વડોદરા : વડોદરાની ગોત્રી જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં શનિવારે થયેલી રેગિંગની ઘટનાના ગંભીર પડઘા પડ્યા છે.સોમવારે એન્ટી રેગિંગ કમિટી દ્વારા બોલાવાયેલી બેઠકમાં વિદ્યાર્થીઓના વાલીઓ તેમજ ગોરવા પોલીસને સાથે રાખી આ મામલે ચર્ચા વિચારણા કરાઈ હતી. જ્યારે સમગ્ર મામલે રેગિંગના જવાબદાર ડો.નૈતિક પટેલ અને ભાર્ગવ બલદાણીયાને તાત્કાલિક છુટા કરી દીધા બાદ તેઓની હોસ્ટેલમાંથી પણ હકાલપટ્ટી કરી દેવાઈ છે. જ્યારે બીજી તરફ ડિપ્રેશનમાં આવી ગયેલ એક વિદ્યાર્થીને તેના વાલી દ્વારા ગોત્રી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લઈ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે. જ્યારે રાજ્ય સરકારે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. જેમાં સરકારે કોલેજ મેનેજમેન્ટ પાસે સમગ્ર ઘટનાક્રમની વિગતો મંગાવી છે.
વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજમાં સિનિયર મેડિકલ સ્ટુડન્ટ્સ દ્વારા 60 વિદ્યાર્થીઓને વહેલી સવારે ચાર વાગે 100 ઉઠક બેઠક કરાવીને રેગિંગ કરવામાં આવ્યું હતું.જે બાદ ત્રણ વિદ્યાર્થીઓની તબિયત લથડતાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.જ્યારે રેગિંગનો ભોગ બનેલા વિદ્યાર્થીઓએ આ મામલે કોલેજના ડીનને બનાવની જાણ કરી હતી.સમગ્ર બનાવ અંગે એન્ટી રેગિંગ કમિટીની તપાસ દરમિયાન ડો.નૈતિક પટેલ, ભાર્ગવ બલદાણીયા સહિત અન્ય એક પૂર્વ વિદ્યાર્થી દ્વારા ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે રેગિંગ કરાવ્યું હોવાનું સામે આવતા તત્કાલ ડો.નૈતિક પટેલ અને ભાર્ગવ બલદાણીયાને છુટા કરી દેવામાં આવ્યા હતા.
જ્યારે સોમવારે પેરેન્ટ્સ ગોરવા પોલીસ અને એન્ટી રેગિંગ કમિટીની મળેલી બેઠક દરમિયાન બે સિનિયર તબીબોની હોસ્ટેલમાંથી પણ હકાલપટ્ટી કરી દેવાનો નિર્ણય લેવાયો હતો. જ્યારે બહારથી આવીને અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હેરાન કરતા તત્વો વિરુદ્ધ તપાસ માટે એન્ટી રેગિંગ કમિટી દ્વારા ગોરવા પોલીસને રિપોર્ટ સુપ્રત કરવામાં આવ્યો છે. આ અંગે માહિતી આપતા કોલેજના ડીન ડો.વર્ષાબેન ગોડબોલેએ જણાવ્યું હતું કે સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સ, ગોરવા પી.આઈને અને વિદ્યાર્થીઓના પ્રતિનિધિઓને મિટિંગમાં બોલાવ્યા હતા. પૂર્વ ત્રણ વિદ્યાર્થીઓ દ્વારા જે વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કર્યો છે તે તપાસમાં સામે આવ્યું હતું. આ અંગે એન્ટી રેગિંગ કમિટી દ્વારા પોલીસને એક રિપોર્ટ સુપ્રત કરવામાં આવ્યો છે.
પૂર્વ વિદ્યાર્થીઓ બહારથી અહીં આવીને અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હેરાન કરે છે તો તેની તપાસ માટે રિપોર્ટ મોકલાવેલો છે. હવેથી આવા વિદ્યાર્થીઓ આવા ન જોઈએ. ત્રીજા વર્ષમાં જે વિદ્યાર્થીઓ છે તેમની માટે કમિટીએ નિર્ણય લીધો છે કે હોસ્ટેલમાંથી હકાલપટ્ટી કરશે. આ ઉપરાંત એકેડમિક ટર્મ આગળ ચાલુ રાખવી કે નહીં તે હાલ વિચારણા હેઠળ છે.એક વિદ્યાર્થી જે અહીં દાખલ હતો. જે અહીંયા ખૂબ જ ડિસ્ટર્બ થતો હતો કેમ કે બીજા વિદ્યાર્થીઓ અહીં આવતા હતા તેના કારણે તે અપસેટ થઈ ગયો હતો માટે તેના વાલીઓ દ્વારા તેને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા છે. રેગિંગ કરનાર નૈતિક પટેલ અને ભાર્ગવ બલદાણીયા સહિત અન્ય એકના પેરેન્ટ્સને બોલાવ્યા છે.
હોસ્ટેલમાંથી તો તેમની હકાલપટ્ટી કરી દેવાઇ છે કેમકે આવો છે બનાવ બન્યો છે તે ખૂબ જ ગંભીર કહેવાય જે ફરીથી ન બનવું જોઈએ આ ઉપરાંત હોસ્ટેલમાંથી પણ તેમના પ્રવેશ પર પાબંદી લગાવી દેવાઈ છે. હાલ અભ્યાસ મામલે આગળ પાછળનો રેકોર્ડ ચકાસ્યા બાદ તે અંગે આગામી નિર્ણય લેવાશે તેમાં વિલંબ થશે તેમ જણાવ્યું હતું. નોંધનીય છે કે વડોદરામાં ઘટેલી આ રેગિંગની ઘટનાના પડઘા ગાંધીનગર સુધી પડ્યા છે. આ મામલે કોલેજના સત્તાધીશો પાસે સમગ્ર માહિતી મંગાવી રાજ્ય સરકારે તપાસના આદેશ આપ્યા છે.