વિરપુર: મહિસાગર જિલ્લાની બાલાસિનોર, સંતરામપુર અને લુણાવાડા બેઠક પર ભાજપના ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યાં છે. આ ફોર્મ ભરતા પહેલા શોભાયાત્રા યોજવામાં આવી હતી. બાદમાં આચાર સંહિતના નિયમ મુજબ ગણતરીના કાર્યકરો અને ટેકેદારો સાથે ચૂંટણી અધિકારીને ફોર્મ સુપ્રત કર્યું હતું. બાલાસિનોર વિધાનસભા બેઠકમાં ભાજપના ઉમેદવાર માનસિંહ ચૌહાણ દ્વારા કાર્યકતા અને હોદ્દેદારો સાથે રાખી અંબે માતાના દર્શન કરી રેલી યોજી ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત પ્રદેશમાંથી નિરીક્ષક તરીકે આવેલા ડી. ડી. ચુડાસમા તેમજ મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ પ્રવાસી કાર્યકર્તાઓ તેમજ પૂર્વ ધારાસભ્ય રાજેશભાઈ પાઠક, પૂર્વ ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખ મુકેશભાઈ શુકલ, જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ કાળુસિંહ જે. સોલંકી, મહિલા મોરચાના ઉપપ્રમુખ જયાબેન ઠાકોર, મહામંત્રી જયેન્દ્ર બારોટ વિગેરે હાજર રહ્યાં હતાં.
સંતરામપુર વિધાનસભા પરથી ભાજપે ચાલુ સરકારના રાજ્ય કક્ષાના મંત્રી અને સંતરામપુર વિધાનસભાના ધારાસભ્ય ડો.કુબેરભાઈ ડીંડોરને રિપીટ કર્યા છે. કુબેરભાઈ દ્વારા પૂજા અર્ચના કરીને પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું છે. સંતરામપુરના પ્રતાપપુરા મેદાન ખાતે કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોર અને ભારતીય જનતા પાર્ટીના મહીસાગર જિલ્લા પ્રમુખ દશરથભાઈ બારીયા, મહામંત્રી સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સમર્થકોની હાજરીમાં રેલી યોજી પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા હતા. જ્યાં વિજય મુહૂર્તમાં ડો.કુબેરભાઈ ડીંડોરે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે. અને ફોર્મ ભરી કુબેરભાઈએ પોતાની જીતની આશંકા વ્યક્ત કરી છે.
મહીસાગર જિલ્લાની ત્રણ વિધાનસભા પૈકીની લુણાવાડા વિધાનસભા બેઠક પરથી જીજ્ઞેશભાઈ સેવકને ઉમેદવાર જાહેર કર્યા છે. તેઓએ શુભ મુર્હૂતમાં પ્રાંત કચેરી લુણાવાડા ખાતે પહોંચી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. તેઓએ ઉમેદવારી ફોર્મ ભર્યા પહેલા લુણાવાડા શહેર ખાતે પંચમહાલ લોકસભાના સાંસદ રતનસિંહ રાઠોડના અધ્યક્ષ સ્થાને સભા યોજી હતી. જેમાં મધ્ય પ્રદેશથી આવેલા પ્રવાસી કાર્યકર્તા રાયસિંગજી અને વિજયભાઈ આઠવલે, પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ પટેલ, મહામંત્રી પ્રદીપસિંહ રાઠોડ, મહંત અરવિંદગિરી, શહેર ભાજપ પ્રમુખ હિમાંશુભાઈ શાહ, લુણાવાડા પાલિકા પ્રમુખ ભાવનાબેન મહેતા, સહિત ભાજપના અગ્રણી આગેવાનો હાજર રહ્યાં હતાં. આ રેલી લુણાવાડા શહેરના ચરકોસીયા નાકા બસ સ્ટેશન ચાર રસ્તા થઈ વરધરી રોડ પર થઈને જિલ્લા સેવા સદન ખાતે પહોંચી હતી.
સંતરામપુરમાં આદિવાસી યુવકો અપક્ષ ઉમેદવારી નોંધાવવાના મુડમાં
સંતરામપુર વિધાનસભાની ચૂંટણીમાં કડાણા ને સંતરામપુરના બેરોજગાર 14 આદિવાસી સમાજના યુવાનો દ્વારા પોતાની અપક્ષ ઉમેદવારી નોંધાવવા માટે ઉમેદવારી ફોર્મ પ્રાંત અધિકારીથી મેળવીને ઉમેદવારીની તૈયારીઓ કરતા આ ચુંટણીમાં ગરમાવો આવી ગયો છે. આ આદિવાસી સમાજના યુવાનો કે જેઓ એલઆરડી, એસટી ડ્રાયવર, કંડક્ટર, નર્સ જેવી ભરતીમાં જાતિનાં દાખલાઓ સંદર્ભમાં તેનાં વેરીફીકેશનમાં વરસોથી અટવાયેલા છે. જેતી ભરતીથી વંચિત રહેલા હોવાથી જાતિનાં દાખલાઓના વેરીફીકેશનનો કોઈ નિર્ણય નહીં આવતાં અને ઉકેલ નહીં આવતાં હારી થાકીને સંતરામપુર વિધાનસભાની બેઠક માટે અપક્ષ ચુંટણી લડવા ઉમેદવારી ફોર્મ મેળવ્યું છે.
બોરસદમાં ભાજપના ઉમેદવાર રમણભાઈ સોલંકીએ ફોર્મ ભર્યું
બોરસદ વિધાનસભા ચૂંટણી માટે નિયુક્ત મુખ્ય ચુંટણી અધિકારી અને પ્રાંત અધિકારી બોરસદ સમક્ષ ઉમેદવારી કરનાર રમણભાઈ સોલંકીએ બોરસદ વિધાનસભા ચૂંટણી માટે સમર્થકો ટેકેદારો સાથે ઉમેદવારી નોંધાવી હતી. આણંદ લોકસભા સાસંદ મિતેષભાઈ પટેલ, આણંદ જીલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પરમાર, બોરસદ તાલુકાના ભાજપ પ્રમુખ વિજયસિંહ રાજ, જીલ્લા સંગઠનના કાર્યકારી પ્રમુખ મયુરભાઈ સુથાર, આણંદ જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પરમાર વગેરે હાજર રહ્યાં હતાં.
નડિયાદમાં કોંગ્રેસ તો ઠાસરામાં ભાજપ ઉમેદવારે ઉમેદવારી ફોર્મ ભર્યુ
નડિયાદમાં આજે કોંગ્રેસ ઉમેદવાર ધ્રુવલ સાધુભાઈ પટેલ દ્વારા શહેરના પારસ સર્કલથી રેલી કાઢી મુખ્ય બજારમાં તેમની બાઈક રેલી ફરી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં નડિયાદ વિધાનસભામાંથી લોકો ઉમટ્યા હતા. રેલી સંતરામ રોડ થઈ બસ સ્ટેન્ડ થઈ સ્ટેચ્યુ પાસે પહોંચી હતી. જ્યાં રેલી સમાપ્ત કરી કોંગ્રેસનું ડેલીગેટ નડિયાદ કલેક્ટર કચેરી સ્થિત પ્રાંત ઓફીસે પહોંચ્યુ હતુ. કોંગ્રેસ ઉમેદવાર ધ્રુવલ પટેલ પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલના આશીર્વાદ લઈ નીકળ્યા હતા. તેમના ફોર્મ ભરતા સમયે જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ માલસિંહ રાઠોડ, શહેર સમિતિ પ્રમુખ હાર્દિક ભટ્ટ સહિતના દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા. તો વળી, બીજીતરફ ઠાસરામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને અમૂલ ચેરમેન રામસિંહ પરમારના પુત્ર યોગેન્દ્રસિંહ પરમારે ઠાસરામાં એક સ્થળ પર જંગી સભા યોજી ત્યાં શક્તિ પ્રદર્શન કર્યુ હતુ. આ કાર્યક્રમમાં મુખ્ય દંડક પંકજ દેસાઈ, રામસિંહ પરમાર, નયનાબેન પટેલ સહિતના દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા, ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના ડેલીગેટ સાથે તેઓ ઠાસરા પ્રાંત કચેરી ખાતે પહોંચી પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યુ હતુ.