Vadodara

કોયલીગામની અવધ વિહાર સોસાયટીના મેઈન્ટેનન્સના રૂ.27.58 લાખની ઉચાપત

વડોદરા: શહેર નજીક કોયલી ગામે આવેલી અવધ વિહાર સોસાયટીના પૂર્વ પ્રમુખ, ઉપપ્રમુખ ,મંત્રી અને ખજાનચીએ ભેગા મળી સોસાયટીના મેઇન્ટેનન્સના રૂપિયામાંથી ભેગા થયેલા રૂપિયાની ફેડી તોડી રૂપિયા 27.58 લાખ ઉપાડી લઇ છેતરપિંડી કરતા ફરિયાદ નોંધાઇ છે. સોસાયટીના આ હોદ્દેદારોએ બિલ્ડર દ્વારા લાઇફ ટાઇમ માટેની આપેલી મેઇન્ટેનન્સ રકમની એફ.ડી. તોડીને પોતાના અંગત કામે વાપરી નાંખ્યા હતા. નોંધનીય છે કે, પૂર્વ પ્રમુખની અગાઉ કેવડીયા પોલીસ મથકમાં છેતરપિંડીના ગુનામાં ધરપકડ થઇ હતી.

શહેર નજીક કોયલી ગામ ખાતે આવેલ અવધ વિહાર સોસાયટીના વર્તમાન પ્રમુખ સુરેશચંદ્ર પરમાર હાલ નિવૃત જીવન પસાર કરી રહ્યા છે. સોસાયટીના સર્વાંગી વિકાસ માટે સોસાયટીના સભ્યો દ્વારા કમિટી બનાવવામાં આવી હતી. અગાઉની કમિટીમાં પ્રમુખ તરીકે આશિષભાઈ મહેન્દ્રભાઈ જોષી , ઉપપ્રમુખ જયદીપભાઇ વિનોદભાઈ પરમાર,  મંત્રી રજનીકાંત ડાહ્યાભાઈ ડાભી , ખજાનચી મનીષભાઈ ભીખાભાઈ દેસાઈ ( તમામ રહે-  અવધ વિહાર સોસાયટી ,કોયલી ગામ ,વડોદરા)ની નિમણૂક સોસાયટી સભ્યો દ્વારા સર્વાનુંમતે કરવામાં આવી હતી.

ત્યારે સોસાયટીના નિયમ મુજબ અને નક્કી કર્યા મુજબ સોસાયટીની પ્રાથમિક સુવિધાઓ માટે તમામ સભ્યો પ્રતિમાસ મેઇન્ટેનન્સ આપે છે. જે મેઇન્ટેનન્સની રકમમાંથી સોસાયટીની પ્રાથમિક સુવિધાઓને લગતો ખર્ચ કરવાનો હોય છે. પ્રતિમાસ સભ્યો પાસેથી લેવામાં આવતા મેઇન્ટેનન્સની રકમમાંથી થતી બચત તથા બિલ્ડર દ્વારા લાઈફ ટાઈમ મેઇન્ટેનન્સ પેટે સોસાયટીના સભ્યો પાસેથી લેવામાં આવેલી રકમ રૂપિયા 39 લાખ સોસાયટીના બેંક.ઓફ.બરોડા શાખામાં ફિક્સ ડિપોઝીટ કરવામાં આવી હતી. 

દરમિયાન પૂર્વ  પ્રમુખ આશિષભાઈ જોશી કેવડીયા પોલીસ મથકે ફ્રોડના કેસમાં ઝડપાતા સોસાયટીની બેલેન્સશીટ ચકાસી હતી. દરમિયાન જાણવા મળ્યું હતું કે, અગાઉની કમિટીમાં પ્રમુખ તરીકે આશિષભાઈ જોષી, ઉપપ્રમુખ જયદીપભાઇ પરમાર,  મંત્રી રજનીકાંત ડાભી, ખજાનચી મનીષભાઈ દેસાઈએ સોસાયટીની મંજૂરી વગર એફડી તોડી ભેગા મળી તા.27-8-2020 થી તા.12-11-2020 દરમિયાન ટુકડે-ટુકડે ચેકથી રૂપિયા 27.58 લાખની રકમ પોતાના અંગત ઉપયોગ માટે ઉપાડી લીધા હોવાનું બહાર આવ્યું હતું. જેથી સોસાયટીની મંજૂરી વગર પૈસા ઉપાડી લઈ છેતરપિંડી કરતા બનાવ અંગે અવધ વિહાર સોસાયટીના વર્તમાન પ્રમુખ સુરેશચંદ્ર પરમારે જવાહરનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પૂર્વ પ્રમુખ આશિષ જોષી, ઉપપ્રમુખ જયદીપ પરમાર, મંત્રી રજનીકાંત ડાભી અને ખજાનચી મનિષ દેસાઇ સામે છેતરપિંડી-વિશ્વાસઘાતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top