Editorial

મલાઇદાર મંત્રાલયો માટે એકનાથ શિંદે ભાજપ પર પ્રેશર ટેકનિક અપનાવી રહ્યાં છે

વિધાનસભા ચુંટણીમાં મહાયુતી ગઠબંધનની જીત બાદ મુખ્ય પ્રધાન મુદ્દે લાંબા સમય સસ્પેન્સ રહ્યું હતું. જો કે ભાજપના દેવેન્દ્ર ફડણવીસે મુખ્ય પ્રધાન તરીકે શપથ ગ્રહણ કરી લીધા છે ઉપરાંત શિવસેનાના એકનાથ શિંદે (અને નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના અજીત પવારે  નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતાં. ત્યાર બાદ હવે ખાતાઓની ફાળવણી વિષે સસ્પેન્સ બન્યું છે. એવમાં દેવેન્દ્ર ફડણવીસે એક નિવેદનમાં ગૃહ ખાતા અંગે મોટા સંકેત આપ્યા હતાં, જેને કારણે એકનાથ શિંદે નારાજ થઇ શકે છે.

દેવેન્દ્ર ફડણવીસે ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેના વખાણ કર્યા હતાં. તેમણે કહ્યું કે તેઓ એવા નેતા છે જે ધીરજથી નિર્ણય લે છે અને ઘણું સમજી વિચારીને જ નિર્ણય લે છે. આ ઉપરાંત તેમણે લડકી બહિન સ્કીમ શરૂ કરવાનો શ્રેય પણ એકનાથ શિંદેને આપ્યો હતો. જો કે, તેમની એક ટીપ્પણીએ ગૃહ વિભાગની માંગ કરી રહેલા એકનાથ શિંદેની ચિંતા પણ વધારી દીધી. શપથ લીધા બાદ આપેલા ઈન્ટરવ્યુમાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ગૃહ વિભાગ હંમેશા અમારી સાથે રહ્યું છે.

આ રીતે દેવેન્દ્ર ફડણવીસે એકનાથ શિંદેને આ સંકેત આપ્યો હતો કે ભાજપ ગૃહ મંત્રાલય પર પોતાનો દાવો છોડશે નહીં.નોંધનીય છે કે મુખ્ય પ્રધાન પદ બાદ ગૃહ પ્રધાનનું પદ સૌથી મહત્વનું માનવામાં આવે છે. અગાઉની એકનાથ શિંદેની આગેવાની હેઠળની સરકારમાં દેવેન્દ્ર ફડણવીસ ગૃહ પ્રધાન હતાં. અહેવાલ મુજબ નવી સરકારમાં પણ ભાજપ ગૃહ વિભાગ પોતાની પાસે રાખવા ઈચ્છે છે. બીજી તરફ એકનાથ શિંદે હજુ પણ ગૃહ વિભાગ માટે લોબિંગમાં વ્યસ્ત છે.

શપથ ગ્રહણ સમારોહ બાદ એકનાથ શિંદે અમિત શાહને મળ્યા હતા. અહેવાલો મુજબ આ દરમિયાન તેમણે વિભાગોની વહેંચણીમાં શિવસેનાને મહત્વ આપવાની માંગ કરી હતી. આવી સ્થિતિમાં, ફડણવીસની ટિપ્પણી મહત્વપૂર્ણ છે કે ગૃહ મંત્રાલય હંમેશા ભાજપ પાસે રહ્યું છે. એકનાથ શિંદેની સરકારમાં ડેપ્યુટી સીએમ રહીને તેઓ પોતે ગૃહ વિભાગ સંભાળતા હતા. હવે એકનાથ શિંદેનું કહેવું છે કે જો તેઓ આ જ ફોર્મ્યુલા હેઠળ ડેપ્યુટી સીએમ બની રહ્યા છે તો તેમને ગૃહ વિભાગ આપવામાં આવે.

આ સાથે દેવેન્દ્ર ફડણવીસે વિભાગોની ફાળવણી છેલ્લી તારીખ પણ આપી દીધી છે. તેમણે કહ્યું કે 16 ડિસેમ્બર સુધીમાં ફાળવણી કરવામાં આવશે. ફડણવીસે કહ્યું કે એકનાથ શિંદે અને અજિત પવાર સાથે મળીને અમે ઘણી બાબતો નક્કી કરી છે. કોઈ મતભેદ નથી અને ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.અસલમાં ઘણી સમજાવટ બાદ શિંદે ડેપ્યુટી સીએમ બને તેવી ચર્ચા છે. પરંતુ તેઓ આ સાથે ગૃહ વિભાગ પોતાની પાસે રાખવા માંગે છે. મળતી માહિતી મુજબ શિવસેનાના વિધાયકોનું તેમના પણ દબાણ છે કે ગૃહ વિભાગ  કોઈ પણ સંજોગોમાં શિવસેના પાસે રહે. વિધાયકોનો એવો તર્ક છે કે શિંદે પહેલા મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને આવામાં ડેપ્યુટી સીએમ પદ સાથે ગૃહ વિભાગ ન મળવું એ તેમના પ્રભાવને એક પ્રકારે ઓછો કરવા જેવો છે.

પહેલા શિંદે તેના પર રાજી થઈ ગયા હતા પરંતુ વિધાયકોના દબાણમાં તેમણે ફરીથી ગૃહ વિભાગની માંગણી દોહરાવી. આ બધા વચ્ચે બુધવારે દેવેન્દ્ર ફડણવીસે શિંદે જોડે તેમના અધિકૃત નિવાસ સ્થાન વર્ષા પર મુલાકાત કરી. 40 મિનિટની વાતચીતમાં ફડણવીસે  તેમને ખાતરી અપવવાની કોશિશ કરી કે તેમની માંગણી પર પાર્ટી નેતૃત્વ જોડે વિચાર કરવામાં આવશે. મહાયુતિમાં વિભાગોની ફાળવણી લગભગ નક્કી છે. પરંતુ ગૃહ વિભાગ કોની પાસે રહેશે તે શપથ ગ્રહણ પહેલા જ કદાચ નક્કી થઈ શકશે. મળતી માહિતી મુજબ ભાજપ પાસે 20-22, શિવસેનાને 10-12 અને એનસીપીને 8-10 પોર્ટફોલિયો મળી શકે છે. ગૃહ વિભાગ ભાજપ પાસે રહે તેવી શક્યતા છે. પરંતુ શિંદે તેને છોડવા માટે તૈયાર નથી. જો કે, સૂત્રો એવું પણ જણાવી રહ્યાં છે કે, વાત ફક્ત ગૃહમંત્રાલય પૂરતી સિમિત નથી.

શિવસેનાની નજર શહેરી વિકાસ મંત્રાલય અને નાણા મંત્રાલય ઉપર પણ છે. હવે જો ગૃહ, શહેરી વિકાસ અને નાણા એમ ત્રણેય મંત્રાલય જો શિવસેના પાસે ચાલ્યા જાય તો ભાજપ અને એનસીપીની હાલત ઘરના છોકરા ઘંટી ચાંટે અને પડોશીને આટો જેવી થઇ જાય તેમ છે. આ જ કારણસર એકનાથ શિંદે સહયોગી પાર્ટી ઉપર પ્રેશર બનાવી રહ્યાં છે. આ જ કારણસર મહાયુતિની મહાજીત પછી પણ માત્ર મુખ્યમંત્રી અને બે ઉપમુખ્યમંત્રી જ બની શક્યા છે. બીજા એક પણ મંત્રાલયની જાહેરાત કરવામાં આવી નથી. જો કે 10 દિવસની અંદર બધુ થાળે પડી જશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે પરંતુ આ ગાંઠ એક વખત પડી ગઇ તો તે છેલ્લે સુધી રહેવાની છે તેમાં કોઇ જ બે મત નથી.

શિવસેના ઇચ્છે છે કે તેના એક ડઝનથી વધુ ધારાસભ્યો મંત્રી બને. જેથી કરીને તમામ ધારાસભ્યોને ખુશ રાખી શકાય. શિવસેના કેમ્પના અન્ય ધારાસભ્ય ખુશ છે કારણ કે તેમની પાર્ટી સતત બીજી વખત સરકારનો ભાગ બનવા જઈ રહી છે. બીજી બાજુ, કેટલાક ધારાસભ્યોનું માનવું છે કે જો એકનાથ શિંદે વધુ થોડા દિવસો સુધી સીએમ રહ્યા હોત, તો તેનાથી પાર્ટીનું મનોબળ વધ્યું હોત અને સ્થાનિક એકમોની ચૂંટણીમાં પાર્ટીનું પ્રદર્શન સારું રહ્યું હોત.

જો કે શિવસેનાના સૂત્રોનું માનીએ તો આ વખતે તમામ નવા ચહેરાઓને કેબિનેટમાં સામેલ કરવામાં આવશે. કેટલાક ચહેરા એવા છે જેઓ પહેલીવાર ધારાસભ્ય બન્યા છે. આવી સ્થિતિમાં તેમને લઈને બહુ મુશ્કેલી નથી, પરંતુ એવા ધારાસભ્યો કે જેઓ સિનિયર છે અને ક્યારેય કેબિનેટનો ભાગ નથી રહ્યા, તેઓ આ વખતે મંત્રી પદ માટે લોબિંગ કરી રહ્યા છે. કેટલાક એમએલસી એવા પણ છે જેઓ સતત એમએલસી બન્યા પછી પોતાને કેબિનેટમાં સામેલ કરવા ઇચ્છે છે.

Most Popular

To Top