લોકસભાની ચૂંટણી જાહેર થવાની ઘડીઓ ગણાઈ રહી હતી ત્યારે ચૂંટણી પંચે ચૂંટણી બોન્ડ દ્વારા ઉઘરાવવામાં આવેલા અબજો રૂપિયાનો હિસાબ જાહેર કરીને અજાણતાં જ ભારતના રાજકારણના ખંડણી ઉઘરાવવાના મોટામાં મોટા ષડ્યંત્રને ઉજાગર કરી દીધું છે. ચૂંટણી બોન્ડના માધ્યમથી કુલ જે આશરે ૧૨ હજાર કરોડ રૂપિયાનું દાન આપવામાં આવ્યું તેના લગભગ ૫૫ ટકા ભાજપના ભાગે આવ્યા છે, કારણ કે કેન્દ્રમાં તેમ જ અનેક રાજ્યોમાં ભાજપનું શાસન છે. ભાજપ પછી કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, ભારત રાષ્ટ્ર સમિતિ, બીજુ જનતા દળ તેમ જ ડીએમકે જેવા પક્ષોને પણ તેમના હિસ્સાની અબજો રૂપિયાની ખંડણી મળી છે, કારણ કે કેટલાંક રાજ્યોમાં તેમની સરકાર પણ છે. જે પક્ષની જેવી તાકાત તેવી ખંડણી તેણે ઉદ્યોગપતિઓ, વેપારીઓ, માફિયાઓ, બિલ્ડરો, કૌભાંડકારો, દેશદ્રોહીઓ અને કદાચ આતંકવાદીઓ પાસેથી પણ ખંખેરી છે.
શાસક પક્ષ માટે તો ખંડણી ઉઘરાવવા માટેનું સૌથી શક્તિશાળી હથિયાર સીબીઆઈ, આઈટી, ઇડી વગેરે સંસ્થાઓ બની ગઈ છે. ચૂંટણી બોન્ડના જે ટોચના પાંચ ખરીદદારો છે, તે બધાને ત્યાં પહેલાં દરોડાઓ પાડવામાં આવ્યા હતા; પછી તેમની પાસેથી ચૂંટણી બોન્ડના માધ્યમથી અબજો રૂપિયા બળજબરીથી વસૂલ કરવામાં આવ્યા હતા. ચૂંટણી બોન્ડ વતી દાન આપનારી કંપનીઓની યાદીમાં કેટલીક બેનામી કંપનીઓનાં નામો પણ વાંચવા મળે છે, જેમની રચના કરચોરી માટે કરવામાં આવતી હોય છે. આ શેલ કંપનીઓ અંબાણી અને અદાણી જેવા ઉદ્યોગપતિઓની પણ હોઈ શકે છે, કારણ કે તેમનાં નામો ભેદી રીતે ચૂંટણી બોન્ડ ખરીદનારા ધનકુબેરોની યાદીમાં નથી. ચૂંટણી બોન્ડના માધ્યમથી વિદેશી કંપનીઓ દ્વારા રાજકીય પક્ષોને દાન આપવામાં આવ્યું છે.
આ રીતે વિદેશી કંપનીઓને ભારતના રાજકીય પક્ષોને ખરીદવાની સગવડ કરી દેવામાં આવી હતી. ચૂંટણી બોન્ડ ખરીદનારી એક કંપની તો પાકિસ્તાની છે. જે ડેટા છૂપાવી રાખવામાં આવ્યો છે તે બહાર પડે તો દેશમાં રાજકીય ધરતીકંપ આવી શકે છે. સુપ્રીમ કોર્ટના ઠપકા પછી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ વિગતો રજૂ કર્યાના દિવસો બાદ ચૂંટણી પંચે રાજકીય દાન આપવા માટે ચૂંટણી બોન્ડ ખરીદનારી સંસ્થાઓની યાદી બહાર પાડી તેમાં ફ્યુચર ગેમિંગ એન્ડ હોટેલ સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપની દ્વારા સૌથી વધુ દાન આપવામાં આવ્યું હતું, જે લોટરી કિંગ તરીકે ઓળખાતા સેન્ટિયાગો માર્ટિન દ્વારા સંચાલિત છે.
ફ્યુચર ગેમિંગ એન્ડ હોટેલ સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડે ૨૦૧૯ અને ૨૦૨૪ વચ્ચે ૧,૩૬૮ કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. આ કંપનીને રાજકીય પક્ષો પર પ્રેમ નહોતો ઉભરાઈ આવ્યો, પણ તેના પર દરોડા પાડીને, તેના માલિકને ડરાવી, ધમકાવીને આ દાન પડાવવામાં આવ્યું હતું. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ૨૦૧૯ થી PMLA કાયદાના કથિત ઉલ્લંઘન માટે કંપનીની તપાસ કરી રહ્યું છે. તેઓએ મે ૨૦૨૩ માં કોઈમ્બતુર અને ચેન્નાઈમાં આ કંપનીની ઓફિસો પર દરોડા પાડ્યા હતા. EDની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનની ચાર્જશીટ પર આધારિત છે, જેમાં કંપનીએ કેરળમાં સિક્કિમ સરકારની લોટરી વેચી હોવાનો આક્ષેપ કર્યો હતો.
એજન્સીએ માર્ટિન અને તેની કંપનીઓ પર એપ્રિલ ૨૦૦૯ થી ઓગસ્ટ ૨૦૧૦ દરમિયાન ઈનામ વિજેતા ટિકિટના દાવાને વધારવાને કારણે સિક્કિમને ૯૧૦ કરોડ રૂપિયાની ખોટ કરવાનો આરોપ મૂક્યો હતો. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તમિલનાડુના કોઇમ્બતુરમાં લોટરી કિંગ તરીકે ઓળખાતા સેન્ટિયાગો માર્ટિનની રૂ.૧૧૯ કરોડની કિંમતની અસ્થાયી સ્થાવર મિલકતો જપ્ત કરી હતી. માર્ટિન દ્વારા શાસક પક્ષને અબજો રૂપિયાની ખંડણી ચૂકવાયા પછી તેનાં બધાં પાપો ધોવાઈ ગયાં હતાં.
ચૂંટણી પંચે SBI દ્વારા આપવામાં આવેલા ઈલેક્ટોરલ બોન્ડની માહિતી બે ભાગમાં રાખી છે. ચૂંટણી સંસ્થાના ડેટા અનુસાર, જે કંપનીઓએ ઈલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા છે તેમાં ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ, મેઘા એન્જિનિયરિંગ, પિરામલ એન્ટરપ્રાઈઝ, ટોરેન્ટ પાવર, ભારતી એરટેલ, ડીએલએફ કોમર્શિયલ ડેવલપર્સ, વેદાંતા લિમિટેડ, એપોલો ટાયર્સ, લક્ષ્મી મિત્તલ, એડલવાઈસ, પીવીઆર, કેવેન્ટર, સુલા ડબલ્યુ. , વેલસ્પન અને સન ફાર્મા. ખાસ વાત એ છે કે ઈલેક્ટોરલ બોન્ડ ખરીદનારી કંપનીઓમાં અદાણી, ટાટા અને અંબાણીની કંપનીઓ સામેલ નથી.
જાણકારો કહે છે કે ચૂંટણી પંચ દ્વારા કુલ આશરે ૧૬ હજાર કરોડના દાન પૈકી ૧૨ હજાર કરોડ રૂપિયાની વિગતો જ જાહેર કરવામાં આવી છે. જે ચાર હજાર કરોડ રૂપિયાની વિગતો જાહેર કરવામાં નથી આવી, તેમાં અંબાણી અને અદાણી કે તેમની શેલ કંપનીનાં નામો હોઈ શકે છે. ચૂંટણી પંચ દ્વારા બોન્ડના નંબરો પણ જાહેર કરવામાં આવ્યા નથી. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ આ નંબરો જાહેર કરવામાં આવશે ત્યારે ક્યા ધનકુબેર દ્વારા ક્યા પક્ષને ખંડણી ચૂકવવામાં આવી છે તે પણ બહાર આવશે.
રિપોર્ટર્સ કલેક્ટિવે એક અહેવાલમાં ધડાકો કર્યો છે કે રિલાયન્સ સાથે જોડાયેલી કંપની ક્વિક સપ્લાય ચેઈન પ્રાઈવેટ લિમિટેડે ચૂંટણી બોન્ડ દ્વારા રાજકીય પક્ષોને ૪૧૦ કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું, જેને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા ગેરબંધારણીય જાહેર કરવામાં આવ્યું છે. ટોચની ૩૦ કંપનીઓમાંથી ૧૫ કરતાં વધુ કંપનીઓની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED), સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) અને આવકવેરા વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી હતી. કેન્દ્રીય એજન્સીઓ દ્વારા તપાસ કરાયેલી કંપનીઓમાં ફ્યુચર ગેમિંગ એન્ડ હોટેલ સર્વિસ, મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ, હલ્દિયા એનર્જી લિમિટેડ, વેદાંતા લિમિટેડ, યશોદા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, ડીએલએફ કોમર્શિયલ ડેવલપર્સ લિમિટેડ, જિંદાલ સ્ટીલ એન્ડ પાવર લિમિટેડ, ચેન્નાઈ ગ્રીનવુડ્સ પ્રાઈવેટ લિમિટેડનો સમાવેશ થાય છે.
ડૉ રેડ્ડીઝ લેબોરેટરીઝ લિમિટેડ, IFB એગ્રો લિમિટેડ, NCC લિમિટેડ, Divi S લેબોરેટરી લિમિટેડ, યુનાઈટેડ ફોસ્ફરસ ઈન્ડિયા લિમિટેડ અને અરબિંદો ફાર્માનો સમાવેશ થાય છે. અરબિંદો ફાર્મા કંપની તો દિલ્હીના લિકર કૌભાંડમાં સંડોવાયેલી હતી. આ કૌભાંડમાં તેના ડિરેક્ટર પી. સરથ રેડ્ડીની ધરપકડ પણ કરવામાં આવી હતી. તેમની ૪૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવી હતી. તેમણે ૫૨ કરોડ રૂપિયાના ચૂંટણી બોન્ડ ખરીદ્યા તે પછી તે કંપનીના ડિરેક્ટરનું નામ આરોપીની યાદીમાંથી હટાવી તેમને તાજના સાક્ષી બનાવી દેવાયા હતા. જો આવા તમામ કિસ્સાઓની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો ઘણા રાજકારણીઓ જેલમાં ધકેલાઈ જાય તેમ છે.
પાંચ વર્ષ પહેલાં મહારાષ્ટ્રના તત્કાલિન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એક કંપનીને રૂ. ૨૮૫ કરોડનો પ્રોપર્ટી ટેક્સ ભરવામાંથી મુક્તિ આપી હતી. ચૂંટણી પંચે ગઈ કાલે રાત્રે ઈલેક્ટોરલ બોન્ડ્સ પર એસબીઆઈના ડેટા જાહેર કર્યા પછી, હવે આપણે જાણીએ છીએ કે તે જ કંપનીએ ૭ મે, ૨૦૧૯ થી ૧૦ જાન્યુઆરી, ૨૦૨૪ સુધી રૂ. ૧૮૫ કરોડના ઈલેક્ટોરલ બોન્ડ્સ ખરીદ્યા હતા. ટોરન્ટ જૂથના અધ્યક્ષ એમેરિટસ સુધીર મહેતાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નજીકના માનવામાં આવે છે. તેઓ જૈન તીર્થોનો વહીવટ કરતી શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના ટ્રસ્ટી પણ છે.
સુધીર મહેતા દ્વારા જૈન તીર્થોને જેટલું દાન નહીં આપવામાં આવ્યું હોય તેનાથી વધુ દાન રાજકીય પક્ષોને આપવામાં આવ્યું છે. ચૂંટણી બોન્ડ ખરીદનારી કંપનીઓની યાદીમાં અદાર પૂનાવાલાની સિરમ ઇન્સ્ટિટ્યૂટનું નામ પણ છે. તેણે ૫૨ કરોડ રૂપિયાના બોન્ડ ખરીદ્યા હતા. કેન્દ્ર સરકાર દ્વારા સિરમ ઇન્સ્ટિટ્યૂટ પાસેથી અબજો રૂપિયાની કોરોના વેક્સિન ખરીદવામાં આવી હતી. ભારતીયોને કોરોનાથી બચાવવાના નામે સરકાર દ્વારા મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.