તૌકતે વાવાઝોડા (Cyclone Tauktae) થી માત્ર સૌરાષ્ટ્રના જિલ્લાઓ જ પ્રભાવિત છે એવુ નથી, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે આવેલા જિલ્લાઓ પર પણ વાવાઝોડાની મોટી અસર દેખાઈ છે. અહી વલસાડ, વાપી, નવસારી સહિતના જિલ્લાઓમાં ભારે પવન સાથે ભારે વરસાદ નોંધાયો છે. તૌકતે વાવાઝોડા (cyclone) એ દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠે પણ ભારે તારાજી સર્જી છે. જેમા વલસાડના ઉમરગામ તાલુકામાં સૌથી વધુ 7.51 ઇંચ વરસાદ નોંધાયો છે. વાવાઝોડાના કારણે જિલ્લાઓમાં રાત્રીના સમયથી જ વીજ પુરવઠો ખોરવાયો છે.
વલસાડ જિલ્લાને સૌથી વધુ અસર
દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાથી સૌથી વધુ ખાનાખરાબી વલસાડ (valsad) જિલ્લામાં સર્જાઈ છે. આજે સવારે પણ વાવાઝોડાની અસર વ્યાપક જોવા મળી છે. વાપીમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો છે. અહી 40 થી 50 ની સ્પીડે પવન ફૂંકાઈ રહ્યો છે. કેટલાક ઘરો તથા દુકાનોના પતરા તૂટીને ઉડ્યા છે, તો વૃક્ષો જમીનમાંથી ઉખડી ગયા છે. વાપીમાં મોટાભાગના વિસ્તારોમાં વીજળી ડુલ થઈ છે.
વલસાડ જિલ્લામાં રાતભર તોફાની પવન સાથે વરસાદ વરસ્યો છે. જિલ્લાના ઉમરગામ, કપરાડા ,ધરમપુર, પારડી વલસાડ અને વાપી તાલુકામાં વરસાદ તૂટી પડ્યો છે. 24 કલાકમાં વલસાડ જિલ્લાના ઉમરગામમાં 7.51 ઈંચ વરસાદ પડ્યો છે. જિલ્લાના કન્ટ્રોલ રૂમમાં અનેક વિસ્તારમા ઝાડ પડવાના કોલ મળ્યા છે.
ઉમરગામ 7.51 ઈંચ
કપરાડા 07 મીમી
ધરમપુર 10 મીમી
વાપી 17 મીમી
પારડી 1.56 ઇંચ
વલસાડ 2 ઇંચ
નવસારીના દરિયામાં હજુ પણ કરંટ
તો નવસારી જિલ્લાના દરિયા કિનારે દરિયામાં કરંટ હજી પણ યથાવત છે. પવનની ગતિમાં પણ વધારો થયો છે. ઉભરાટ, વાસી, બોરસી, માછીવાડ, કૃષ્ણપુર, ઓનજલ માછીવાડ, મેઘર અને ભાટ ગામના દરિયા કાંઠે હજુ મહાકાય મોજા ઉછળી રહ્યા છે. તૌકતે વાવાઝોડાની અસર હજુ દરિયામાં દેખાઈ રહી છે. નવસારી જિલ્લામાં 125 એમએમ વરસાદ નોંધાયો છે. અવિરત વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે. જેમાં સૌથી વધુ વરસાદ જલાલપોર તાલુકામાં ૩૩ એમએમ નોંધાયો છે.