National

મની લોન્ડરિંગ કેસમાં ED એ સંજય સિંહ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ એક્સાઇઝ પોલિસી મામલાને લગતા મની લોન્ડરિંગ (Money Laundering) કેસમાં આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહ વિરુદ્ધ રાઉઝ એવન્યુ કોર્ટમાં ચાર્જશીટ (Chargesheet) દાખલ કરી છે. EDએ દારૂ નીતિ કેસમાં સંજય સિંહ અને અન્ય આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. EDએ સંજય સિંહ વિરુદ્ધ રૂઝ એવન્યુ કોર્ટમાં જે ચાર્જશીટ દાખલ કરી છે તે 60 પાનાની છે.

આબકારી નીતિના અમલીકરણમાં અનિયમિતતાના આક્ષેપો વચ્ચે દિલ્હી સરકારે સપ્ટેમ્બર 2022માં તેને પાછી ખેંચી લીધી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દાવો કર્યો છે કે દિલ્હી લિકર પોલિસીમાં કેટલાક ડીલરોને ફાયદો કરાવવા માટે કથિત રીતે લાંચ લેવામાં આવી છે. આ પૈસા પાર્ટી માટે વાપરવામાં આવ્યા છે. EDનો આરોપ છે કે સંજય સિંહની પણ એક્સાઇઝ પોલિસી બનાવવામાં મહત્વની ભૂમિકા હતી અને તે લાંચના વ્યવહારમાં સામેલ હતો. આમ આદમી પાર્ટી આ આરોપોને ફગાવી રહી છે. AAPનું કહેવું છે કે કેન્દ્ર સરકાર રાજકીય લાભ માટે કેન્દ્રીય તપાસ એજન્સીઓનો ઉપયોગ કરી રહી છે. સાથે જ ભાજપનું કહેવું છે કે તપાસ એજન્સી પુરાવાના આધારે કાર્યવાહી કરે છે.

જણાવી દઈએ કે આ વર્ષે જાન્યુઆરીમાં EDએ દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં તેની ચાર્જશીટમાં સંજય સિંહનું નામ ઉમેર્યું હતું. આ અંગે સંજય સિંહે ભારે હોબાળો મચાવ્યો હતો. આ પછી મે મહિનામાં સંજય સિંહે દાવો કર્યો હતો કે EDએ ભૂલથી તેમનું નામ જોડી દીધું હતું. EDની ચાર્જશીટમાં સંજય સિંહ પર 82 લાખ રૂપિયાનું દાન લેવાનો આરોપ છે. દિલ્હી લિકર પોલિસી કેસમાં EDની બીજી સપ્લીમેન્ટરી ચાર્જશીટ 2 મેના રોજ બહાર પાડવામાં આવી હતી જેમાં AAPના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાનું નામ પણ સામે આવ્યું હતું. જોકે તેને આરોપી બનાવવામાં આવ્યા નથી.

24 નવેમ્બરે સંજય સિંહને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સુનાવણી દરમિયાન કોર્ટે ફરી એકવાર તેમની કસ્ટડી વધારી દીધી હતી. કોર્ટે 4 ડિસેમ્બર સુધી કસ્ટડી લંબાવી હતી. આ પહેલા કોર્ટે સંજય સિંહને 10 નવેમ્બરે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હતા. સંજય સિંહે રાઉઝ એવન્યુ કોર્ટ, દિલ્હી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી પરંતુ હજુ સુધી તેમને તેમાં સફળતા મળી નથી.

Most Popular

To Top