સાપુતારા : (Saputara) ડાંગ જિલ્લાનાં કથિત છઠ્ઠા રાજવી ગનસુરાવ ગટુજી પવારે ડાંગ જિલ્લામાં ચૂંટણી (Dang Election) ગેરબંધારણીય જણાવી પોસ્ટરો (Poster) મૂકી વિરોધનો સુર વ્યક્ત કર્યો હતો. ડાંગ જિલ્લાનાં ડોન જાગીર પ્રાંત જયતાપુર સૂબા ખાનદેશનાં કથિત છઠ્ઠા રાજવીની માંગણીઓનો તંત્ર દ્વારા કોઈ ઉકેલ નહીં આપતા આજે આ કથિત રાજવી અને ભાઈબંધો દ્વારા રાજ્યપાલને લેખિતમાં અરજી કરી હતી. ડાંગ સ્વતંત્ર રાજવીનું સ્ટેટ છે તથા જાહગીર નંબર 116 મુજબ ડાંગ જિલ્લામાં ચૂંટણી કરવી ગેરબંધારણીય ગુનાહિત બાબત છે. જેથી ચૂંટણીનાં વિરોધમાં આ કથિત રાજવી દ્વારા જાહેરાતનાં બોર્ડ બનાવી વઘઇ, આહવા, સુબિર, સાપુતારા, પીંપરી, ગલકુંડ શામગહાન, સાકર પાતળ ખાતે મુકવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી ગયો છે.
શ્રી મોગલશાહી સમ્રાટ રામ રાજ્ય સ્ટેટ ઓફ ખાનદેશ ઓરીજનલ કિંગ ઓફ ડાંગ, પૂર્વ રાજવી નવજી ખંડ નાઇક ભીલ રાજપૂત દરબાર સૂર્યવંશી અને ઠુન્યાજી બુધાજી નિળુસિંગ કિશનસિંગ નાઇક ભીલ રાજપૂત દરબાર સૂર્યવંશી, સ્ટેટ આંબાલા ડાંગનાં વારસદાર ઓરિજનલ રાજવી કિંગ ઓફ ડાંગ ગનસુરાવ ગટુજી પવાર નાઇક ભીલ રાજપૂત સૂર્યવંશી દરબાર (રહે મુ.ઉખાટિયા પો.ગલકુંડ તા.આહવા) અને શ્રી ડોન જાગીર પ્રાંત જયતાપુર સુબા ખાનદેશ જાહગીર નંબર ૧૧૬ જાહગીર જનરલ સ્ટેટ ઓફ ખાનદેશ સ્ટેટ મહારાષ્ટ્ર અને ગુજરાત ભારત ઇન્ડિયા દ્વારા આજે રાજ્યપાલને લેખિતમાં અરજી કરી જણાવ્યુ છે કે તા.26-10-2020નાં રોજ કલેક્ટર સહિત ઉચ્ચકક્ષાએ અમારી માંગણીઓનાં ઉકેલ સંદર્ભે પત્ર લખ્યો હતો. જેનો આજ સુધી તંત્ર તરફથી જવાબ મળ્યો નથી. તેઓએ જણાવ્યુ છે કે ડાંગ જિલ્લાનાં જંગલ જમીનમાં અમુક તત્વો મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરી ચોરી કરી રહ્યા છે. 1842-43નો જંગલ કરાર ખાનદેશ મહારાષ્ટ્ર કલેક્ટર દ્વારા આપેલો હતો. જેનો હિસાબ અમે માંગતા અમને એ પણ તંત્ર દ્વારા આપવામાં આવ્યો નથી. 2001નાં જંગલનો કોઈ કરાર કરવામાં આવ્યો નથી તેમ છતાં જંગલને નુકસાન કરવામાં આવી રહ્યુ છે. ડાંગનાં ગરીબ લોકો માટે તા.19-04-2021ની અરજીમાં રાજવી તરફથી આર્થિક સહાય આપવા માટે રૂ.2,21,52,000 અનામત ભંડોળોમાં જમા છે. તે માંગણી કરવામાં આવી છતાં તંત્ર દ્વારા કોઇ જવાબ આપ્યો નથી.
ડાંગ જિલ્લામાં ગેરકાયદેસર રીતે ચારથી પાંચ જણાને પેન્શન ચુકવણી કરવામાં આવે છે. જમાં કેટલાક ઇસમોને ડુપ્લિકેટ નામઠામ, ખોટા સરનામા પોલિટિકલ પેન્શન, સીટ બનાવી ડુપ્લિકેટ રાજાએ સહી કરી છે. અને કલેક્ટર ઓફિસમાં પોલિટિકલ પેન્શન સીટમાં તલાટી તથા મામલતદાર દ્વારા પણ સહી કરવામાં આવે છે. તેના જવાબદાર જિલ્લા કલેક્ટર છે. વધુમાં તેઓએ જણાવ્યુ છે કે જંગલ જમીન ધરાવતા ડાંગમાં અધિકારીઓ લૂંટફાટ કરી રહ્યા છે. તે બાબત ખૂબ ગેરબંધારણીય નમૂનો છે. જેથી જો યોગ્ય જવાબ આપવામાં નહી આવે તો આવનાર દિવસોમાં ડાંગ જિલ્લામાં ચૂંટણી કરવી ગેરબંધારણીય છે. જે મુદ્દાને લઈને ડાંગ જિલ્લાનાં વિવિધ વિસ્તારોમાં ચૂંટણી વિરોધમાં બેનર લગાવવાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે.