ આઇ. એસ. શેખને મળવા માટે અરજી આપી હતી. જોકે આ વચ્ચે તેમણે કોર્ટ પરિસરમાં પાંચમી એડિશનલ સિનિયર સિવિલ કોર્ટના રૂમમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે તેમને સમયસર સારવાર અર્થે વલસાડની ડોક્ટર હાઉસમાં લઈ ગયા હતા. આ ઘટના સંદર્ભે વલસાડ સિવિલ કોર્ટના એડિશનલ રજિસ્ટાર જીગ્નેશાબેન પટેલે બીપીનભાઈ વિરુદ્ધ ડિસ્ટ્રિક્ટ જજ પર બદલી અટકાવવા દબાણ લાવવા આ પગલું ભર્યું હોવાની ફરિયાદ કરી હતી. પોલીસે બનાવ સંદર્ભે ઇપીકો કલમ 309 મુજબ તેમની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
ખેરગામ ભૈરવી ગામના યુવાને ઔરંગા નદીમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું
ખેરગામ: ખેરગામ તાલુકાના ભૈરવી તાડ ફળિયામાં રહેતા ભુપેન્દ્ર કિશોર પટેલે (ઉ.વ. 26) મંગળવારે સાંજે બહેજના કુતિખડક ઔરંગા નદીના નહેરના પુલ ઉપરથી કોઈક કારણોસર નદીમાં ઝંપલાવી દીધું હતું. નદીમાં પાણી ઓછું હોવાથી તેને પથ્થર માથાના ભાગે તથા છાતીના ભાગે લાગતા ગંભીર ઇજા થતા તેને 108માં ખેરગામની રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા પરિવારમાં ભારે શોકની લાગણી ફેલાઈ હતી. આ અંગેની જાહેરાત મરનારના પિતા કિશોરભાઈ પટેલે ખેરગામ પોલીસ મથકમાં આપતા એ.એસ.આઇ કુણાલભાઈએ વધુ તપાસ હાથ ધરી હતી.