Columns

ચૂંટણી માથે છે ત્યારે ચૂંટણી કમિશનરનું રાજીનામું ભેદી જણાય છે

ભ્રષ્ટાચાર એ સામુદાયિક રોગ છે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ચૂંટણી કમિશનર અરુણ ગોયલે અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપીને બધાને ચોંકાવી દીધા છે. અરુણ ગોયલે શા માટે રાજીનામું આપ્યું? તે બાબતમાં જાતજાતના તર્કવિતર્કો ચાલી રહ્યા છે. હવે સમગ્ર ચૂંટણી વ્યવસ્થાની જવાબદારી મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર પર આવી ગઈ છે. અરુણ ગોયલના રાજીનામાનું સાચું કારણ હજુ સામે આવ્યું નથી પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર સાથે ગંભીર મતભેદો હતા. એ અલગ વાત છે કે સામાન્ય રીતે વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે કાયમ મતભેદો ચાલતા હોય છે, પરંતુ ૬ અને ૭ માર્ચે ચૂંટણી કમિશનમાં વાતાવરણ થોડું અલગ હોય તેવું લાગ્યું હતું. આ બે દિવસોમાં કંઈક ખૂબ જ ગંભીર બન્યું છે, જેના કારણે અરુણ ગોયલે તેમની ચાર વર્ષની સેવાને બરબાદ કરી દીધી છે.

અરુણ ગોયલ જો રિટાયર ન થયા હોત તો આગામી ચાર વર્ષમાં બે વર્ષથી વધુ સમય માટે મુખ્ય ચૂંટણી કમિશનરનું પદ સંભાળવાના હતા. ૮ માર્ચે કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા ચૂંટણી કચેરીમાં આવ્યા હતા. અજય ભલ્લાએ મોટા ભાગનાં રાજ્યોમાં ચૂંટણી તૈયારીઓની સમીક્ષા કર્યા પછી સામાન્ય ચૂંટણી દરમિયાન સુરક્ષા દળોની તૈનાતી અને હિલચાલની યોજનાની તપાસ કરી હતી.

અરુણ ગોયલ તે બેઠકમાં પણ ગેરહાજર હતા. તે બેઠકમાં ગૃહ સચિવ અને અન્ય અધિકારીઓ સાથેની ચર્ચામાં રાજીવ કુમાર સાથે અન્ય નીચા રેન્કિંગના ઉચ્ચ અધિકારીઓ હાજર હતા. તેમાં જે કોઈ નિર્ણયો લેવામાં આવ્યા તેને કારણે અરુણ ગોયલને રાજીનામું આપવાની ફરજ પડી હતી. સ્વૈચ્છિક નિવૃત્તિના બીજા જ દિવસે ચૂંટણી કમિશનર બનવું અને હવે સ્વેચ્છાએ રાજીનામું આપવાનું અરુણ ગોયલનું આ પગલું પણ તેમના સ્વભાવના અગાઉના રેકોર્ડને અનુરૂપ જણાય છે. લગભગ ૪૦ વર્ષની અમલદારશાહીમાં અરુણ ગોયલ ક્યાંય લાંબો સમય ટક્યા નહોતા. અરુણ ગોયલની નિમણૂક વિવાદાસ્પદ હતી તેમ તેમની વિદાય પણ ભેદી જણાય છે.

અરુણ ગોયલ પંજાબ કેડરના ૧૯૮૫ બેચના IAS અધિકારી છે. તેમણે નવેમ્બર ૨૦૨૨માં ચૂંટણી કમિશનર તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તેમણે ૧૮ નવેમ્બરે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી અને એક દિવસ પછી તેમની ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તેમણે ૨૧ નવેમ્બરે ચાર્જ સંભાળ્યો હતો. અરુણ ગોયલ ફેબ્રુઆરી ૨૦૨૫ માં વર્તમાન રાજીવ કુમારના કાર્યકાળના અંત પછી આગામી મુખ્ય ચૂંટણી કમિશનર બનવાની લાઇનમાં હતા. અગાઉ અરુણ ગોયલ દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટીના વાઇસ ચેરમેન હતા.

તેઓ શ્રમ અને રોજગાર મંત્રાલયમાં અધિક સચિવ અને નાણાંકીય સલાહકાર પણ હતા. તેમણે કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયમાં પણ કામ કર્યું છે. ચૂંટણી પંચમાં અરુણ ગોયલનો કાર્યકાળ ડિસેમ્બર ૨૦૨૭ સુધીનો હતો. અનૂપ પાંડેની નિવૃત્તિ અને અરુણ ગોયલના રાજીનામા પછી હવે ત્રણ સભ્યોની ચૂંટણી પંચની પેનલમાં માત્ર મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર રહ્યા છે. અરુણ ગોયલની નિમણૂકને લઈને પણ હોબાળો થયો હતો. અરુણ ગોયલની નિમણૂકને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી. આ મામલે મોટી ટિપ્પણી કરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અરુણ ગોયલની નિમણૂક સરકાર દ્વારા ઉતાવળમાં કરવામાં આવી હતી અને તેમનો કાર્યકાળ બે વર્ષથી વધુ હોવો જોઈએ.

ચૂંટણી કમિશનરપદેથી અરુણ ગોયલના રાજીનામાંના એક દિવસ બાદ કોંગ્રેસે પૂછ્યું કે શું તેમણે મુખ્ય ચૂંટણી કમિશનર અથવા નરેન્દ્ર મોદી સરકાર સાથે કોઈ મતભેદને કારણે આ પગલું ભર્યું છે? કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે પૂછ્યું હતું કે શું અરુણ ગોયલે અંગત કારણોસર રાજીનામું આપ્યું છે કે પછી કોલકત્તા હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અભિજિત ગંગોપાધ્યાયની જેમ તેમણે ભાજપની ટિકિટ પર લોકસભાની ચૂંટણી લડવા માટે રાજીનામું આપ્યું છે? \ ભારતમાં ચૂંટણીમાં પારદર્શિતા માટે કામ કરતી સંસ્થા ADRના સભ્ય જગદીપ ચોકર કહે છે કે “ચૂંટણી કમિશનર માટે અસ્પષ્ટ સંજોગોમાં રાજીનામું આપવું સામાન્ય નથી.

આ એક અસામાન્ય બાબત છે, જેનાં વાસ્તવિક કારણો ભાગ્યે જ જાણી શકાય છે. અમને ખબર નથી કે તેમના રાજીનામાનાં અંગત કારણો શું છે? ચૂંટણી પંચમાં તેમનાં મંતવ્યો સાંભળવામાં નથી આવ્યાં તે પણ એક અંગત કારણ હોઈ શકે છે.’’વરિષ્ઠ પત્રકાર હેમંત અત્રીનું પણ કહેવું છે કે અરુણ ગોયલનું રાજીનામું સામાન્ય નથી. અરુણ ગોયલ ખૂબ જ મહત્ત્વાકાંક્ષી વ્યક્તિ હતા. ચૂંટણી કમિશનર બનતાં પહેલાં તેઓ એક હાઈ પ્રોફાઇલ અધિકારી હતા. તેમના કાર્યકાળમાં હજુ લગભગ ચાર વર્ષ બાકી છે, તેથી તેમનું અચાનક રાજીનામું સામાન્ય નથી. એવું લાગે છે કે અરુણ ગોયલના માત્ર મુખ્ય ચૂંટણી કમિશનર સાથે જ નહીં, પરંતુ સરકાર સાથે પણ મતભેદો હતા.

ભારતના ચૂંટણી પંચમાં મુખ્ય ચૂંટણી કમિશનર ઉપરાંત બે ચૂંટણી કમિશનર પણ હોય છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર હાલમાં એકલા પડી ગયા છે. ચૂંટણી કમિશનર અરુણ ગોયલે રાજીનામું આપી દીધું છે જ્યારે અન્ય ચૂંટણી કમિશનર અનુપ પાંડે ગયા ફેબ્રુઆરીમાં નિવૃત્ત થયા હતા. દેશમાં એપ્રિલ-મે મહિનામાં સામાન્ય ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. ચૂંટણી પંચનાં સૂત્રોએ દાવો કર્યો હતો કે ટૂંકમાં ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે. આવી સ્થિતિમાં ચૂંટણી પંચમાં બંને ચૂંટણી કમિશનરની ખાલી જગ્યાઓ ચૂંટણી પર અસર કરી શકે છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે ચૂંટણી કમિશનરની નિમણૂક સંબંધિત કાયદામાં સુધારો કર્યો હતો.

સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ચૂંટણી કમિશનરની નિમણૂક માટેની પેનલમાં વડા પ્રધાન, વિપક્ષના નેતા અને ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયાનો સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ કેન્દ્ર સરકારે સંસદમાં બિલ પસાર કરીને તેમાં સુધારો કર્યો હતો. નવા કાયદા મુજબ પેનલમાંથી ચીફ જસ્ટિસને દૂર કરવામાં આવ્યા છે અને તેમના સ્થાને પ્રધાનમંડળના કોઈ સભ્યની નિમણૂક કરવામાં આવી છે. જો વિપક્ષના નેતા સરકારથી વિરુદ્ધ મત વ્યક્ત કરે તો બહુમતી દ્વારા તેમના મતની અવગણના કરી શકાય તે માટે ચીફ જસ્ટિસના સ્થાને પ્રધાનમંડળના સભ્યને સ્થાન આપવામાં આવ્યું છે. હવે જ્યારે બે નવા ચૂંટણી કમિશનરોની નિમણૂક કરવામાં આવશે ત્યારે આ સુધારો બરાબર કામ લાગશે.

કાયદા મંત્રાલયના એક નોટિફિકેશનમાં જણાવાયું છે કે ૯ માર્ચે અરુણ ગોયલનું રાજીનામું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્વીકારી લીધું છે. હવે કાયદા મંત્રી અને બે કેન્દ્રીય સચિવોની બનેલી સર્ચ કમિટી કમિશનર માટે પાંચ નામો પસંદ કરશે. આ પછી વડા પ્રધાનની અધ્યક્ષતામાં પસંદગી સમિતિ અંતિમ ઉમેદવારની પસંદગી કરશે. ભૂતપૂર્વ ચૂંટણી કમિશનર અશોક લવાસાને ૨૦૧૯ની ચૂંટણી દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આદર્શ આચારસંહિતાના કથિત ઉલ્લંઘન અંગે અસંમતિ વ્યક્ત કર્યા પછી મોદી સરકાર તરફથી કથિત સતામણીનો સામનો કર્યા પછી આ નવો વિવાદ થયો છે.

પરિસ્થિતિ પર ગંભીર ચિંતા વ્યક્ત કરતાં કોંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલે ભારતના ચૂંટણી પંચની કામગીરી અને સરકાર દ્વારા કરવામાં આવેલા સ્પષ્ટ દબાણ પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. વેણુગોપાલે ચૂંટણી પંચ જેવી બંધારણીય સંસ્થાઓમાં નિર્ણાયક ચૂંટણી પ્રક્રિયાઓ દરમિયાન પારદર્શિતાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે વિશ્વની સૌથી મોટી લોકશાહીના સ્વાસ્થ્ય માટે અત્યંત ચિંતાજનક છે કે ચૂંટણી કમિશનર અરુણ ગોયલે લોકસભાની ચૂંટણી પહેલાં જ રાજીનામું આપી દીધું છે. ચૂંટણી પંચ જેવી બંધારણીય સંસ્થા જે રીતે કામ કરી રહી છે અને સરકાર તેમના પર જે રીતે દબાણ લાવે છે તેમાં પારદર્શિતા નથી.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top