22 ફેબ્રુઆરી 2022 ના રોજ બપોરે 1.24 વાગ્યે, પૃથ્વી(Earth)થી લગભગ 53.66 લાખ કિલોમીટર દૂરથી એક મોટો લઘુગ્રહ(Asteroid)પસાર થઇ શકે છે. અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસા(NASA)એ તેને સંભવિત ખતરનાક એસ્ટરોઇડની શ્રેણીમાં મૂકયું છે. હજી તેના આકાર વિશે કોઇ ચોક્કસ માહિતી મળી નથી. પરંતુ વૈજ્ઞાનિકો(Scientist)ના મત અનુસાર આ 623 ફૂટથી લઇને 1410 ફૂટ જેટલો લાંબો હોઇ શકે છે. અંતરિક્ષથી આવતા આ ખડકનું નામ Asteroid (455176) 1999 VF22 છે. 22 ફેબ્રુઆરી મંગળવારના રોજ તે પૃથ્વીની નજીકથી પસાર થશે. ધરતી અને ચંદ્ર વચ્ચે જેટલું અંતર છે તેના 14 વખત જેટલા અંતરેથી પસાર થશે. જો કે અંતરિક્ષ વિશ્વમાં આ અંતરને વધુ માનવામાં નથી આવતો. તે 90,360 કિલોમીટર પ્રતિ કલાકના દરે પૃથ્વીની નજીકથી પસાર થશે. એટલે કે 25.10 કિલોમીટર પ્રતિ સેકન્ડ જેટલી ઝડપે પસાર થશે. એસ્ટરોઇડ (455176) 1999 VF22 એટલો મોટો છે કે જો તે પૃથ્વી પર ક્યાંક પડે તો ભારે વિનાશ સર્જી શકે છે. જમીન પર અણુ બોમ્બ જેવો અને સમુદ્રમાં સુનામી જેવો મોટો ખતરો થઈ શકે છે. જો કે એવું પણ કહેવાય છે કે તેની પૃથ્વી સાથે અથડાવાની હાલ કોઈ શક્યતા નથી, પરંતુ જો તે અથડાશે તો તે હિરોશિમા-નાગાસાકી પર પડેલા અણુબોમ્બ કરતાં વધુ વિનાશ સર્જશે.
આ પ્રકારનો એસ્ટરોઈડ પૃથ્વીની સૌથી નજીક હવે લગભગ એક સદી પછી આવશે
તે એક સ્ટોન એસ(S) આકારનો એસ્ટરોઇડ છે
તે 623 ફૂટથી લઇને 1410 ફૂટ જેટલો લાંબો છે
આ પ્રકારનો લઘુગ્રહ પૃથ્વીની સૌથી નજીક હવે લગભગ એક સદી પછી આવશે. એટલે કે 2150માં 23 ફેબ્રુઆરીએ આવે તેવું વૈજ્ઞાનિકોનું માનવું છે. હાલ જે એસ્ટરોઇડ પૃથ્વી તરફ આવી રહ્યો છે તેની શોધ વર્ષ 1999માં 31 ઓક્ટોબરની તારીખે નોંધવામાં આવી હતી. કેટાલિના સ્કાય સર્વે દ્વારા તેની શોધ કરવામાં આવી હતી. સ્પેસ ઓબ્જેક્ટની નજીક આવવાથી વૈજ્ઞાનિકોને તેનો અભ્યાસ કરવાની તક મળે છે. તે એક સ્ટોન એસ(S) આકારનો એસ્ટરોઇડ છે, જે એપોલો એસ્ટરોઇડ જૂથનો છે. એપોલો એસ્ટરોઇડ જૂથ એ એસ્ટરોઇડ્સનું સૌથી સામાન્ય જૂથ છે. Asteroid (455176) 1999 VF22 આકાશમાં ઝડપથી આગળ વધતી વખતે તારાની જેમ દેખાશે. બસ તેની સ્થિતિ સતત બદલાતી રહેશે.
રશિયામાં તબાહી મચાવી હતી
પૃથ્વી પર છેલ્લે વર્ષ 2013માં એક લઘુગ્રહે રશિયામાં ઘણી તબાહી મચાવી હતી. આ એસ્ટરોઇડ 17 મીટરનો હતો. તે રશિયા પર આવ્યું અને વાતાવરણમાં વિસ્ફોટ થયો હતો. જેના કારણે શહેરની તમામ ઈમારતોના કાચ તૂટી ગયા હતા. ઘણા લોકો ઘાયલ થયા હતા. આ પહેલા વર્ષ 1908માં રશિયામાં તબાહી મચાવનાર એસ્ટરોઇડ પોડકામેનાયા તુંગસુકા નદીમાં પડ્યો હતો. જ્યાં મોટો ખાડો સર્જાયો હતો. આને ‘તુંગસુકા ઇવેન્ટ’ કહેવામાં આવે છે. નાસાના જણાવ્યા અનુસાર જો કોઇ એસ્ટેરોઇડ 140 મીટરથી વધુ વ્યાસ કે લંબાઇનો હોય તો તે તુંગસુકા ઈવેન્ટ જેટલો વિનાશ સર્જવાની સંભાવના ધરાવે છે. જ્યારે Asteroid (455176) 1999 VF22 તો 623 ફૂટથી લઇને 1410 ફૂટ જેટલો લાંબો છે. જો એ પૃથ્વી પર પડે તો સુનામી અને ભૂકંપ સર્જી શકે છે.