એક બૌદ્ધ ભિખ્ખુ હતા તેમને પોતાના જ્ઞાન અને ધ્યાન કરવાની શક્તિ પર બહુ ગર્વ હતો એક દિવસ તેમને જાહેર કર્યું કે ‘મેં બધું જ જ્ઞાન મેળવી લીધું છે હવે મને લાગતું નથી કે મારે જીવનમાં કઈ શીખવાનું કે જાણવાનું બાકી હોય અને મને સમજાય ગયું છે કે આ જીવન સાવ નકામું છે તેનો કોઈ અર્થ નથી અર્થ છે માત્ર ભગવાનની અનુભૂતિ કરવામાં અને એટલે આજથી હું માત્ર અને માત્ર ધ્યાન કરીશ અને ઈશ્વરની અનુભૂતિ થશે પછી જ પાછો ફરીશ.’
હવે બૌદ્ધ ભિખ્ખુ દુર પર્વતમાં જંગલોની વચ્ચે આવેલી એક ગુફામાં બેસીને ધ્યાન કરવા લાગ્યા તેમના મનમાં હતું કે હું તો એટલી એકાગ્રતાથી ધ્યાન લગાવું છું કે મને તો ઈશ્વરની અનુભૂતિ જલ્દી જ થશે. બધું નકામું છે તે સમજીને બધું છોડીને હું અહીં ધ્યાન કરવા આવી ગયો છું અને એટલે મને તો ચોક્કસ ભગવાનનો પ્રકાશ દેખાશે જ. બૌદ્ધ ભિખ્ખુ ધ્યાનમાં બેસી ગયા…દિવસો વીત્યા ..મહિનાઓ વીત્યા …વર્ષો વીત્યા લગભગ ચાર વર્ષ પસાર થઇ ગયા પણ બૌદ્ધ ભિખ્ખુણે કોઈ ઈશ્વરીય સંકેત ન મળ્યો કે ન કોઈ અનુભૂતિ થઇ.
આખરે થાકીને તે ગુફાની બહાર આવી ગયા અને પોતાના જીવનના આટલા વર્ષો નકામા ગયા તેમ વિચારતા તેઓ નિરાશ થઈને દિશાહીન ચાલી રહ્યા હતા પણ કયા જવું અને શું કરવું કઈ સમજાતું ન હતું. આગળ રસ્તામાં તેમને એક ઘાયલ કુતરી જોઈ તેને પગમાં ઘા પડ્યો હતો અને ઘા ને લીધે પગ સડવા લાગ્યો હતો, કુતરી ચાલી શકતી ન હતી અને એકદમ અસહાય બની બેઠી હતી.બૌદ્ધ ભિખ્ખુના મનમાં કરુણા જન્મી તેઓ કૂતરીની પાસે ગયા તેને સાચવીને ઊંચકી, એક ઝાડ નીચે બેસાડી પાણી લાવી તેનો ઘા સાફ કર્યો અને પોતાની જાણકારી મુજબ ઔષધીય પાંદડા શોધી લેપ બનાવી તેના ઘા પર લગાડ્યો તેને માટે ખાવાનું શોધી લાવ્યા.અને કુતરીને ખવડાવીને પછી તેની બાજુમાં બેઠા ત્યાં તો ચારે બાજુ પ્રકાશ ફેલાયો અને ઈશ્વરીય અનુભૂતિ તેમને થઇ.
ભિખ્ખુ અવાચક થઇ ગયા…અરે વાહ ઈશ્વરીય અનુભૂતિ …આટલા વર્ષો ન થઇ અને હવે થઇ…. ત્યાં પ્રકાશમાંથી અવાજ આવ્યો આટલા વર્ષો તારા મનમાં જ્ઞાન અને ધ્યાનનો અહંકાર હતો કે હું બધું સમજી ગયો છું અને હું ધ્યાન કરીશ એટલે મને અનુભૂતિ થશે જ ….આજે તે અહંકાર કરુણામાં ફેરવાયો અને જયારે મનમાં અહંકાર ભૂલીને તે નિ:સહાય કૂતરીની સેવા કરી ત્યારે અહંકારની જગ્યા પ્રેમ અને કરુણાએ લીધી અને મારો પ્રકાશ તને દેખાયો.હું તો હંમેશથી તારી અંદર જ હતો પણ તારે અંદર જોવું ન હતું અને હું ધ્યાન તપ કરીશ એટલે મને તો ભગવાન દેખાશે જ તેવું તારું ઘમંડ હતું તે દુર થયું એટલે હું તને દેખાયો.– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.