Madhya Gujarat

રાષ્ટ્રનિર્માણ માટેનું પહેલું પગથિયું એટલે શિક્ષણ : નાયબ સચિવ

આણંદ : આણંદ જિલ્લામાં પણ શાળા પ્રવેશોત્સવના તબક્કાની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શિક્ષણ વિભાગના નાયબ સચિવ હિતેશ ગોહેલ ઉપસ્થિત રહી ડભાસી, બોચાસણ અને હરીપુરા પ્રાથમિક શાળાના બાળકોનો આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ- 1માં પ્રવેશ કરાવ્યો હતો. આ પ્રસંગે નાયબ સચિવ હિતેશ ગોહેલએ જણાવ્યું હતું કે, કોઈ પણ દેશના વિકાસમાં શિક્ષણ અને સહભાગીતા મહત્વનો ભાગ ભજવે છે. રાષ્ટ્રનિર્માણ માટેનું પહેલું પગથિયું શિક્ષણ છે અને શિક્ષણ માટેનું પ્રથમ પગથિયું શાળા પ્રવેશોત્સવ. શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર આણંદ જિલ્લો સહભાગીતા ક્ષેત્રે સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે છે. આણંદવાસીઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘સૌનો સાથ સૌનો વિકાસ’ વાક્યને ખરા અર્થમાં ચરિતાર્થ કર્યું છે. નાયબ સચિવએ શાળાના બાળકો સાથે સહજ સંવાદ કરી બાળકોનું પ્રોત્સાહન વધાર્યું હતું. તેમજ વાલીઓને તેમના બાળકો શિક્ષણ પ્રત્યે જાગૃત બને તે જોવા અનુરોધ કર્યો હતો.

શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે શિક્ષણ વિભાગના નાયબ સચિવ હિતેશ ગોહેલએ બોરસદ તાલુકાની ડભાસી, બોચાસણ અને હરીપુરા પ્રાથમિક શાળામાં બાળકોને કુમકુમ તિલક કરી શૈક્ષણિક કીટ અને રમકડા આપીને આંગણવાડી, બાલવાટિકા અને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. આ તકે નાયબ સચિવએ સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના સભ્યો સાથે શિક્ષણનું સ્તર વધુ ઊંચું લાવવા ચર્ચા-વિચારણા કરી હતી. આ કાર્યક્રમમાં અંતે શાળામાં સો ટકા હાજરી ધરાવતા વિદ્યાર્થીઓ, તેજસ્વી વિદ્યાર્થીઓ અને દાતાઓનું સન્માન, આધાર કાર્ડ અને આરોગ્ય કાર્ડનું વિતરણ, તેમજ મહાનુભાવના હસ્તે શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે ડભાસી પ્રાથમિક શાળામાં 13 બાળકોને આંગણવાડીમાં,  38 બાળકોને બાલવાટિકામાં અને 4 બાળકોને ધોરણ-1માં પ્રવેશ અપાયો હતો. તેવી જ રીતે બોચાસણ પ્રાથમિક શાળામાં 13 બાળકોને આંગણવાડીમાં, 35 બાળકોને બાલવાટિકામાં અને 1 બાળકને ધોરણ-1માં પ્રવેશ આપવામાં હતો. જ્યારે હરીપુરા પ્રાથમિક શાળામાં 18 બાળકોને બાલવાટિકામાં અને 1 બાળકને ધોરણ-1માં પ્રવેશ અપાયો હતો. આ પ્રસંગે સી-સી.આ.સી કોર્ડીનેટર પ્રકાશભાઈ પ્રજાપતિ, સંબંધિત શાળાના આચાર્ય-શિક્ષકો, એસએમસીના સભ્યો, દાતા સહિતના મહાનુભાવો, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top